વિશ્વભરમાં દર વર્ષે તા. ૧૦ ઓગસ્ટના રોજ ‘વિશ્વ સિંહ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે, આજે બરડામાં આ પ્રસંગે જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયા તેમજ વન-પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશ પટેલ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે તેમ, વન અને પર્યાવરણ વિભાગ દ્વારા જણાવાયું છે. વન વિભાગ દ્વારા વધુ વિગતો આપતાં કહ્યું છે કે, ‘જંગલના રાજા સિંહ’ પ્રત્યે નાગરિકોમાં વધુને વધુ જાગૃતિ આવે, તેનું યોગ્ય સંવર્ધન-સંરક્ષણ થાય તેવા ઉમદા હેતુથી ગુજરાત સહિત વિશ્વભરમાં દર વર્ષે તા. ૧૦ ઓગસ્ટના રોજ ‘વિશ્વ સિંહ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે.
સમગ્ર દેશમાં એકમાત્ર ગુજરાતમાં વસવાટ કરતાં એશિયાઈ સિંહ એ રાજ્યના ઘરેણા-ગૌરવ સમાન છે. એશિયાઇ સિંહ દેશમાં માત્ર સૌરાષ્ટ્ર વિસ્તારના અંદાજે ૧૧ જિલ્લાઓમાં કુદરતી વાતાવરણમાં મુક્ત રીતે વિહરતા જોવા મળે છે. વન વિભાગના ઉપક્રમે સૌરાષ્ટ્રના જૂનાગઢ,ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટ,મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, અમરેલી, પોરબંદર અને બોટાદ એમ કુલ ૧૧ જિલ્લાઓમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં તેમજ વન મંત્રી મુળુભાઈ બેરા અને રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલના સતત માર્ગદર્શનમાં વન વિભાગે ગુજરાતમાં સિંહના સંરક્ષણ-સંવર્ધન માટે અનેકવિધ પ્રયાસો હાથ ધર્યા છે. વિશ્વ સિંહ દિવસની ઉજવણી વર્ષ ૨૦૧૩થી શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાં ‘વિશ્વ સિંહ દિવસ’ની ઉજવણીને વર્ષ ૨૦૧૬માં વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા, વર્ષ ૨૦૧૭માં ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ અને એશિયા બુક ઓફ રેકોર્ડ્સ,વર્ષ ૨૦૧૯માં વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ તેમજ વર્ષ ૨૦૨૨માં વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે.