વોટ ચોરીનો વિવાદઃ સંસદથી ચૂંટણી આયોગ સુધી વિપક્ષી સાંસદોનો વિરોધ!

દેશમાં અત્યારે રાહુલ ગાંધીએ કરેલી વોટ ચોરીની વાતને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ મતદાર યાદીમાં ગડબડીને લઈને ગંભીર આક્ષેપો કર્યા છે. આ મુદ્દે આજે વિરોધ પક્ષના સાંસદોએ સંસદના મકર દ્વારથી ચૂંટણી આયોગના કચેરી સુધી માર્ચ કાઢવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત અનેક વિરોધ પક્ષના સાંસદોની પોલીસે અટકાયત કરી છે.

પોલીસે સાંસદોના માર્ચને ઈલેક્શન કમિશન સુધી જવા દેવાની મંજૂરી આપી નહોતી. તે છતાં વિરોધ પક્ષના સાંસદોએ માર્ચ ચાલુ રાખી, જેના પગલે પોલીસે કાર્યવાહી કરી છે. ઈલેક્શન કમિશનની બહાર દિલ્હી પોલીસ સાથે પેરામિલિટરી દળના જવાનોની તૈનાતી કરવામાં આવી હતી.

બેરિકેડિંગ કરીને માર્ચને અટકાવવામાં આવી હતી. પરંતુ ઘણા સાંસદ બેરિકેડ પર ચઢી ગયા અને કૂદી ગયા. અખિલેશ યાદવ પણ બેરિકેડ પરથી કૂદી ગયા હતા. આ સિવાય ટીએમસી સાંસદ સાગરીકા ઘોષ અને મહુઆ મોઇત્રા બેરિકેડ પર ચઢી ગયા હતા. બાદમાં અખિલેશ યાદવ ધરણા પર બેસી ગયા અને કહ્યું કે પોલીસ અમને રોકી રહી છે.

  • આ મામલે નિવેદન આપતા રાહુલ ગાંધીએ કહ્યું કે, હકીકત એ છે કે તેઓ બોલી શકતા નથી. સત્ય દેશ સામે છે. આ લડત રાજકીય નથી. આ બંધારણ બચાવવાની લડત છે. આ લડત એક વ્યક્તિ, એક વોટ માટે છે. અમને સ્વચ્છ અને સાચી મતદાર યાદી જોઈએ.
  • પ્રિયંકા ગાંધીએ આ મામલે નિવેદન આપતા કહ્યું કે, “આ લોકો ડરી ગયા છે. સરકાર કાયર છે.”
  • જ્યરામ રમેશે કહ્યું કે ફક્ત 30 નહીં, આખું વિરોધ પક્ષ ચૂંટણી આયોગ જશે.
  • આ પર અખિલેશ યાદવે કહ્યું કે, જેટલા લોકોને જવા દે તેટલા અમે જવા તૈયાર છીએ. પોલીસ જવા દે તો અમે લોકો ચૂંટણી આયોગ જવા માટે તૈયાર છીએ.
    પણ પોલીસ જવા નથી દેતી.

પોલીસે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત અનેક સાંસદોને અટકાયત કરી છે અને બસમાં બેસાડી લઈ ગઈ છે. આ પહેલા આજે ચૂંટણી આયોગે વિરોધ પક્ષના 30 સભ્યોના પ્રતિનિધિમંડળને મુલાકાત માટે બોલાવ્યું હતું.

ચૂંટણી આયોગે 30 લોકોને બપોરે 12 વાગ્યે મળવા માટે આમંત્રણ આપ્યું હતું.
ભારત નિર્વાચન આયોગ સચિવાલયે કોંગ્રેસ સાંસદ જ્યારામ રમેશને પત્ર લખીને બપોરે 12 વાગ્યે વાતચીત માટે સમય આપ્યો હતો. જગ્યાની અછતને કારણે મહત્તમ 30 વ્યક્તિઓનાં નામ આપવા વિનંતી કરવામાં આવી હતી.

આ પર વિરોધ પક્ષે કહ્યું કે ચૂંટણી આયોગે કે તો બધાને બોલાવવા જોઈએ. જો અમે જઈશું તો બધા સાથે જ જઈશું, નહીંતર કોઈ નહીં જાય. અમે સાથે મળીને મેમોરેન્ડમ આપવા સમય માગ્યો હતો, મર્યાદિત ડેલિગેશન મળવા માટે નહીં.

મતદાર યાદીમાં ગડબડીને લઈને સંઘર્ષ ચાલુ છે. રાહુલ ગાંધી સહિત તમામ વિરોધ પક્ષના નેતાઓ ચૂંટણી આયોગ પર અનેક પ્રકારના સવાલો ઊભા કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ સીધો-સીધો ચૂંટણી આયોગ પર વોટ ચોરીનો આક્ષેપ કર્યો છે.

Share This Article
Translate »