Aravalli: ભીલોડામાં વેપારીના પુત્રની હત્યા, પ્રેમસંબંધની અદાવતમાં આરોપીએ મોતને ઘાટ ઉતાર્યો

રાજ્યમાં નજીવી બાબતે હત્યા કરવી એ સામાન્ય વાત બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે. નરાધમોને કાયદો અને વ્યવસ્થાનો કોઈ ડર જ ન હોય તેમ હત્યાના ગુનાઓ પોલીસ ચોપડે નોંધાઈ રહ્યાં છે. ત્યારે આવી જ એક ઘટના અરવલ્લીના ભીલોડા ખાતે સામે આવી છે.

અરવલ્લી જિલ્લાના ભીલોડા ખાતે ધોલવણી ત્રણ રસ્તા નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક વેપારીના પુત્રની હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. મૃતક યુવકનો મૃતદેહ એક કારમાંથી હત્યા કરાયેલી હાલતમાં મળી આવ્યો હતો. આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ખળભળાટ મચાવી દીધો છે.

મૃતકના પિતાએ ફરિયાદ નોંધાવી

મૃતક યુવક દર્શનભાઈ મનહરભાઈ પટેલ ભીલોડાની અન્નપૂર્ણા સોસાયટીનો રહેવાસી હતો. હાલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને આ ઘટનાની તપાસ હાથ ધરી છે. પ્રાથમિક માહિતી અનુસાર, મૃતકના પિતાએ નિર્સગ પટેલ નામના શખ્સ સામે હત્યાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવાયું છે કે નિર્સગ પટેલે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી હત્યા આચરી હતી.

પોલીસ તપાસમાં ચોંકાવનારું તથ્ય

પોલીસ તપાસમાં ચોંકાવનારું તથ્ય સામે આવ્યું છે કે આરોપી નિર્સગ પટેલ અને મૃતક દર્શન પટેલ એકબીજાને ઓળખતા હતા. બંનેને એક જ યુવતી સાથે પ્રેમસંબંધ હતો. જોકે યુવતીનું નિર્સગ પટેલ સાથે બ્રેકઅપ થઈ ગયુ હતું. યુવતીનું નિર્સગ સાથે બ્રેકઅપ થયા બાદ તેણે દર્શન સાથે સંબંધ ચાલુ રાખ્યો હતો. આ બાબતે અદાવત રાખીને નિસર્ગે દર્શન પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને મોતને ઘાટ ઉતાર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાવાયું છે.

ભીલોડા પોલીસે તપાસ શરૂ કરી

ભીલોડા પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ ઘટનાસ્થળની તપાસ કરી રહી છે અને આરોપી નિર્સગ પટેલની પુછપરછ ચાલુ છે. આ ઘટના પાછળનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ પોલીસે આ મામલે વિસ્તૃત તપાસ હાથ ધરી છે.

આ ઘટનાએ સ્થાનિક સમુદાયમાં આઘાત અને ભયનો માહોલ સર્જ્યો છે. પોલીસે આરોપીને રાઉન્ડઅપ કર્યો છે અને હાલ તેની પુછપરછ ચાલુ છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે, જે આ કેસમાં વધુ સ્પષ્ટતા લાવી શકે છે.

આ પણ વાંચો: Ahmedabad વિમાન દુર્ઘટનાની તપાસ બની તેજ, AAIBએ નાગરિક ઉડ્ડયન મંત્રાલયને સોંપ્યો પ્રાથમિક રિપોર્ટ