2024ની લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં સપા પ્રમુખ અખિલેશ યાદવ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની રાજકીય જોડીનો મોટો પ્રભાવ જોવા મળ્યો. આ ગઠબંધનના કારણે ભાજપ બહુમતીનો આંકડો પાર ન કરી શકી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સાથી દળોના સહારે સરકાર બનાવવી પડી. ચૂંટણી પછી રાજકીય વર્તુળોમાં ચર્ચા થવા લાગી કે સપા–કોંગ્રેસનું ગઠબંધન વધુ દિવસ ટકી શકશે નહીં. કોંગ્રેસ સાંસદ ઇમરાન મસૂદના એક નિવેદનથી આ અટકળોને વેગ મળ્યો, પરંતુ સંસદથી લઈને રસ્તા સુધી બંને નેતાઓની એકતા સ્પષ્ટ કરી રહી છે કે આ જોડી તૂટવાની નથી.
સંસદમાં તાલમેલ, રસ્તા પર સંઘર્ષ
મોન્સૂન સત્ર દરમિયાન રાહુલ ગાંધી અને અખિલેશ યાદવે બિહારના મતદાર ચકાસણીના મુદ્દા પર એક થઈને વિરોધ નોંધાવ્યો. સંસદમાં વિરોધ પક્ષના હોબાળા દરમિયાન બંને નેતાઓ આગળ રહ્યા. ચૂંટણીમાં મત ચોરીનો મુદ્દો ઉઠાવતા અખિલેશે ખુલ્લેઆમ રાહુલને સમર્થન આપ્યું.
2027માં પણ સાથે
રાજકીય નિષ્ણાતો માને છે કે આ જોડી ફક્ત 2024 સુધી સીમિત નહીં રહે. 2027ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં પણ સપા અને કોંગ્રેસ મળીને મેદાનમાં ઉતરી શકે છે. ચૂંટણી પ્રચાર દરમિયાન સર્જાયેલી “રાજકીય કેમિસ્ટ્રી” હવે સંસદમાં પણ દેખાય છે. બંને સાથે બેસે છે અને દરેક મુદ્દે મોદી સરકારને ઘેરવામાં એકબીજાની ‘રાજકીય ઢાલ’ બને છે.
વર્ષ 2024 માં લોકસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે માત્ર ગઠબંધન નહોતું થયું પરંતુ બંન્ને પાર્ટીઓના કાર્યકર્તાઓ વચ્ચે એક પ્રોપર તાલમેલ દેખાયો હતો. અખિલેશ યાદવના સમર્થનમાં રાહુલ ગાંધી કન્નૌજમાં વોટ માંગવા માટે ઉતર્યા તો અખીલેશે પણ રાયબરેલીમાં રાહુલ ગાંધી માટે જનસભા કરી હતી. એ સમયે આ જોડીએ ભાજપને મ્હાત આપવામાં સફળતા મેળવી હતી.
લોકસભા ચૂંટણી બાદથી સપા-કોંગ્રેસની રાજકીય કેમેસ્ટ્રીમાં લોચા પડ્યા હતા. હરિયાણા, મહારાષ્ટ્રના વિધાનસભા અને યુપી પેટા ચૂંટણીના પરિણામોએ કોંગ્રેસ અને સપાના સંબંધોમાં ખટરાગ પેદા કર્યો હતો. ત્યારબાદથી જ કહેવામાં આવી રહ્યું હતું કે બંન્ને પાર્ટીઓના સંબંધો સારા રહ્યા નથી. કોંગ્રેસના મુસ્લીમ ચહેરા ગણાતા સહારનપુરના સાંસદ ઈમરામ મસૂદે અખિલેશ યાદવના મુસ્લિમ પોલિટીક્સ પર સવાલ ઉઠાવતા સપા-કોંગ્રેસની દોસ્તી પર પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો.