ભારતના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર પીએમ મોદી પોતાના બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. ગઈકાલે પીએમ મોદી સાંજે 5 વાગ્યે અને 20 મીનિટે અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા હતા અને ત્યારબાદ રોડ-શો કરીને સીધા જ નિકોલમાં આવેલા ખોડલધામ ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યા હતા, અહીંયા તેમણે એક વિશાળ જનસભાને સંબોધન કર્યું હતું.
આ તમામની વચ્ચે પીએમ મોદીએ આજે પોતાના ગુજરાત પ્રવાસના બીજા દિવસે સવાર-સવારમાં જ સી.આર.પાટીલ સાથે એક મહત્વની બેઠક કરી હતી. આ બેઠકને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ થઈ રહી છે. પ્રદેશ24 ગુજરાતી આ વાતની પુષ્ટી નથી કરતું પરંતુ રાજકીય ક્ષેત્ર સાથે જોડાયેલા કેટલાક લોકો કહી રહ્યા છે કે, ગુજરાતમાં સરકાર અને સંગઠન સ્તર પર કેટલાક મોટા ફેરફારો થવાની શક્યતાઓ જોવાઈ રહી છે. પીએમ મોદી અને પાટીલ વચ્ચે થયેલી બેઠકને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
પીએમ મોદી અને સી.આર.પાટીલ વચ્ચે થયેલી બેઠકમાં ભાજપના સંગઠનાત્મક કાર્યક્રમો અને સંગઠન સંરચના સહિતની બાબતો પર ચર્ચા થઈ હતી. ગઈકાલે સી આર પાટીલે કમલમ ખાતે સંગઠનમાં ફેરફાર અને મંત્રીમંડળમાં ફેરફારના સંકેત આપ્યા હતા. તો ગઈકાલે મોડી રાત્રે મુખ્યમંત્રી સાથે પીએમ મોદીએ બેઠક કરી હતી. સોમવારે રાત્રે મુખ્યમંત્રી સાથેની બેઠકમાં પીએમ મોદીએ ગુજરાતના મહત્વના પ્રોજેક્ટની સમીક્ષા કરી હતી. ત્યારે આ બેઠકોમા પ્રદેશ સંગઠન મુદ્દે ચર્ચા થઈ હોવાની સંભાવના છે. ત્યારે પીએમ મોદી સાથે સી આર પાટીલની મુલાકાત ગુજરાતના બદલાતા રાજકારણમાં મહત્વની માનવામાં આવી રહી છે.
ચોમાસુ સત્ર સમાપ્ત થયા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસ પર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ મુલાકાત સરકારી હોવા છતાં, રાજકીય દૃષ્ટિકોણથી તે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એવી ચર્ચા થઈ રહી છે કે પીએમ મોદીની મુલાકાત પછી ગુજરાતમાં ઘણા ફેરફારો થઈ શકે છે.
એટલું જ નહીં, ગુજરાતમાં ભાજપના પ્રદેશ પ્રમુખની જાહેરાત રાષ્ટ્રીય અધ્યક્ષની જેમ અટકી ગઈ છે. સરકાર અને સંગઠનમાં મોટી સર્જરી થઈ શકે તેવી ચર્ચા છે. સૌરાષ્ટ્રના પટેલોમાં આપના વધતા ઘૂસણખોરીને રોકવા માટે ભાજપ કેટલાક કઠિન અને મોટા પગલાં પણ લઈ શકે છે. સીઆર પાટીલ હાલમાં ગુજરાતમાં પ્રદેશ પ્રમુખની જવાબદારી સંભાળી રહ્યા છે. તેઓ કેન્દ્ર સરકારમાં જળ શક્તિ મંત્રી છે.