ભારત આજે એક નવા યુગમાં પ્રવેશી ચૂક્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે 26 ઓગસ્ટ 2025ના રોજ ગુજરાતના અમદાવાદ જિલ્લાના હાંસલપુર સ્થિત મારુતિ સુઝુકી પ્લાન્ટની મુલાકાત લીધી અને આ દરમિયાન મારુતિની પ્રથમ બેટરી ઇલેક્ટ્રિક SUV e-VITARAને લીલી ઝંડી બતાવી. સાથે જ કંપનીની નવી ઇલેક્ટ્રિક વ્હીકલ યુનિટની પણ શરૂઆત થઈ ગઈ છે.
આ SUV માત્ર ભારતીય બજાર માટે જ નહીં, પરંતુ જાપાન અને યુરોપ સાથે 100થી વધુ દેશોમાં એક્સપોર્ટ થશે. તેની પ્રથમ બેચ આજે જ પ્રોડક્શન લાઈનમાંથી બહાર આવવાનું શરૂ થઈ ગયું છે.
પીએમ મોદીની દ્રષ્ટિ : આત્મનિર્ભર ભારત અને ગ્રીન મોબિલિટી
પ્રધાનમંત્રી મોદીએ પોતાની X પોસ્ટમાં લખ્યું કે ભારતની આત્મનિર્ભરતા અને ગ્રીન મોબિલિટી હબ બનવાની દિશામાં આજનો દિવસ અત્યંત ખાસ છે. હંસલપુરમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન E-VITARA ને લીલી ઝંડી બતાવવામાં આવી. આ નિવેદન માત્ર મેક ઈન ઈન્ડિયાને મજબૂતી આપે છે એટલું જ નહીં, પરંતુ ભારતની ઓળખને સસ્ટેનેબલ મોબિલિટી તરફ આગળ ધપાવતું પણ છે.
Maruti e-VITARA : ફીચર્સ, બેટરી પેક અને રેન્જ
Maruti e-VITARA લિથિયમ આયર્ન-ફોસ્ફેટ (LFP) બેટરી પેક સાથે આવી છે. કંપનીએ તેને બે જૂદા બેટરી પેક સાથે રજૂ કરી છે – જેમાં 49kWh અને 61kWhનો સમાવેશ થાય છે. આ SUVમાં 18-ઇંચના એલોય વ્હીલ આપવામાં આવ્યા છે. કારની લંબાઈ 4,275 મિમી, પહોળાઈ 1,800 મિમી અને ઊંચાઈ 1,635 મિમી છે. કંપની અનુસાર, આ SUV સિંગલ ચાર્જમાં 500 કિમીથી વધુની રેન્જ આપશે. નવી મારુતિ e-VITARA નું લુક અને સાઈઝ ગયા વર્ષે રજૂ કરાયેલી કૉન્સેપ્ટ Maruti eVX જેવા જ છે.
બેટરી મેન્યુફેક્ચરિંગમાં મોટો પગલું
આ ઈવેન્ટ દરમિયાન પીએમ મોદીએ ગુજરાત સ્થિત TDS લિથિયમ-આયન બેટરી પ્લાન્ટમાં હાઇબ્રિડ બેટરી ઈલેક્ટ્રોડ્સના પ્રોડક્શનની પણ શરૂઆત કરી દીધી છે. હવે ભારતમાં જ 80 ટકા કરતાં વધુ બેટરીઓનું પ્રોડક્શન કરવામાં આવશે. આ પગલું ભારતને બેટરી ઈકો સિસ્ટમને નવા સ્તરે લઈ જશે અને વિદેશી નિર્ભરતા ઘટાડશે.
એક્સપોર્ટ અને રેલવે કનેક્ટિવિટી
પીએમ મોદીએ આ પ્રસંગે કારોથી ભરેલી માલગાડી સર્વિસને પણ લીલી ઝંડી બતાવી. હાલના સમયમાં હંસલપુર પ્લાન્ટમાંથી દરરોજ 600થી વધુ કારો રેલવે મારફતે મોકલવામાં આવે છે. હાલમાં અહીંથી ત્રણ ટ્રેન રોજ ચાલે છે, જે દેશભરમાં મારુતિની કારોની સપ્લાય કરે છે.