ખમૈયા કરો મેઘરાજાઃ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ, વાંચો તમામ Update!

ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસમાં સાર્વત્રીક વરસાદ થયો છે. રાજ્યના અનેક જિલ્લાઓ પાણી-પાણી થઈ ગયા છે. હજી આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ડિપ્રેશન સક્રીય થતા હવામાન વિભાગે અતિશય ભારે વરસાદની આગાહી કરી છે. આ સિવાય છેલ્લા બે-ત્રણ દિવસમાં જે વરસાદ વરસ્યો તેણે અનેક જિલ્લાઓને પાણી પાણી કરી નાંખ્યા છે.

સૌથી પહેલા કચ્છની વાત કરીએ તો, કચ્છ જિલ્લામાં વહેલી સવારથી મેઘો મન મુકીને વરસી રહ્યો છે ત્યારે ભુજમાં 4 ઈંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે, પાણી ભરાવાના કારણે અનેક રોડ પાણીમાં ગરકાવ થયા છે અને જનજીવન પર તેની અસર જોવા મળી છે, ભુજના એસટી બસ સ્ટેશનમાં પણ પાણી ભરાયા છે અને વાહનો પાણીમાં બંધ પડયા હોવાની વાત પણ સામે આવી છે, હોસ્પિટલ રોડ પર પણ પાણી ભરાયા છે. કચ્છના ભચાઉમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, છેલ્લા 24 કલાકથી કચ્છ પંથકમાં વરસાદ વરસી રહ્યો છે, કચ્છના શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે, ભચાઉના કુજીસર અને મેઘપર ગામમાં પાણી ભરાયા છે, ભારે વરસાદના કારણે ખેતરો બેટમાં ફેરવાયા છે, કચ્છના નદી નાળામાં પણ નવા નીરની આવક થઈ છે, બીજી તરફ ખેડૂતોનો તૈયાર થયેલો પાક પાણીમાં નષ્ટ થયો છે.

ઉત્તર ગુજરાતમાં 106.50, દક્ષિણ ગુજરાતમાં 107.99 અને પૂર્વ મધ્ય ગુજરાતમાં 106.50 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે કચ્છમાં 99.17 અને સૌરાષ્ટ્રમાં 91.29 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં ચાલુ સિઝનનો કૂલ 102.89 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં થયેલા સાર્વત્રિક વરસાદને કારણે 207 જળાશયોમાં 86.64 ટકા પાણીનો જથ્થો છે. જ્યારે સરદાર સરોવર ડેમમાં 91.26 ટકા પાણીનો જથ્થો છે. રાજ્યમાં જળાશયો છલકાઈ જવાથી સિંચાઈ અને પીવાના પાણીની અછત સર્જાય તેવી શક્યતાઓ ઓછી છે.

ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 73.95, મધ્ય ગુજરાતના 17 ડેમમાં 93.64, દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 84.08, કચ્છના 20 ડેમમાં 61.53, સૌરાષ્ટ્રના 141 ડેમમાં 84.55 ટકા પાણીનો જથ્થો છે. રાજ્યમાં 90 ટકાથી વધુ જળસંગ્રહ વાળા 123 ડેમ હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. 80 ટકાથી વધુ જળસંગ્રહ વાળા 20 ડેમ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. જ્યારે 70 ટકાથી વધુ જળસંગ્રહ વાળા 14 ડેમને વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે. જ્યારે 49 ડેમને કોઈ વોર્નિંગ આપવામાં આવી નથી.

ભરૂચ જિલ્લામાં ત્રણ દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ત્યારે નર્મદા નદી કિનારાના નીચાણ વાળા કેટલાક વિસ્તારમાં પાણી ભરાયા હતા સાથે ભરૂચ અને અંકલેશ્વર શહેરી વિસ્તારમાં પણ પાણી ભરાયા હતા. આમ આજે દિવસ દરમિયાન છૂટા છવાયા વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. ઉલેખનીય છે કે, અગાઉ આવેલા ધોધમાર વરસાદના કારણે નદી કાંઠા વિસ્તારમાં આવેલ ખેતરમાં પાણી ભરતા પાકને નુકસાન થવાની શક્યતા છે. ત્યારે ખેડૂતોએ ખેતરમાંથી પાણીના નિકાલની સુવિધા કરવી જોઇએ. ભારે વરસાદની આગાહી વચ્ચે રવિવારે દાહોદ જિલ્લામાં પરોઢથી જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી હતી. જેના પગલે સમગ્ર જિલ્લો પાણી-પાણી થઈ ગયો હતો. સાંજ સુધીમાં જિલ્લાના નવે તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.

ઝાલોદ તાલુકામાં સૌથી વધુ 33 મિમી વરસાદ ખાબક્યો હતો. જે સમગ્ર જિલ્લામાં સૌથી વધુ હતો. ત્યાર બાદ ગરબાડા તાલુકામાં 31 મિમી વરસાદ વરસ્યો હતો. જ્યારે દાહોદ તાલુકામાં 28 મિમી વરસાદ નોંધાયો હતો. અન્ય તાલુકાઓની વાત કરીએ તો ફતેપુરામાં 19 મિમી, સંજેલીમાં 15 મિમી, દેવગઢબારિયામાં 13 મિમી, લીમખેડામાં 10 મિમી અને ધાનપુરમાં 7 મિમી અને સિંગવડમાં 23 મિમી વરસાદ નોંધાયો હતો. દાહોદ જિલ્લામાં છ ડેમો પહેલાં જ છલકાઇ ચૂક્યા હતાં. ત્યારે રવિવારના વરસાદથી દેવગઢ બારિયાના ભેમાં આવેલો વાંકલેશ્વર ડેમ પણ 100 ટકા છલકાઇ ગયો હતો. તે પોતાની 223.33 મીટરની સપાટી સામે 223.87ના લેવલે વહેવા માંડતા નીચાણ વાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતાં.

બનાસકાંઠાની વાત કરીએ તો, અહીંયા પણ ભારે વરસાદ નોંધાયો છે. બનાસકાંઠામાં ભારે વરસાદના પગલે 258 જેટલા વિજળીના થાંભલા નુકસાનગ્રસ્ત થયા છે. 279 જેટલા ગામડાઓમાં વિજળીનો પુરવઠો ખોરવાઈ ગયો છે. જો કે, તંત્ર દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને વિજપુરવઠો પૂર્વવત કરવા માટે ટીમોને કામે લગાડી દેવામાં આવી છે. આ સિવાય બનાસકાંઠા જિલ્લામાં NDRF અને SDRF ની ટીમોને પણ કામે લગાડી દેવામાં આવી છે. કલેક્ટર દ્વારા નાગરિકોને નદી કાંઠા અને નીંચાણવાળા વિસ્તારોમાં ન જવાની અપીલ કરવામાં આવી છે. છેલ્લા ૨૮ કલાક દરમિયાન બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકાઓમાં ભારે વરસાદ નોંધાયો છે. પવન સાથે ભારે વરસાદમાં ચારે તરફ વરસાદી પાણી જોવા મળી રહ્યું છે. સરહદી સુઈગામ, ભાભર, વાવ અને થરાદ તાલુકામાં ભારે વરસાદ નોંધાયો છે.

બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલની અધ્યક્ષતામાં આજે પ્રાંત કચેરી, થરાદ ખાતે ડિઝાસ્ટરની ઉચ્ચ લેવલની બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેકટરએ સબંધિત અધિકારીઓને ભારે વરસાદ દરમિયાન જરૂરી તમામ પગલા લેવા સૂચનાઓ આપી હતી. છેલ્લા ૨૮ કલાક દરમિયાન વાવ અને થરાદ તાલુકામાં ૧૩ ઇંચ, ભાભરમાં ૧૬ ઇંચ, સુઈગામમાં ૧૭ ઇંચથી ભારે વરસાદ નોંધાયો છે. વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને આજે ૮ સપ્ટેમ્બરના રોજ જિલ્લાની તમામ શાળાઓ, આંગણવાડીઓ તથા તમામ શૈક્ષણિક સંસ્થાઓને બંધ રખાઈ છે. હાલમાં ૫૦૦ જેટલા લોકોનું સ્થળાંતર કરાયું છે. વાવ, થરાદ, ભાભર અને સુઈગામ તાલુકાઓમાં વધુ અસરગ્રસ્ત ૧૩ જેટલા ગામડા હાલ સંપર્ક વિહોણા બન્યા છે. જિલ્લા વહીવટી તંત્ર અને બનાસ ડેરીના સહયોગથી અત્યાર સુધી ૧.૫૦ લાખ જેટલા ફૂડ પેકેટ બનાવવામાં આવ્યા છે. આ ફૂડ પેકેટ વરસાદી પાણી ભરાવવાના કારણે જે લોકો ફસાયા છે તેમને વિતરણ કરાશે.

કલેક્ટરે જણાવ્યું કે, ભારે પવન સાથે પડેલા વરસાદથી ૨૫૮ જેટલા વીજળીના થાંભલાને નુકસાન થયું છે. હાલમાં ૨૭૯ જેટલા ગામડાં છે જેમાં વીજળી નથી તે મરામત કરીને વીજળી પાછી લાવવા માટે તમામ ટીમોને સૂચના આપવામાં આવી છે. હાલમાં ૬ જેટલા પશુઓના મૃત્યુ નોંધાયા છે. વરસાદનું પાણી ઉતર્યા બાદ ચોક્કસ પરિસ્થિતિનો વધુ ખ્યાલ આવી શકશે.

ભારે વરસાદને પગલે રસ્તાઓનું પણ ધોવાણ થયું છે. માર્ગ અને મકાન વિભાગ પંચાયતના કુલ ૮ અને માર્ગ અને મકાન વિભાગ રાજ્યના કુલ ૫ મળી કુલ ૧૩ જેટલા રસ્તાઓનું ધોવાણ થતા ૧૩ જેટલા ગામડાઓ સંપર્ક વિહોણા થયા છે. જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસ અધિક્ષક સહિત જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક પૂર્ણ કરાઈ છે. તમામ વિભાગને એલર્ટ કરીને સૂચનાઓ આપવામાં આવી છે.
બાઈટ- મિહિર પટેલ,બનાસકાંઠા જિલ્લા કલેક્ટર

આ તરફ વાગડમાં ભાદરવાએ ભારે કરી છે. રાપરમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. રાપરમાં રાત્રી દરમિયાન સાંબેલાધાર 10 ઇંચ વરસાદ ખાબક્યો ભૂજ, ભચાઉ અને લખપતમાં 3 ઇંચ વરસાદ રાપર તાલુકાના હમીરપર માલાળ મોટી નદીમાં ભરપૂર પાણીની આવક થતા ખેડૂત અને માલધારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ગાંધીધામમાં પણ ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો ખડીર વિસ્તારમાં આકાશી વીજળી પડતા ઘેટાઓના મોત થયા છે. ખડીર વિસ્તારના ખારોડા ગામનો બનાવ સામે આવ્યો છે ખારોડા ગામે 2થી વધુ ઘેટાઓના મોત થયા છે.આકાશી વીજળી પડતા માલધારીઓને નુકસાન પહોંચ્યું છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી સાર્વત્રિક વરસાદે ધમાકેદાર બેટિંગ કરી છે. હવામાન વિભાગે જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કર્યું છે. છેલ્લા 24 કલાકમાં, આજે સવારે 6 વાગ્યા સુધીના આંકડા પ્રમાણે, દસાડામાં 47 મીમી, ચોટીલામાં 44 મીમી, ધ્રાંગધ્રામાં 33 મીમી, વઢવાણ અને સાયલામાં 31 મીમી, મૂળીમાં 25 મીમી, ચુડામાં 24 મીમી, લખતર અને થાનગઢમાં 23 મીમી, તેમજ લીંબડીમાં 15 મીમી વરસાદ નોંધાયો છે. આ સ્થિતિને પહોંચી વળવા જિલ્લા વહીવટી તંત્રે SDRFની ટીમને સ્ટેન્ડબાય રાખી છે, અને લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

સુરેન્દ્રનગરના લીંબડી શહેરમાં વરસાદી પાણીની સમસ્યાએ લોકોની હાલત કફોડી બનાવી છે. લીંબડી સેવાસદન તરફ જતા રસ્તાઓ પર ઢીંચણસમું વરસાદી પાણી ભરાતાં અરજદારો, મહિલાઓ અને વૃદ્ધોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.દર વર્ષે ચોમાસામાં આ રસ્તાઓ પર પાણી ભરાઈ જાય છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. સેવાસદન ખાતે પ્રાંત, મામલતદાર, મહેસૂલ અને અન્ય સરકારી કચેરીઓ આવેલી હોવા છતાં, મામલતદારની લેખિત રજૂઆત બાદ પણ માર્ગ અને મકાન વિભાગે કોઈ પગલાં લીધાં નથી. સ્થાનિક લોકોએ આગામી દિવસોમાં યોગ્ય ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવા સ્થાનિક તંત્ર પર દબાણ વધી રહ્યું છે.

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં ભારે વરસાદે તબાહી મચાવી છે. છેલ્લા 30 કલાકમાં 3 ઇંચ એટલે કે 72 મિલીમીટર વરસાદ ખાબકતાં ખેતરો જળબંબાકાર થયા છે. ગઈકાલે સવારથી આજે સવારે 10 વાગ્યા સુધી સતત વરસાદને કારણે બીટી કપાસ, એરંડા, જુવાર અને અન્ય પાકો પાણીમાં ગરકાવ થયા છે, જેનાથી ખેડૂતોને મોટા નુકસાનની ભીતિ સતાવી રહી છે.દસાડા શહેરમાં પણ વરસાદની આફત જોવા મળી, જ્યાં ત્રણ કાચા મકાનો ધરાશાયી થયા. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ખેતરોમાં ભરાયેલા પાણીએ ખેડૂતોની ચિંતા વધારી છે, કારણ કે પાકનું નુકસાન થવાની સંભાવના ઘણી વધી ગઈ છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદી સિસ્ટમ સક્રિય રહેતાં વિવિધ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ચોટીલા અને દસાડામાં 2 ઇંચ, જ્યારે ધ્રાંગધ્રા, લખતર, વઢવાણ, લીંબડી, ચુડા, થાનગઢ અને મૂળીમાં 1 ઇંચ વરસાદ પડ્યો. આ ભારે વરસાદને કારણે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે, ખાસ કરીને દસાડા, મૂળી અને ચોટીલા પંથકના ખેડૂતોને મોટું નુકસાન થયું છે. જનજીવન પ્રભાવિત થયું હોવાથી સુરેન્દ્રનગરમાં NDRF ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. ખેડૂતો સરકાર પાસે વળતરની માંગ કરી રહ્યા છે, જ્યારે પ્રશાસન નુકસાનીના સર્વેમાં લાગ્યું છે.

સાંતલપુર તાલુકાને મેંઘરાજાએ ઘમરોળ્યો છે. અહીંયા છેલ્લા 24 કલાકમાં 8 ઇંચ વરસાદ નોંધાયો છે, તેમજ છેલ્લા 48 કલાકમાં 13 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે નીચાળ વાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. સાંતલપુરના તળાવ વિસ્તારમાં ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. ઘરોમાં પાણી ભરાતા ફસાયેલા લોકોને તંત્ર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. સાંતલપુર મામલતદાર,ફાયર વિભાગ,પોલીસ સહીત સ્થાનિક તંત્ર દ્વારા અસરગ્રસ્ત પરિવારોનું રેસ્કયું કરવામાં આવ્યું હતું. સતત વરસાદને કારણે જનજીવન થયું પ્રભાવીત થયું હતું.

Share This Article
Translate »