ગુજરાતમાં મેદસ્વીતાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં યુવાનોમાં હ્યદયની સમસ્યા, ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓ વધી રહી છે. આની પાછળનું મૂળ કારણ છે, લોકોમાં વધી રહેલી મેદસ્વીતા. આ મેદસ્વીતા માણસના મૃત્યુનું પણ કારણ બની શકે છે અથવા તો આના કારણે માણસને વિકલાંગતા પણ આવી શકે છે. ગુજરાતમાં હાલ પ્રતિ 100માંથી 23 પુરુષ અને 20 મહિલા મેદસ્વી છે.. ગુજરાત સરકારે યોગના માધ્યમથી 10 લાખ નાગરિકોનું 10 કિલો વજન ઘટાડવા માટેની જાહેરાત કરી છે. નિષ્ણાંતો અનુસાર, વધારે પડતું વજન માણસના આરોગ્ય પર ગંભીર પ્રભાવ પાડી શકે છે.
મેદસ્વીતા માટે આનુવંશિક, વિકારી ચયાપચય, હોર્મોનમાં અસંતુલન અને કેટલીક દવાઓની આડઅસરો પણ જવાબદાર હોય છે. આ પરિબળો લોકોના નિયંત્રણની બહારના છે. જો કે, અત્યારના યુવાનો જે મેદસ્વીતાનો શિકાર બની રહ્યા છે, તેની પાછળ તેમની લાઈફસ્ટાઈ, જંકફૂડ, બેઠાડું જીવન, કસરત ન કરવી, વગેરે જેવી બાબતો જવાબદાર છે. ગુજરાતમાં અત્યારે 15 થી 49 વયના આશરે 21.49 લાખ લોકો મેદસ્વીતાનો શિકાર છે.
મેદસ્વીતા ક્યારેક ઘાતક સાબિત થતી હોય છે. મેદસ્વીતા મુશ્કેલી બની જાય અને આપણો જીવ જોખમમાં મૂકાય એ પહેલા આપણે ચેતી જવું જોઈએ. મેદસ્વીતાથી બચવા માટે સંતુલિત આહાર, નિયમિત કસરત, પૂરતી ઉંઘ, વધુ પાણી પીવું, સ્ટ્રેસ ન લેવો, વગેરે બાબતો જરૂરી છે. ખાવા પિવાના શોખીન અને ખાધે-પીધે સુખી ગણાતા ગુજરાતીઓમાં મેદસ્વિતાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. મેદસ્વીતાની સારવાર સાથે સંકળાયેલા લોકોના મતે મેદસ્વિતાની સારવાર કરાવનારા લોકોમાં છેલ્લા કેટલાક સમયમાં 10%નો વધારો થયો છે. મોટાભાગના દર્દી 30થી 45ની વયના હોય છે. મેદસ્વીતાનું પ્રમાણ મહિલાઓમાં પણ વધારે જોવા મળે છે.
મેદસ્વિતા નક્કી કરવા માટે ‘બોડી માસ ઈન્ડેક્સ’ એટલે કે બીએમઆઈ મહત્ત્વનું માપદંડ છે. બીએમઆઈ માપવા માટે વજન અને ઊંચાઈ બંને શારીરિક પરીમાપનોની જરૂર પડે છે. વ્યક્તિનું વજન કિલોગ્રામમાં અને ઉંચાઈને મીટરમાં નોંધવામાં આવે છે. વ્યક્તિના વજનને વ્યક્તિની ઊંચાઈના વર્ગ દ્વારા ભાગવામાં આવે છે. આ પછી જે આંક મળે તેને બીએમઆઈ તરીકે ઓળખવામાં આવે છે. બે વ્યક્તિનું વજન સમાન હોય તો પણ બીએમઆઈ અલગ-અલગ આવતું હોય છે. લોકો પોતાનું વજન તો માપી લે છે પરંતુ બીએમઆઈ નહીં માપતા હોવાને લીધે પોતાનું વજન ખરેખર કેટલું હોવું જોઈએ અને વજન સપ્રમાણ છે કે નહીં તે બાબતથી અવગત હોતા નથી.
મેદસ્વિતાના નિયંત્રણ અને નિવારણ માટે તાજાં શાકભાજી, ફળો, ફાઇબરયુક્ત અને ઓછી ચરબીવાળો ખોરાક લેવો જોઈએ. ઉપરાંત નિયમિત કસરત, યોગ, ચાલવુ-દોડવું વગેરે ફાયદાકારક રહે છે. આ સિવાય દરરોજ ઓછામાં ઓછી સાત-આઠ કલાક ઉંધ લેવી પણ જરૂરી છે. તેમજ ધ્યાન, યોગ અને હળવી પ્રવૃત્તિઓ દ્વારા સ્ટ્રેસ પણ ઘટાડવો જોઈએ.