Ahmedabad ના શહેરકોટડામાં અપહરણ અને હત્યાની ચોંકાવનારી ઘટના

અમદાવાદના શહેરકોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉમંગ દાંતાણી નામના યુવકનું અપહરણ અને હત્યાનો એક ગંભીર બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ખળભળાટ મચાવી દીધો છે. ફરિયાદી સંગીતાબેન, ઉમંગની પત્ની,ના જણાવ્યા મુજબ, રાત્રે તેમનું બાળક રડતું હોવાથી ઉમંગ નાસ્તો લેવા ઘરની બહાર નીકળ્યા હતા. તેઓ સરસપુરની શારદાબેન હોસ્પિટલ પાસે ચા અને બિસ્કીટ લેવા ગયા અને ઘર નજીક આવેલા રાધે પાનની દુકાને દૂધ લેવા ગયા હતા.

આ દરમિયાન, ઉમંગની પાંચથી સાત લોકોના ટોળા સાથે બોલાચાલી થઈ. આ બોલાચાલી બાદ આરોપીઓએ ઉમંગનું અપહરણ કર્યું અને તેમને બોરડીવટનગરના છાપરા નજીકના મેદાનમાં લઈ ગયા. ત્યાં લોખંડના પાઈપ અને લાકડીઓ વડે તેમના પર ઘાતક હુમલો કરવામાં આવ્યો, જેના કારણે ઉમંગનું મોત નીપજ્યું. આરોપીઓએ ત્યારબાદ ઉમંગનો મૃતદેહ વોરાના રોજા નજીક જાહેર રોડ પર તરછોડી ફરાર થઈ ગયા.

આ ઘટના અંગે સંગીતાબેને શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે તપાસ શરૂ કરી અને ક્રાઈમ બ્રાન્ચે નરોડા, નિકોલ અને ચિત્રકૂટ જોગણી માતાના મંદિર પાસેના વિસ્તારમાં આરોપીઓની શોધખોળ હાથ ધરી. તપાસ દરમિયાન, ક્રાઈમ બ્રાન્ચે સુમિત ઉર્ફે બિલાડી પટણી, ઉમેશ ઉર્ફે અભણ પટણી અને એક સગીરની અટકાયત કરી. જ્યારે રોહન ઉર્ફે ભૂરો પટણી, આકાશ ઉર્ફે ભૂલો પટણી અને પૂનમ ઉર્ફે બલ્લો પટણીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે સુમિત અને ઉમંગના ભાઈ વચ્ચે જૂની અદાવત હતી, જે આ હુમલાનું મુખ્ય કારણ હોવાનું પ્રાથમિક તારણ છે. સુમિત વિરુદ્ધ નિકોલ, મહેસાણા અને ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં હત્યા, હત્યાનો પ્રયાસ (IPC 302, 307) અને મારામારીના ગુના નોંધાયેલા છે. ઉમેશ વિરુદ્ધ પણ શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં મારામારીના ત્રણ ગુના નોંધાયેલા છે. આ કેસની ઝીણવટભરી તપાસ ચાલુ છે, અને પોલીસ બાકીના આરોપીઓને પકડવા માટે સક્રિય છે.