વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટના: 12 લોકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

ગુજરાતના વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં આવેલા મુજપુર ગામ નજીક ગંભીરા બ્રિજનો એક ભાગ આજે સવારે લગભગ 7:30 વાગ્યે ધરાશાયી થયો, જેના કારણે મહીસાગર નદીમાં ચાર વાહનો ખાબક્યાં હતા. આ દુર્ઘટનામાં 12 લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા હોવાની આશંકા છે. આ ઘટનાએ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતા આ મહત્વના માર્ગ પર ભારે અરાજકતા સર્જી છે.

સ્થાનિકોએ વારંવાર રજુઆત કરી છતા…

ગંભીરા બ્રિજ આણંદ અને વડોદરા જિલ્લાને જોડે છે. આ બ્રિજ 1981માં બનાવવામાં આવ્યો હતો અને 1985માં ખુલ્લો મુકાયો હતો. આ 900 મીટર લાંબો બ્રિજ, જેમાં 23 થાંભલાઓ છે, લાંબા સમયથી જર્જરિત હાલતમાં હોવાનું સ્થાનિક લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે બ્રિજના સમારકામ માટે વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ વહીવટી તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યાં ન હતાં.

અચાનક બ્રિજનો મધ્ય ભાગ તૂટી પડ્યો

આજે સવારે બે ટ્રક, એક બોલેરો જીપ અને એક પીકઅપ વેન સહિતનાં ચાર વાહનો બ્રિજ પરથી પસાર થઈ રહ્યાં હતાં ત્યારે અચાનક બ્રિજનો મધ્ય ભાગ તૂટી પડ્યો. વાહનો નદીમાં ખાબકતાં ભારે અફરાતફરી મચી ગઈ. એક ટેન્કર બ્રિજના તૂટેલા ભાગ પર અટવાયેલું જોવા મળ્યું, જ્યારે એક ઇકો વેન નદીમાં ડૂબેલી હાલતમાં જોવા મળી.

રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું

ઘટનાની જાણ થતાં જ મુજપુર અને આસપાસના ગામોના સ્થનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા અને નદીમાં ફસાયેલા લોકોને બચાવવા માટે પ્રયાસો શરૂ કર્યા. વડોદરા જિલ્લાના ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. અત્યાર સુધીમાં ચાર લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જેમાંથી મોટાભાગના લોકોને નજીવી ઈજાઓ થઈ છે. ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. રેસ્ક્યૂ ઓપરેશન હજુ ચાલુ છે, અને નદીમાં ફસાયેલા અન્ય લોકો અને વાહનોને શોધવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

વહીવટી તંત્રની નિષ્ફળતા

સ્થાનિક લોકોએ બ્રિજની જર્જરિત હાલત અને જાળવણીના અભાવને આ દુર્ઘટનાનું મુખ્ય કારણ ગણાવ્યું છે. ગંભીરા બ્રિજને સુસાઇડ પોઇન્ટ તરીકે ગણવામાં આવે છે, અને તેની જાળવણી માટે વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. હજુ તો ગયા વર્ષે જ બ્રિજનું સમારકામ કરવામાં આવ્યું હતું, છતાં આ દુર્ઘટના ઘટી એ વહીવટી તંત્રની નિષ્ફળતા પર ગંભીર સવાલો ઉભા કરે છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે ઘણીવાર રજુઆતો કર્યા છતા બ્રિજ પર મોટા વાહનોની અવરજવરને નિયંત્રિત કરવામાં આવી ન હતી, અને ચોમાસા દરમિયાન પોટહોલ્સની સમસ્યા હોવા છતાં તાત્કાલિક માત્ર સામાન્ય સમારકામ કરવામાં આવ્યું હતું.

આ ઘટના બાદ રાજકીય નેતાઓએ પણ પ્રતિક્રિયા આપી છે. અંકલાવના કોંગ્રેસ ધારાસભ્ય અમિત ચાવડાએ સોશિયલ મીડિયા પર જણાવ્યું, “આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો મુખ્ય ગંભીરા બ્રિજ તૂટી પડ્યો છે. અનેક વાહનો નદીમાં પડતાં મોટી જાનહાનિની શક્યતા છે. સરકારી તંત્રએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવી જોઈએ અને ટ્રાફિક માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ.”

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક ટેકનિકલ નિષ્ણાતોની ટીમને ઘટનાસ્થળે મોકલવા અને દુર્ઘટનાના કારણોની તપાસ કરવા સૂચના આપી છે.

વાહનવ્યવહાર ખોરવાઈ ગયો

ગંભીરા બ્રિજ આણંદ, વડોદરા, ભરૂચ અને અંકલેશ્વરને જોડતો મહત્વનો માર્ગ હતો, જે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચેનું મુખ્ય જોડાણ હતું. બ્રિજ ધરાશાયી થવાને કારણે આ માર્ગ પરનો વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. વહીવટી તંત્ર દ્વારા વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા કરવામાં આવી રહી છે, પરંતુ આ ઘટનાએ સૌરાષ્ટ અને અન્ય જગ્યાઓ પર જતા ઘણા લોકોને મુશ્કેલીમાં મુકી દીધા છે.

આ દુર્ઘટનાએ ગુજરાતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સલામતી અને જાળવણીના મુદ્દાઓ પર ફરી એકવાર પ્રકાશ પાડ્યો છે. ગંભીરા બ્રિજની જેમ અન્ય જર્જરિત બ્રિજો અને માળખાઓનું સેફ્ટી ઓડિટ કરવાની માંગ ઉઠી છે. વહીવટી તંત્રે હવે આવી દુર્ઘટનાઓ ન થાય તે માટે ઝડપી અને નક્કર પગલાં લેવાની જરૂર છે.

આ પણ વાંચો: Aravalli: ભીલોડામાં વેપારીના પુત્રની હત્યા, પ્રેમસંબંધની અદાવતમાં આરોપીએ મોતને ઘાટ ઉતાર્યો