Jamnagar માં ચીખલીગર ગેંગના બે તસ્કરો ઝડપાયા

Chikhligar Gang: જામનગર શહેરના ખોડીયાર કોલોની, રોયલ એન્કલેવમાં રહેતા અને જી.જી. હોસ્પિટલ રોડ પર આવેલી આરામ હોટલના સંચાલિકા હિનાબેન દિપકભાઈ ભટ્ટ (ઉ.વ. 63)ના માતા-પિતાના પટેલ કોલોની શેરી નં. 3માં આવેલા અમૃતકુંજ બંગલામાં થયેલી ચોરીનો ભેદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ ઉકેલી નાખ્યો છે. આ ઘટનામાં ચીખલીગર ગેંગના બે શખ્સોની ધરપકડ કરીને રૂ. 2.25 લાખનો મુદામાલ કબજે કરવામાં આવ્યો છે.

તસ્કરોએ લાકડાના દરવાજાનું તાળું તોડ્યુ

ગત 17 જૂનના રોજ અમૃતકુંજ બંગલો, જે લાંબા સમયથી બંધ હાલતમાં હતો, તેમાં તસ્કરોએ લાકડાના દરવાજાનું તાળું તોડીને ઘૂસણખોરી કરી હતી. બંગલામાં રાખેલી તિજોરીમાંથી તસ્કરોએ સોના-ચાંદીના દાગીના અને રૂ. 30,000 રોકડા મળીને કુલ રૂ. 2,55,000ની માલમત્તાની ચોરી કરી હતી. આ ઘટના અંગે હિનાબેન ભટ્ટ દ્વારા જામનગર પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

બાતમીના આધારે જાણવા મળ્યું કે..

ફરિયાદના આધારે એલસીબીએ તાત્કાલિક તપાસ શરૂ કરી. ટીમે ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા અને બાતમીના આધારે જાણવા મળ્યું કે ચોરીમાં સંડોવાયેલા શખ્સો બેડેશ્વર ઓવરબ્રિજ નીચે રેલવે ફાટક પાસે મુદામાલ સાથે હાજર છે. એલસીબીના પીઆઈ વી.એમ. લગારીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી.એન. મોરી, સી.એમ. કાંટેલીયા અને તેમની ટીમે વોચ ગોઠવીને ચીખલીગર ગેંગના બે શખ્સો, મહેન્દ્રસિંહ ઉધમસિંહ સરદારજી અને બલરામસિંગ ચંદાસિંગ સરદારજીની ધરપકડ કરી.

એક આરોપી ફરાર

ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી પોલીસે સોના-ચાંદીના દાગીના, રૂ. 20,000ની રોકડ, એક બાઇક અને બે મોબાઇલ ફોન મળીને કુલ રૂ. 2.25 લાખનો મુદામાલ કબજે કર્યો. આરોપીઓની પૂછપરછ દરમિયાન અમદાવાદના બાવળા વિસ્તારના હીરાસિંગ લક્ષ્મણસિંગ પટવાનું નામ સામે આવ્યું, જે હાલ ફરાર છે. પોલીસે તેને ફરાર જાહેર કરીને તેની શોધખોળ શરૂ કરી છે.

ચીખલીગર ગેંગ ચોરી માટે જાણીતી

ચીખલીગર ગેંગ બંધ મકાનો અને બંગલાઓને નિશાન બનાવીને ચોરી કરવા માટે જાણીતી છે. આ ગેંગના સભ્યો લાકડાના દરવાજા અથવા તાળાં તોડીને ઘરમાં ઘૂસી, તિજોરીઓમાંથી રોકડ અને દાગીનાની ચોરી કરે છે. આ ઘટનામાં પણ તેમની કામગીરીની પદ્ધતિ સ્પષ્ટ જોવા મળી. એલસીબીની આ તપાસથી શહેરમાં ચોરીની ઘટનાઓ પર અંકુશ મૂકવામાં મદદ મળશે તેવી આશા છે.

આ પણ વાંચો: વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટના: 12 લોકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ