સેવન્થ-ડે સ્કુલમાં વિદ્યાર્થીની હત્યાઃ બાળક તડપતો રહ્યો પણ શાળા સંચાલકોએ એમ્બ્યુલન્સ પણ ન બોલાવી!

અમદાવાદના ખોખરામાં સેવન્થ-ડે સ્કૂલમાં એક વિધર્મી વિદ્યાર્થીએ અન્ય સમાજના એક વિદ્યાર્થીની છરીના ઘા મારીને હત્યા કરી નાંખી હતી. આ ઘટનાને લઈને અત્યારે સિંધી સમાજ, NSUI અને બજરંગ દળના કાર્યકર્તાઓએ વિરોધ કર્યો હતો. આજે સવારથી NSUI ના કાર્યકર્તાઓ સેવન્થ-ડે સ્કુલમાં પહોંચ્યા હતા અને વિરોધ કર્યો હતો. આ સિવાય, ખોખરા, મણીનગર અને ઈસનપુર વિસ્તારમાં બંધ પાળવામાં આવ્યું હતું.  હત્યાની પાછળ એક અઠવાડિયા પહેલા સ્કૂલમાં છૂટતા સમયે સામાન્ય ધક્કામુક્કી થતા વિદ્યાર્થીઓ વચ્ચે થયેલો ઝઘડો કારણભૂત હતો. તેની અદાવતમાં છરીથી હુમલો કરવામાં આવ્યો છે. આ અંગે ખોખરા પોલીસે હત્યાનો પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોધીને છરી મારનાર ધોરણ-10ના વિદ્યાર્થીને રાઉન્ડઅપ કરીને વધુ તપાસ શરૂ કરી છે. અત્યારે લોકોમાં રોષનો માહોલ છે, આક્ષેપો તો ત્યાં સુધી કરવામાં આવી રહ્યા છે કે, હુમલા બાદ પિડીત વિદ્યાર્થી 20 મીનિટ સુધી તડપતો રહ્યો પરંતુ સ્કુલ સંચાલકો દ્વારા તેને હોસ્પિટલ લઈ જવાની તસ્દી સુદ્ધા ન લેવામાં આવી.

અમદાવાદના ખોખરા વિસ્તારની સેવન્થ ડે સ્કુલમાં વિધર્મી વિદ્યાર્થી દ્વારા અન્ય સમાજના એક દિકરાની હત્યા કરી નાંખવામાં આવી ત્યારે ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. સમગ્ર શહેર શોક, ગુસ્સો અને ઉગ્ર વિરોધના માહોલમાં ગરકાવ થઈ ગયું છે. આ તરફ આજે મણિનગર બંધનું એલાન પણ આપવામાં આવ્યું હતું. મૃતક વિદ્યાર્થીના પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યો છે કે બાળકને ઇજા થયા બાદ પણ શાળાએ તાત્કાલિક મદદ પૂરી પાડવાની જવાબદારી ન નિભાવી હોવાનો પણ આક્ષેપ થયો છે. અમદાવાદના મણીનગર, ખોખરા અને ઈસનપુર વિસ્તારના વેપારીઓએ આજે સમગ્ર વિસ્તારમાં સ્વયંભૂ બંધ પાળીને વિરોધ નોંધાવ્યો હતો.

આ મામલે આજે સેવન્ડ-ડે સ્કુલ સામે NSUI અને અન્ય સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે NSUIના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી, જેના પગલે પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. ગઈકાલે NSUI દ્વારા શાળાને તાળાબંધી કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આજે સવારે NSUIના કાર્યકર્તાઓ શાળા પર તાળાબંધી કરવા પહોંચ્યા હતા, પરંતુ પોલીસે તેઓને અટકાવી દીધા હતા. પોલીસે આશરે 40 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરી હતી અને તેઓને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. આ ઘટનાના પગલે વિસ્તારમાં તંગદિલી ફેલાઈ ગઈ હતી. પોલીસે ઘટનાસ્થળે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને તેઓ શાળા સામે પગલાં લેવાની માંગણી કરી રહ્યા છે. રહીશો સહિત તમામ લોકો ન્યાયની માંગણી પણ કરી રહ્યા છે. સેવન્ડ-ડે સ્કુલમાં ભણતા એક વિદ્યાર્થીના પિતાએ પ્રદેશ24 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું કે, અહીંયા કેટલાક વિદ્યાર્થીઓ શાળામાં લંચબોક્સમાં ગૌમાંસ લઈને અને અન્ય ધર્મના લોકોને ધર્મ ભ્રષ્ટ કરવાના કાવતરા કરે છે. આ સિવાય શાળાના અનેક વિદ્યાર્થીઓ ગેરકાયદેસર કામો પણ કરે છે પરંતુ સ્કુલ દ્વારા તેમના વિરૂદ્ધ કોઈ પગલા લેવામાં નથી આવતા. પ્રદેશ24 ગુજરાતી સાથેની વાતચીતમાં એક વિદ્યાર્થીના પિતાએ જે વાત કરી, તે સાંભળીને તમે પણ ચોંકી જશો.

આ મુદ્દે જ્યારે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે ઓફ ધ રેકોર્ડ તેમણે કહ્યું કે, આ ઘટનાને લઈને અત્યારે તપાસ ચાલુ છે. આ સાથે જ બાળ વિકાસ આયોગ દ્વારા પણ આ ઘટનાની નિંદા કરવામાં આવી છે. બાળ વિકાસ આયોગના અધ્યક્ષ ધર્મીષ્ઠાબેન ગજ્જરે આ મામલે જણાવ્યું કે, આ ઘટના ખૂબ ગંભીર ઘટના છે, તમામ વિભાગો દ્વારા આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે લોકોમાં રોષ છે, તે સ્વાભાવિક છે. આ મામલે શિક્ષણ વિભાગ દ્વારા શાળાને નોટિસ પાઠવવામાં આવી છે. આ ઘટનાના તથ્યોની તપાસ કરીને કાયદાની જોગવાઈ પ્રમાણે સ્કુલની વિરૂદ્ધ યોગ્ય પગલા ભરવામાં આવશે.

Share This Article
Translate »