અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર એક પછી એક ટેરિફ લગાવીને વિચાર્યું હશે કે કદાચ થોડાં જ દિવસોમાં ભારત તેમની શરતો માની લેશે અને રશિયાથી તેલ લેવાનું બંધ કરી દેશે અને અમેરિકા સાથે વેપાર સોદો કરવા માટે મજબૂર થઈ જશે. પરંતુ ભારત તરફથી એવો જવાબ આપવામાં આવ્યો છે કે ટ્રમ્પ પાસે અફસોસ કરવા સિવાય કંઈ બચ્યું નથી. હવે તો સરકાર ખુલ્લેઆમ તેમની દાદાગીરીને પડકાર આપી રહી છે. પહેલા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ભારત કોઈ પણ કિંમતે પોતાના ખેડૂતોના હિતોથી સમાધાન નહીં કરે. સવારે રાજનાથ સિંહે કહ્યું કે કેટલાક લોકો બોસ બનવાની કોશિશ કરી રહ્યા છે. હવે કેન્દ્રિય પરિવહન મંત્રી નિતિન ગડકરી પણ કહી બેઠાં કે આર્થિક રીતે સંપન્ન દેશો દાદાગીરી કરે છે. ભારતે અમેરિકાને પાઠ ભણાવવાનું નક્કી કરી લીધું છે.
દરેક કિંમત ચૂકવવા માટે તૈયાર છું: વડાપ્રધાન મોદી
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, અમારા માટે અમારા ખેડૂતોના હિતો પ્રાથમિકતા છે. ભારત પોતાના ખેડૂતો, પશુપાલકો અને માછીમાર ભાઈ-બહેનોના હિતો સાથે ક્યારેય સમાધાન નહીં કરે. મને ખબર છે કે તેની કેટલી મોટી કિંમત ચૂકવવી પડશે, પણ હું તે માટે તૈયાર છું.
કેટલાક લોકો પોતાને બોસ સમજતા હોય છેઃ રક્ષામંત્રી રાજનાથ સિંહ
ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, કેટલાક લોકો પોતાને દુનિયાનાં બોસ સમજતા હોય છે. તેઓને ભારતનો વિકાસ ગમતો નથી. ઘણા લોકો પ્રયત્નો કરી રહ્યા છે કે ભારતમાં બનેલી વસ્તુઓ, ભારતીયોના હાથેથી બનેલી વસ્તુઓ તે દેશોમાં બનેલી વસ્તુઓ કરતાં વધુ મોંઘી થઈ જાય, જેથી જ્યારે વસ્તુઓ મોંઘી થઈ જાય, ત્યારે દુનિયા તેને ન ખરીદે. આવી કોશિશ થઈ રહી છે. પરંતુ હું પૂરેપૂરા વિશ્વાસ સાથે કહી રહ્યો છું કે હવે દુનિયાની કોઈ શક્તિ ભારતને દુનિયાની એક મોટી શક્તિ બનવાથી રોકી નહીં શકે.
અમિર દેશો દાદાગીરી કરે છેઃ નીતિન ગડકરી!
કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરીએ આડકતરી રીતે ડોનાલ્ડ ટ્રમ્પને આડેહાથ લેતા કહ્યું કે, આજે જે દાદાગીરી કરે છે, તે એ માટે કરે છે કારણ કે તેઓ આર્થિક રીતે સંપન્ન છે. કારણ કે તેમના પાસે ટેક્નોલોજી છે. જો તેમની કરતાં સારી ટેક્નોલોજી અને સાધનો આપણા પાસે આવશે, તો આપણે દાદાગીરી કરવી નથી. અમારી સંસ્કૃતિ કહે છે કે વિશ્વનું કલ્યાણ થવું જોઈએ. જો આપણે વિશ્વ ગુરુ બનવું હોય તો આપણા વૈજ્ઞાનિકો અને ઈજનેરોને એ દિશામાં કામ કરવું પડશે. મને નથી લાગતું કે આપણે કોઈ પાસે જવું પડશે.