તાપી, ગીરસોમનાથ, બનાસકાંઠા, અમરેલી, ભાવનગર સહિત રાજ્યના અનેક જિલ્લાઓ એવા છે કે જ્યાં અત્યારે ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. એક બાજુ મેઘરાજા રીસાઈ ગયા છે, બીજી બાજુ મોંઘી દવા અને બીયારણ ખેડૂતોએ ખરીદીને રાખ્યું છે પરંતુ વરસાદ પાછો ઠેલાયો છે અને એટલે જ જગતનો તાત ચિંતામાં મૂકાયો છે. અમરેલી જિલ્લાની વાત કરીએ તો અહીંયા વરસાદ તો ખેંચાયો જ છે પરંતુ સાથે જ પીજીવીસીએલ દ્વારા ખેડૂતોને પૂરતા પ્રમાણમાં લાઈટ પણ મળી રહી નથી. જો પૂરતા પ્રમાણમાં લાઈટ મળે તો અત્યારે ખેડૂતો સિંચાઈ કરીને પણ ખેતી કરી શકે. ત્યારે હવે ખેડૂતોએ સરકારને અપીલ કરી છે, કે સરકાર દ્વારા આ મામલે ખેડૂતોની વાત સાંભળી અને પૂરતા પ્રમાણમાં વિજળી આપવામાં આવે, જેથી ખેડૂતો સિંચાઈ કરીને પણ ખેતી કરી શકે. ગીર સોમનાથ જિલ્લામાં ખાસ કરીને સમુદ્ર કાંઠા વિસ્તારમાં આ વર્ષે વરસાદમાં ખૂબ જ વિલંબ થયો છે. જેના કારણે ખેડૂતોને વાવણી બાદ પાકના પોષણ માટે હાલ ડ્રિપ દ્વારા ફુવારા પદ્ધતિથી પાણી છાંટી પાકને બચાવવાના પ્રયત્નો શરૂ કરી દીધા છે.
ખેડૂતોના જણાવ્યા મુજબ હાલ છેલ્લા પંદર-વીસ દિવસથી ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ વરસતો નથી. જિલ્લામાં છેલ્લા એક માસ દરમિયાન જ્યાં પણ વરસાદ વરસ્યો ત્યાં માત્ર હળવા ઝાપટા વરસ્યા હતા. પરંતુ જમીનમાં ભેજ થાય અને ખેતીમાં લાંબા ગાળાનો ફાયદો કરે એવો વરસાદ વરસ્યો નથી, જેને લઈને ખેડૂતોની ચિંતા વધી છે. હવામાન વિભાગની સારા વરસાદની આગાહી હજુ સુધી તાપી જિલ્લામાં સાચી પુરવાર થઇ નથી, બીજી તરફ કોરોનાના આ કપરા સમયમાં મોંઘવારી અને ઓછા વરસાદ એમ બેવડો માર સહન કરી રહેલા તાપી જિલ્લાના નાના કદના મહત્તમ આદિવાસી ખેડૂતોની હાલત કફોડી બની રહી છે. ત્યારે કુદરત તેમના પર મહેરબાન થાય અને ખેતી લાયક વરસાદ વરસે તેવી આશ લગાવી તેઓ દરરોજ આકાશ તરફ મીટ માંડી બેઠા છે. બીજી તરફ ભાવનગરના મહુવા જિલ્લામાં છેલ્લા એક માસથી વરસાદ ન પડતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. સ્થિતિ એ છે કે, વરસાદના વિલંબના કારણે અત્યારે ખેતરોમાં ઉભેલા પાકને પણ નુકસાન થવાની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે. અત્યારે ખેડૂતોને વરસાદની તાતી જરૂરીયાત છે. કારણ કે, જો વરસાદ થશે તો જ ખેતરમાં ઉભેલા પાકને જીવનદાન મળશે.
ખંઢેરી ગામના ખેડૂત કરસનભાઈ બારડના જણાવ્યા મુજબ, કુવામાં પાણી છે પરંતુ એ સીમિત માત્રામાં છે. જો વરસાદ વધુ ખેંચાય એટલે કે હજુ મોડો પડે અને વિલંબ થાય તો આવનાર સમયમાં પાકને બચાવી શકાય નહીં. ચોમાસાની શરૂઆતમાં થોડો વરસાદ થતાં ખેડૂતોએ ચોમાસુ પાકનું વાવેતર કર્યું હતું પરંતુ છેલ્લા એક મહિનાથી સારો વરસાદ નથી થયો, અને જે થયો છે તે પણ માત્ર ઝાપટા વરસ્યા છે જેને લઈને ખેડૂતોમાં ચિંતા વધી છે. ખેડૂતો હવે ભગવાન ભરોસે આવી ગયા છે. ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે સોમનાથ જિલ્લામાં સારો વરસાદ થાય.