ખેડામાં બસ સ્ટેશન નજીક આવેલ પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગતા દોડાદોડ, આગનું વિકરાળ સ્વરૂપ, 1 કીમી દુરથી આગના ગોટેગોટા દેખાયા
ખેડા શહેર બસ સ્ટેશન નજીક આવેલ એક પ્લાસ્ટિકના ગોડાઉનમાં આજે ભિષણ આગ લાગતા દોડાદોડ મચી ગઇ છે. શુક્રવારે બપરે એકાએક આગ લાગતા ભારે અફડાતફડી મચી જવા પામી છે. જોતજોતામાં વિકરાળ આગે સ્વરૂપ લેતા આગ પ્રસરી છે. જોકે ખેડા, નડિયાદ ફાયરની ટીમો દોડી આવી છે. બનાવામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.
ખેડા શહેરમાં બસ સ્ટેન્ડ નજીક આવેલ એક પ્લાસ્ટિકના ગોડાઉનમાં શુક્રવારની બપોરે ભિષણ આગની ઘટના બની છે. ગોડાઉનામા આ આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ લીધુ છે. બનાવના પગલે આસપાસ દુકાનદારો અને ઝુંપડપટ્ટી વિસ્તારના લોકો જીવ અધ્ધર થઈ ગયા છે. જોકે ઘટનાની જાણ ખેડા અને નડિયાદ ફાયર સ્ટેશનને કરવામાં આવતા ફાયર વિભાગના કર્મચારીઓ દોડી આવ્યા છે અને લાગેલ આગ પર પાણીનો છંટકાવ કરી આ વિકરાળ આગને કાબુમાં લેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
બનાવના પગલે ખેડા પ્રાંત અધિકારી, ખેડા ટાઉન પી આઈ, અને માતર વિધાનસભાના ધારા સભ્ય સહિતના અધિકારીઓ ઘટના સ્થળ પર આવી પહોંચ્યા છે. જોકે હાલ સુધીમાં જાનહાનિના કોઈ અહેવાલ મળ્યા નથી. પરંતુ આગ એટલી વિકરાળ છે કે કાબુમાં આવતા થોડો સમય લાગી જાય તેવી શક્યતા છે. જોકે આ ગોડાઉનની બાજુમાં એક ઝુપડુ હતુ હતુ તે પણ ઝપેટમાં આવી ગયું છે. આ આગ વધુ પ્રસરે નહીં તે દિશામાં ફાયરના કર્મચારીઓ કામગીરી કરી રહ્યા છે.
નડિયાદ ફાયર બ્રિગેડના બે વોટર બ્રાઉઝરો સ્થળ પર પહોંચ્યા
આ ભિષણ આગ વધુ પ્રસરે નહીં તે હેતુસર નડિયાદ ફાયર બ્રિગેડની મદદ લેવાઈ છે. નડિયાદ ફયર બ્રિગ્રેડના બે વોટરબ્રાઉઝરો સાથે ડિસ્ટ્રિક્ટ ફાયર અધિકારી બનાવ સ્થળે પહોંચ્યા છે અને આગને કાબુમાં લેવા પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. હાલ આગને કાબુમાં લેવા તમામ પ્રયાસો અધિકરીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે.
આસપાસના વિસ્તારોમાં વિજ પ્રવાહ સ્થગિત કરાયો
આ આગના વિકરાળ સ્વરૂપ હોવાથી સુરક્ષાના ભાગરૂપે તુરત બનાવ સ્થળે અને આસપાસના વિસ્તારોમાં વિજ પ્રવાહને બંધ કરી દેવામાં આવ્યો છે. આગના કારણે કોઈ જાનહાનિ સર્જાઈ નહીં અને તકેદારીના ભાગરૂપે વિજ પ્રવાહને બંધ કરી દેવામાં આવ્યો છે. હાલ બનાવ સ્થળે લોકોના ટોળેટોળા એકઠા થયા છે. જોકે ફાયરના કર્મચારીઓ આગ બુઝાવવા પુરતા પ્રયત્નો કરી રહ્યા છે.
8-10 ફાયર ફાયટરના આગને કાબુમાં લેવા પ્રયત્નો
આ ભિષણ આગને કાબુમાં લેવા ખેડા, નડિયાદ સિવાય ધોળકા ફાયર બ્રિગેડ, અમદાવાદ ફાયર બ્રિગેડ, ONGC ફાયર બ્રિગેડ, મહેમદાવાદ ફાયર બ્રિગેડ, ચીરીપાલ કંપનીની થઈ કુલ 8-10 ફાયર ફાયટર દ્વારા આગને કાબુમાં લેવા કામગીરી કરવામાં આવી રહી છે. ગોડાઉનની ચારેય તરફ આ વોટર બ્રાઉઝર ગોઠવાઈ પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે.