ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજા ફરીથી એકવાર મહેરબાન થયા છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. સૌથી મોટી વાત એ છે કે, અહીંયાના ખેડૂતો છેલ્લા કેટલાય સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા તેમને આખરે શાંતિ મળી છે. ગોંડલ, ધોરાજી અને જેતપુરમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ગોંડલમાં સતત ત્રીજા દિવસે ભારે વરસાદ નોંધાયો છે. ખેડૂતોમાં તો ખુશીનો માહોલ છે પરંતુ અહીંયા આયોજીત લોકમેળાની મજા બગડી છે. મેળાના મેદાનમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે, છતાં લોકોનો ઉત્સાહ ઓછો થયો નથી. ચાલુ વરસાદે પણ લોકો મેળાની મજા માણતા જોવા મળ્યા હતા, જે દર્શાવે છે કે વરસાદ પણ લોકોના ઉત્સાહને ઓછો કરી શક્યો નથી.
ગોંડલની જેમ જ રાજકોટના ધોરાજી અને જેતપુરમાં પણ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ધોરાજીમાં સતત બીજા દિવસે વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડ્યો છે. શહેરના સ્ટેશન રોડ, જમનાવડ રોડ, જૂનાગઢ રોડ અને ચકલાં ચોક જેવા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. આસપાસના ગ્રામીણ વિસ્તારો જેવા કે મોટી મારડ, જમનાવડ અને પીપળીયામાં પણ ભારે વરસાદ વરસ્યો છે. જેતપુરમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસતા લોકમેળામાં આવેલા લોકો સ્ટેજ પર આશ્રય લેવા મજબૂર બન્યા હતા.
આ વરસાદે ખેડૂતોમાં ખુશીની લહેર લાવી છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થયો છે. કપાસ, મગફળી, અને સોયાબીન જેવા પાકોને આ વરસાદથી જબરદસ્ત ફાયદો થશે. જોકે, નીચાણવાળા વિસ્તારો અને રસ્તાઓ પર પાણી ભરાઈ જવાથી જનજીવન થોડું ખોરવાયું છે, પરંતુ ખેડૂતો અને સામાન્ય નાગરિકો આ વરસાદથી સંતુષ્ટ છે.