ભારતીય વાયુ સેનાના પ્રમુખ એ.પી.સિંહે ઓપરેશન સિંદૂરને લઈને પાકિસ્તાનની ઉંઘ ઉડાવનારો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું છે કે, ઈન્ડિયન એરફોર્સે ઓપરેશન સિંદૂર દરમિયાન 5 પાકિસ્તાની લડાકુ વિમાનોને તોડી પાડ્યા હતા. આ સિવાય અન્ય પણ પાકિસ્તાની એરક્રાફ્ટને વાયુસેના દ્વારા નષ્ટ કરી દેવામાં આવ્યા હતા. ભારતીય વાયુ સેનાએ આના માટે સપાટી પરથી હવામાં માર કરનારી મિસાઈલ સિસ્ટમોનો ઉપયોગ કર્યો હતો. તેમનું આ નિવેદન બેંગ્લોરમાં એર ચીફ માર્શલ એલ.એમ. કાત્રે વ્યાખ્યાનમાં બોલતા સમયે આવ્યું છે. આ પહેલીવાર છે કે જ્યારે કોઈ વરિષ્ઠ અધિકારીએ પાકિસ્તાનને વિમાન અને પ્લેટફોર્મ્સના સંદર્ભમાં થયેલા નુકસાન વિશે વિસ્તારથી વાત કરી હોય.
S-400 મિસાઇલ સિસ્ટમ
S-400 ને રશિયા પાસેથી ખરીદવામાં આવી છે. તે અદ્યતન સરફેસ-ટૂ-એર મિસાઈલ સિસ્ટમ છે, જે 400 કિલોમીટરની રેન્જમાં લક્ષ્યોને ભેદી શકે છે. ACM એપી સિંહે જણાવ્યું કે ઓપરેશન સિંદૂર દરમિયાન આ સિસ્ટમનો ઉપયોગ ભારતે પોતાની હવાઈ સુરક્ષાને મજબૂત કરવા માટે કર્યો હતો અને તેના પરિણામોએ વિશ્વને ચકિત કરી દીધું.
300 કિમી દૂર રહેલા AEW&C વિમાનને નષ્ટ કરાયું
5 પાકિસ્તાની લડાકુ વિમાનોને હવામાં જ તોડી પાડ્યા હતા તેમણે કહ્યું કે 300 કિમી દૂર રહેલા AEW&C વિમાનને સફળતાપૂર્વક નિશાન બનાવી નષ્ટ કરાયું હતું. આ વિમાન દુશ્મનની નજરદારી અને ઇલેક્ટ્રોનિક ગુપ્તચર માટે અગત્યનું હોય છે.
ઉપયોગ યોગ્ય સમયે, યોગ્ય રીતે કરવામાં આવ્યો
ACM એપી સિંહના જણાવ્યા અનુસાર જેકબાબાદ એરબેઝ પર પાર્ક કરેલા કેટલાક F-16 વિમાનોને ગુપ્ત માહિતીના આધારે ત્વરિત હુમલાથી નષ્ટ કરવામાં આવ્યા. ભોળારી એરબેઝ પર પણ એક AEW&C વિમાનને નિશાન બનાવીને નષ્ટ કરાયું. આ બધા હુમલાઓ દર્શાવે છે કે ભારત પાસે દુશ્મન દેશના નાજુક બિંદુઓની ચોક્કસ માહિતી હતી અને તેનો ઉપયોગ યોગ્ય સમયે, યોગ્ય રીતે કરવામાં આવ્યો.
ઓપરેશન સિંદૂર : ટૂંકી પણ તીવ્ર લડાઈ
મે 2025માં થયેલ ઓપરેશન સિંદૂર ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટૂંકી પરંતુ તીવ્ર હવાઈ અથડામણ હતી. ભારતે પોતાનું હવાઈ પ્રભુત્વ સ્થાપિત કરવા માટે S-400 મિસાઈલ સિસ્ટમ તથા બ્રહ્મોસ જેવા અદ્યતન હથિયારોનો ઉપયોગ કરીને પાકિસ્તાની હવાઈ અને રણનીતિક માળખાને ટાર્ગેટ કર્યું હતું.
S-400 અને આગળની યોજના
ભારતે S-400 સિસ્ટમનો સોદો રશિયાની સાથે 5.4 બિલિયન ડોલરમાં કર્યો છે. આ સિસ્ટમ એક સાથે 80 લક્ષ્યોને ટ્રેક અને નિશાન બનાવી શકે છે. હવે ચર્ચા ચાલી રહી છે કે ભારત વધુ S-400 યુનિટ્સ ખરીદી શકે છે અને ભવિષ્યમાં S-500 સિસ્ટમ (600 કિમી રેન્જ સાથે) લેવા તરફ પણ આગળ વધી શકે છે.
પાકિસ્તાન પર અસર
F-16 અને AEW&C વિમાનોના નષ્ટ થવાથી પાકિસ્તાની વાયુસેનાની મજબૂતી પર ગંભીર અસર પડી શકે છે. ખાસ કરીને AEW&C વિમાનોને ગુમાવવા તેમની રણનીતિક ક્ષમતા માટે મોટું નુકશાન છે. આથી પાકિસ્તાનને હવે પોતાની હવાઈ રક્ષણ નીતિ પર પુનઃવિચાર કરવો પડી શકે છે.
ભારતના ડિફેન્સ ઈતિહાસમાં એક નવા યુગની શરૂઆત
ACM એપી સિંહના દાવા મુજબ, ઓપરેશન સિંદૂર માત્ર એક લશ્કરી અભિયાન નહોતું – એ ભારતની ટેકનિકલ શક્તિ, સચોટ ગુપ્ત જાણકારી અને હવાઈ પ્રભુત્વ દર્શાવતું ઐતિહાસિક ક્ષણ હતી. આ ભારતના ડિફેન્સ ઈતિહાસમાં એક નવા યુગની શરૂઆત કહેવાઈ શકે.