ભારતીય સ્ટેટ બેંક (SBI)એ પોતાના ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. હવે 15 ઑગસ્ટ 2025થી બેંકના ગ્રાહકોને ઑનલાઇન IMPS ટ્રાન્સફર માટે ચાર્જ ચૂકવવો પડશે, જે પહેલા સંપૂર્ણપણે મફત હતો. IMPS (ઈન્સ્ટન્ટ મની પેમેન્ટ સર્વિસ) એક રિયલ-ટાઇમ ફંડ ટ્રાન્સફર સિસ્ટમ છે, જેના દ્વારા કોઈપણ વ્યક્તિ તરત જ પૈસા ટ્રાન્સફર કરી શકે છે. આ સેવા 24 કલાક અને 365 દિવસ ઉપલબ્ધ છે. IMPS મારફતે એક વખતમાં મહત્તમ ₹5 લાખ સુધી ટ્રાન્સફર કરી શકાય છે. SBIનો આ બદલાવ ફક્ત ઑનલાઈન ટ્રાન્ઝેક્શન પર લાગુ થશે અને કેટલાક સ્લેબમાં ઓછો શુલ્ક વસૂલવામાં આવશે. જોકે, કેટલાક પ્રકારના ખાતાઓ પર આ ચાર્જ લાગશે નહીં.
ઑનલાઇન IMPS ટ્રાન્સફર પર લાગતા ચાર્જ
- ₹25,000 સુધી — કોઈ ચાર્જ નહીં
- ₹25,001 થી ₹1 લાખ — ₹2 + GST
- ₹1 લાખ થી ₹2 લાખ — ₹6 + GST
- ₹2 લાખ થી ₹5 લાખ — ₹10 + GST
પહેલાં આ તમામ ઑનલાઇન ટ્રાન્સફર પર કોઈ ચાર્જ લાગતો ન હતો, પરંતુ હવે દરેક સ્લેબ મુજબ થોડું શુલ્ક ચૂકવવું પડશે.
શાખામાંથી IMPS કરવા પર કોઈ ફેરફાર નહીં
જો તમે SBIની શાખામાં જઈને IMPS કરો છો, તો ત્યાં પહેલાની જેમ જ ચાર્જ લાગશે. તેમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી. શાખામાંથી કરવામાં આવેલા IMPS ટ્રાન્ઝેક્શન પર ચાર્જ ₹2 થી શરૂ થઈને ₹20 + GST સુધી થઈ શકે છે, જે ટ્રાન્સફરની રકમ પર આધારિત છે.
અન્ય બેંકોમાં શું સ્થિતિ છે?
કેનરા બેંકમાં ₹1,000 સુધી કોઈ ચાર્જ નથી, જ્યારે ₹1,000 થી ₹5 લાખ સુધીના ટ્રાન્ઝેક્શન પર ₹3 થી ₹20 + GST સુધીનો ચાર્જ વસૂલવામાં આવે છે. PNB (પંજાબ નેશનલ બેંક)માં ₹1,000 સુધી કોઈ ચાર્જ લાગતો નથી. ₹1,001 થી વધુના ઑનલાઇન ટ્રાન્ઝેક્શન પર ₹5 થી ₹10 + GST સુધીનો ચાર્જ છે, જ્યારે શાખામાંથી ટ્રાન્ઝેક્શન કરવામાં આવે તો આ ચાર્જ થોડો વધુ હોય છે.