અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI171 ટેકઓફ થયાના થોડા સમય પછી જ ક્રેશ થઈ ગઈ. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ના પ્રાથમિક તપાસ અહેવાલ મુજબ, ટેકઓફ પછી તરત જ વિમાનના બંને એન્જિન બંધ થઈ ગયા હતા, જેના કારણે ફ્યુઅલ સપ્લાય ખોરવાયો. કોકપીટ વોઇસ રેકોર્ડર દર્શાવે છે કે પાઇલટ્સે ફ્યુઅલ કટ ઓફ નહતુ કર્યું.
12 જૂનના રોજ, એર ઇન્ડિયાની ફ્લાઇટ AI171 અમદાવાદથી લંડન જતી વખતે ઉડાન ભર્યાના થોડા જ સેકન્ડોમાં અકસ્માતનો ભોગ બની હતી. બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાન માત્ર 30 સેકન્ડ માટે હવામાં રહ્યું અને એરપોર્ટ નજીક મેડિકલ કોલેજ હોસ્ટેલ બિલ્ડિંગ સાથે અથડાયું. આ અકસ્માતમાં લગભગ 260 લોકો મૃત્યુ પામ્યા હતા, જેમાં વિમાનમાં સવાર 241 લોકોનો પણ સમાવેશ થાય છે, અને વિમાનમાં સવાર ફક્ત એક જ વ્યક્તિ બચી શક્યો હતો.
હવે એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) એ આ અકસ્માતનો પ્રારંભિક તપાસ અહેવાલ જાહેર કર્યો છે, જેમાં ઘણા ચોંકાવનારા તથ્યો પ્રકાશમાં આવ્યા છે. આ અહેવાલમાં ખુલાસો થયો છે કે આ અકસ્માત કોઈ ટેકનિકલ ખામીનું પરિણામ હોઈ શકે છે.
ફ્યુઅલ સપ્લાય અચાનક બંધ થઈ ગયો
AAIB ના 15 પાનાના અહેવાલ મુજબ, ટેકઓફ પછી વિમાનના બંને એન્જિન થોડીક સેકન્ડમાં બંધ થઈ ગયા. ફ્યુઅલની સપ્લાય અચાનક બંધ થઈ ગઈ, કેમ કે બંને એન્જિનની કટઓફ સ્વીચ એક સેકન્ડના અંતરમાં RUN થી CUTOFF પર જતી રહી.
કોકપીટ વોઇસ રેકોર્ડરમાં, પાઇલટે કો-પાઇલટને પૂછ્યું, “તમે કેમ કાપી નાખ્યું?” બીજાએ જવાબ આપ્યો, “મેં નથી કર્યું.” આ સૂચવે છે કે કદાચ તે પાઇલટ્સની ભૂલ ન હતી, પરંતુ તે કોઈ તકનીકી ખામીને કારણે થયું હતું.
ઉડાનની 30 સેકન્ડ
ટેકઓફ પછી વિમાન માત્ર 30 સેકન્ડ માટે હવામાં હતું.
એન્જિન બંધ થતાં જ હાઇડ્રોલિક પાવર સપ્લાય કરતી ઇમરજન્સી રેમ એર ટર્બાઇન (RAT) સક્રિય થઈ ગઈ.
પાઇલટ્સે એન્જિન ફરી શરૂ કરવાનો પ્રયાસ કર્યો – એન્જિન 1 આંશિક રીતે ઠીક થયું, પરંતુ એન્જિન 2 નિષ્ફળ ગયું.
વિમાન રનવેથી 0.9 નોટિકલ માઇલ દૂર એક હોસ્ટેલ બિલ્ડિંગ સાથે અથડાયું.
Ram Air Turbine શું છે?
રામ એર ટર્બાઇન એ એક નાનું પ્રોપેલર જેવું ઉપકરણ છે જે બંને એન્જિન બંધ થાય છે અથવા પાવર સપ્લાય બંધ થાય છે અથવા હાઇડ્રોલિક નિષ્ફળતા થાય છે ત્યારે આપમેળે કાર્યરત થાય છે. તે વિમાનને ઊંચાઈ જાળવવામાં મદદ કરે છે. RAT કટોકટી શક્તિ ઉત્પન્ન કરવા માટે પવનની ગતિનો ઉપયોગ કરે છે.
પક્ષી અથડાવાની શક્યતા નકારી કાઢવામાં આવી
રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે વિમાન એરપોર્ટની પરિમિતિ દિવાલ પાર કરે તે પહેલાં જ તેની ઊંચાઈ ઓછી થવા લાગી હતી.
તપાસમાં વિમાનના માર્ગમાં પક્ષી હોવાના કોઈ સંકેત મળ્યા નથી. આનાથી સ્પષ્ટ થાય છે કે પક્ષી અથડાવાથી અકસ્માત થયો ન હતો.
EAFR ડેટા કાઢવામાં આવી રહ્યો છે
વિમાન દુર્ઘટનાની તપાસ હજુ પણ ચાલુ છે અને ઘણા મહત્વપૂર્ણ ટેકનિકલ ભાગો ઓળખી કાઢવામાં આવ્યા છે અને વધુ તપાસ માટે અલગ રાખવામાં આવ્યા છે. AAIB એ જણાવ્યું હતું કે વિમાનના પાછળના ભાગમાં સ્થાપિત એક્સટેન્ડેડ એરફ્રેમ ફ્લાઇટ રેકોર્ડર (EAFR) ને ભારે નુકસાન થયું છે અને પરંપરાગત પદ્ધતિઓ દ્વારા તેને ઍક્સેસ કરી શકાતું નથી.
જૂની ચેતવણી અવગણવામાં આવી
- વિમાનના બધા ફ્લૅપ્સ, ગિયર અને વજન-સંતુલન સામાન્ય હતું.
- ફ્યુઅલ સાફ હતું, કોઈ ભેળસેળ કે ગડબડી મળી ન હતી.
- બંને પાઇલટ અનુભવી, તબીબી રીતે ફિટ અને ફરજ માટે તૈયાર હતા.
- હવામાન સામાન્ય હતું, આકાશ સ્વચ્છ હતું અને હળવા પવન ફૂંકાતા હતા.
હવે શું?
- AAIB કહે છે કે તપાસ હજુ ચાલુ છે…
- વિમાનના કાટમાળની તપાસ,
- એન્જિન અને અન્ય ભાગોની ફોરેન્સિક તપાસ,
- પોસ્ટમોર્ટમ રિપોર્ટનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે.
હાલમાં, કોઈના પર સીધો દોષ મૂકવામાં આવ્યો નથી, કે કોઈ પાઇલટ કે કંપની સામે કોઈ કાર્યવાહીની ભલામણ કરવામાં આવી નથી. એર ઇન્ડિયા અને બોઇંગ બંનેએ કહ્યું છે કે તેઓ તપાસમાં સંપૂર્ણ સહયોગ કરશે.
આ પણ વાંચો: Kapil Sharma ના કાફે પર ગોળીબાર કરનાર મોસ્ટ વોન્ટેડ હરજીત સિંહ પર લાખોનું ઇનામ, જાણો ક્રાઇમ કુંડળી