નેપાળમાં વધી હિંસક વિરોધ પ્રદર્શન વચ્ચે, આંધ્રપ્રદેશ અને ગુજરાતની સરકારોએ ત્યાં ફસાયેલા પોતપોતાના રાજ્યોના નાગરિકોની સલામતી અને પરત ફરવાની ખાતરી કરવા માટે તાત્કાલિક પગલાં લીધાં છે. ઉલ્લેખનિય છે કે, નેપાળમાં તણાવની સ્થિતિ અને હિંસક પ્રદર્શન વચ્ચે ગુજરાતના 300થી વધુ પ્રવાસી ફસાયા છે. જેમાં ભાવનગરના જ માત્ર 45 થી વધારે લોકો માત્ર ભાવનગરના લોકો છે. નેપાળમાં ફસાયેલા અન્ય ગુજરાતીઓમાં સુરતના 10 લોકો સહિત રાજકોટ, અરવલ્લી એમ કુલ 300 પ્રવાસી ફસાયાનું અનુમાન છે. ગઈકાલે નેપાળ પહોચેલા સુરતના 10 લોકો કાઠમંડૂમાં અટવાયા છે. તમામ લોકો કાઠમંડૂની એક હોટેલમાં સુરક્ષિત છે. સુરતનાં 10 પ્રવાસીઓની 13 સપ્ટેમ્બરની રિટર્ન ફ્લાઈટ છે. ગુજરાત સરકાર બધા જ પ્રવાસીઓને સહી સલામત પરત લાવવા માટે કાર્યરત છે અને સતત વિદેશી મંત્રાલય સાથે સંપર્કમાં છે.
નેપાળના પોખરામાં ભાવનગર શહેર અને જિલ્લાના 43 યાત્રિકો બે દિવસથી ફસાયા છે,નેપાળમાં ચાલી રહેલ હિંસક ઘટનાઓ વચ્ચે 43 પ્રવાસીઓ એક હોટલમાં શરણાર્થ લીધી છે. 29- 8- 2025 ના રોજ ભાવનગરના નારી ગામ ખાતેથી 22 દિવસ માટે ટુર વિવિધ ધાર્મિક સ્થળોએ યાત્રા માટે નીકળી હતી. બે દિવસ પહેલા કાઠમંડુ બાદ આ ટુર નેપાળના પોખરામાં પહોંચતા તમામ પ્રવાસીઓ ફસાઈ ગયા છે. ફસાયેલા પ્રવાસીઓમાં મોટાભાગના વૃદ્ધ દંપતિઓ સાથે અનેક પ્રવાસીઓ છે.
કાઠમંડુમાં સુરેન્દ્રનગર શહેરના રતનપર વિસ્તારના યાત્રિકો પણ ફસાયા છે. આ લોકોએ સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરીને મદદ માંગી છે. ફસાયેલ ગુજરાતીઓને હોટલની બહાર નિકળવા દેવામાં નથી આવી રહ્યા. શહેરના રતનપર વિસ્તારમાં રહેતા વિરમભાઈ ડાભી અને તેમના પત્ની કાઠમંડુ માં ફસાયા હતા. જો કે આ તમામ લોકો અત્યારે માદરે વતન પરત આવવા રવાના થઈ ગયા છે. પરંતુ જ્યાં સુધી આ લોકો ઘરે ન પહોંચી જાય ત્યાં સુધી પરિવારના લોકો ચોક્કસ ચિંતામાં તો રહેશે જ.
અમદાવાદ વસ્ત્રાલ આકૃતિ સોસાયટીમાં રહેતા ૩ અલગ અલગ પરિવારના 9 લોકો એક સાથે ફરવા ગયા હતા.નેપાળની પરિસ્થિતિ વિકટ બનતા હાલ એક જ સોસાયટીના 9 લોકો ત્યાંજ હજુ સુધી ફસાયેલા છે. વસ્ત્રાલથી
કુલ 37 લોકો ટૂરમાં ફરવા ગયા હતા. આ લોકો 1 સપ્ટેમ્બરે ફરવા નીકળ્યા હતા, 12 તારીખે પરત ફરવાના હતા.
નેપાળમાં હાલ અરાજકતા ફેલાઈ ગઈ છે, રાજકીય પરિસ્થિતિ ખુબ જ ડામાડોળ છે. નેપાળમાં હાલ સ્થિતિ ખુબ જ વિકટ છે. તેવામાં અનેક ગુજરાતીઓ પણ ત્યાં ફસાયેલા હતા. નેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લગાવી દીધા બાદ Gen Z દ્વારા ખૂબ જ આક્રામક પ્રદર્શન કરવામાં આવ્યું. પ્રદર્શનકારીઓએ આખી સરકાર ઉથલાવી પાડી. રાષ્ટ્રપતિ, વડાપ્રધાન સહિતનાં અનેક નેતાઓએ રાજીનામા આપી દીધા.
નેપાળમાં વિરોધ પ્રદર્શનોને કારણે દેશના વિવિધ ભાગોમાં રસ્તાઓ બંધ છે, તો કેટલાક રસ્તાઓ પર જામને કારણે લગભગ 5000 ભારતીય પ્રવાસીઓ નેપાળમાં ફસાયેલા છે. જેમાં ગુજરાતી પ્રવાસીઓ પણ સામેલ છે. ત્યારે નેપાળમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત પાછા લાવવા માટે કેન્દ્ર સરકારે બચાવ કામગીરી શરૂ કરી છે અને હેલ્પલાઇન નંબર પણ જારી કર્યા છે. માહિતી પ્રમાણે, અત્યાર સુધીમાં 1000થી વધુ પ્રવાસીઓને સુરક્ષિત રીતે નેપાળથી બહાર કાઢવામાં આવ્યા છે અને બાકીનાને બહાર કાઢવાનું કામ ચાલુ છે. નેપાળમાં ફસાયેલા પ્રવાસીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે.
નેપાળમાં ફસાયેલા રાજકોટવાસીઓ મુદ્દે કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશનું નિવેદન પણ આવ્યું છે. તેમણે નેપાળમાં ફસાયેલા રાજકોટના તમામ લોકો સુરક્ષિત હોવાનું જણાવ્યું. તેમણે કહ્યું કે “કાઠમાંડુમાં ફસાયેલા લોકો દેશના વિદેશ મંત્રાલય અને સ્થાનિક તંત્રના સતત સંપર્કમાં છે. ફસાયેલા રાજકોટવાસીઓ મોટે ભાગે અગ્રવાલ ભવનમાં છે. કેટલાક લોકો ટેક્સી કરીને પરત રહી રહ્યા છે. હાલ કાઠમાંડુમાં સ્થિતિ કાબુમાં આવતા એરપોર્ટ ફરી શરૂ થયું ગયું છે. કેટલાક લોકો ફ્લાઇટ દ્વારા એક-બે દિવસમાં ભારત પરત ફરી રહ્યા છે. આનંદ ગૃપના લોકો સહિતના 30થી 35 લોકો 21 તારીખે પાછા ફરશે.”
નેપાળમાં પેદા થયેલી પરિસ્થિતિને ધ્યાને રાખી ગુજરાતનું સમગ્ર તંત્ર નાગરિકોને કોઈ પરેશાની ન થાય તે માટેના પ્રયાસો કરી રહ્યું છે. બીજી તરફ ભારત સરકાર દ્વારા પણ તમામ પ્રકારનાં તકેદારી પગલા લેવાઈ રહ્યા છે. ભારતીય નાગરિકોની મદદ કરવામાં આવી રહી છે.