AI એક એવી ટેક્નોલોજી છે કે જેનાથી લોકોના કામો સરળ અને વધુ સારી રીતે થઈ રહ્યા છે. AI દ્વારા એક એકદમ નવા જ યુગની શરૂઆત થઈ છે. અને આ ટેક્નોલોજી વિશ્વને એક નવી દિશામાં પ્રગતિ કરાવી રહી છે. ત્યારે હવે ભારત પણ AI ટેક્નોલોજીનો ઉપયોગ કરીને વિશ્વની મહાસત્તા ગણાતા દેશો સાથે ખભે ખભો મિલાવીને અડગ રીતે ઉભા રહેવા માટે તૈયાર છે.
પ્રાપ્ત થતી વિગતો અનુસાર, ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌને હવે ભારત દેશનું પ્રથમ AI શહેર બનાવવામાં આવશે. ભારત સરકાર દ્વારા ‘ઇન્ડિયા AI મિશન’ અંતર્ગત ઉત્તર પ્રદેશ સરકારને આના માટે 10,732 કરોડ રૂપીયા ફાળવવામાં આવ્યા છે.
સરકાર આ પૈસા ટેકનિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા તેમજ યુવાનોને AI, ડેટા એનાલિટિક્સ અને સાયબર સેફ્ટી જેવા ક્ષેત્રોમાં કામ કરી શકે તે પાછળ ખર્ચ કરશે. આ રીતે સરકાર વિઝન 2047 હેઠળ ‘ડિજિટલ’ ઉત્તર પ્રદેશનો પાયો નાખશે. આ મિશન હેઠળ લખનૌમાં ખૂબ જ ટૂંક સમયમાં એક હાઇ-ટેક AI આધારિત ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ પણ લાગુ કરવામાં આવશે. AI ની મદદથી ટ્રાફિક મોનિટરિંગ અને નિયંત્રણ ખૂબ જ સ્માર્ટ રીતે કરવામાં આવશે.
આ સિસ્ટમ વારાણસીમાં લાંબા સમયથી કાર્યરત છે. આ સાથે જ 17 મ્યુનિસિપલ કોર્પોરેશનો અને ગૌતમ બુદ્ધ નગરમાં AI થી સજ્જ CCTV, ચહેરાની ઓળખ, નંબર પ્લેટ ટ્રેકિંગ અને SOS એલર્ટ સિસ્ટમ પણ સ્થાપિત કરવામાં આવી છે.
‘AI પ્રજ્ઞા યોજના’ હેઠળ, ઉત્તર પ્રદેશ સરકાર દર મહિને 1.5 લાખ યુવાનો, શિક્ષકો, ગામના વડાઓ, સરકારી કર્મચારીઓ અને ખેડૂતોને મશીન લર્નિંગ, AI, ડેટા એનાલિટિક્સ અને સાયબર સુરક્ષાને લઈને ટ્રેનિંગ આપી રહી છે.
આ ઉપરાંત, સરકાર તેમને માઇક્રોસોફ્ટ, ગૂગલ, ઇન્ટેલ અને ગુવી જેવી મોટી કંપનીઓ પાસેથી સર્ટિફિકેટ પણ અપાવી રહી છે. હાલમાં ખેડૂતોને AI આધારિત સ્માર્ટ સિંચાઈ, ડ્રોન મેપિંગ કીટ ઓળખ અને ડિજિટલ માર્કેટ જેવી AI ટેકનોલોજીનો પરિચય કરાવવામાં આવી રહ્યો છે.
ઉત્તર પ્રદેશમાં AIનો ઉપયોગ ગવર્નન્સ કામોમાં અને આરોગ્ય સેવાઓમાં પણ ઝડપથી વધી રહ્યો છે. હવે સેટેલાઇટ ઇમેજિંગ અને AI અલ્ગોરિધમ્સની મદદથી મહેસૂલ વિભાગમાં જમીનનો ડિજિટલ નકશો બનાવવામાં આવી રહ્યો છે. જણાવી દઈએ કે, આનાથી જમીન ફાળવણી સંબંધિત વિવાદોમાં ઘટાડો જોવા મળશે.