મારુતિ સુઝુકી પોતાના આવનારા મોડલ્સ માટે પોતાનું સ્ટ્રૉન્ગ હાઇબ્રિડ પાવરટ્રેન તૈયાર કરી રહી છે. આ હાઇબ્રિડ સિસ્ટમ ખાસ કરીને એન્ટ્રી લેવલ અને મિડ-સેગમેન્ટની કારો માટે હશે. આ હાઇબ્રિડ ટેક્નોલોજી ટોયોટાના સીરીઝ-પેરલલ હાઇબ્રિડ સિસ્ટમથી અલગ હશે અને કિંમતમાં પણ ઘણી સસ્તી પડશે.
મારુતિ ફ્રોન્ક્સ એ પહેલું મોડલ હશે જેમાં પોતે વિકસાવેલું આ સ્ટ્રૉન્ગ હાઇબ્રિડ પાવરટ્રેન આપવામાં આવશે. તેની લૉન્ચ ડેટ હજી નક્કી થઈ નથી, પરંતુ 2026માં આ કાર બજારમાં આવી શકે છે.
આ પછી નવી પેઢીની મારુતિ બલેનો આવશે, અને ત્યારબાદ મારુતિની નવી સબ-4 મીટર MPV રજૂ થશે. નવી બલેનોમાં ડિઝાઇન અને ઈન્ટીરિયર બંનેમાં મોટા બદલાવ જોવા મળશે અને પેટ્રોલ-હાઇબ્રિડ ઈન્જિન પણ મળશે એવી આશા છે. આવનારી કોમ્પેક્ટ MPV, સુઝુકી સ્પેશિયા પર આધારિત હોઈ શકે છે, જે હાલમાં જાપાનમાં વેચાય છે. આ બંને મોડલ્સ 2026માં લૉન્ચ થઈ શકે છે.
આ રીતે 2026 સુધી મારુતિ પાસે ત્રણ પ્રકારની હાઇબ્રિડ ટેક્નોલોજી હશે
- માઇલ્ડ હાઇબ્રિડ
- મારુતિનું પોતાનું સ્ટ્રૉન્ગ હાઇબ્રિડ
- ટોયોટા પાસેથી મેળવેલ હાઇબ્રિડ સિસ્ટમ
સ્વિફ્ટ પણ બનશે હાઈબ્રિડ
મારુતિની સૌથી વધુ વેચાતી કાર સ્વિફ્ટ હેચબેક અને બ્રેઝા સબ-કોમ્પેક્ટ SUV માં પણ આ નવી સીરીઝ હાઇબ્રિડ ટેક્નોલોજી આપવામાં આવશે.
- નવી જનરેશન સ્વિફ્ટ 2027માં હાઇબ્રિડ વર્ઝનમાં આવશે.
- જ્યારે નવી પેઢીની બ્રેઝા 2029માં આ નવી હાઇબ્રિડ ટેક્નોલોજી સાથે લૉન્ચ થશે.
આ બંને મોડલ્સમાં ડિઝાઇન અને ઈન્ટીરિયર બંનેમાં મોટા ફેરફાર જોવા મળશે.
કાર કેટલું માઈલેજ આપશે?
કંપની એક એવું સીરીઝ હાઇબ્રિડ સેટઅપ તૈયાર કરી રહી છે જેમાં ઈન્જિન માત્ર જનરેટર અથવા રેન્જ એક્સટેન્ડર તરીકે કામ કરશે. હાઇબ્રિડ સિસ્ટમ દ્વારા જે વીજળી બનશે તે સીધી ઇલેક્ટ્રિક મોટર સુધી જશે, જે વ્હીલ્સને ચલાવશે. આ સેટઅપ સીરીઝ-પેરલલ સિસ્ટમ કરતાં સરળ અને સસ્તી હશે. બીજી તરફ, મારુતિની હાઈ-એન્ડ SUVs માં ટોયોટાનું સ્ટ્રૉન્ગ હાઇબ્રિડ સિસ્ટમ જ મળશે. મારુતિ આ નવા હાઇબ્રિડ સિસ્ટમને Z12E ત્રણ-સિલિન્ડર પેટ્રોલ એન્જિન સાથે રજૂ કરશે, જે હાલની સ્વિફ્ટમાં મળે છે. રિપોર્ટ્સ મુજબ, આવનારી મારુતિ હાઇબ્રિડ કાર્સ 35 kmpl કરતાં વધુ માઇલેજ આપી શકે છે.