Jamnagar News: જામનગરમાં જાણીતા મીઠાઈના વેપારીએ શિવ મંદિરની અંદર આપઘાત કરી લેતા વેપારી આલમમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઇ છે. મીઠાઈના વેપારીએ આજે સવારે સિધ્ધનાથ મહાદેવ મંદિર નજીક આવેલ બાલનાથ મંદિરમા રિવોલ્વરમાંથી લમણામાં ગોળી મારી દઈ આત્મહત્યા કરી લેતાં ભારે ચકચાર મચી જવા પામી છે. વેપારીએ જી.જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. 6 માસ પહેલા જ વેપારીના પત્નીનું પણ અવસાન થયુ હતું. ત્યારથી આ વેપારી આઘાતમાં અને ગુમસૂમ રહેતા હતા ત્યારબાદ આજે અંતિમ પગલું ભરી લેતા અરેરાટી વ્યાપી છે.
80 વર્ષીય વેપારીએ આપઘાત કર્યો
આ મામલે જાણવા મળતી પ્રાથમિક વિગત અનુસાર, જામનગર ઉપરાંત સૌરાષ્ટ્રભરમાં મોટું નામ ધરાવતા એચ. જે. વ્યાસ મીઠાઈવાલા નામની પેઢીના જયંતભાઈ હીરાલાલ વ્યાસ નામના આશરે 80 વર્ષીય વેપારીએ આજે આપઘાત કરી લીધો છે. નેગેશ્રવર વિસ્તારમાં આવેલ સિધ્ધનાથ મહાદેવ મંદિરની પાસે જ આવેલા બાલનાથ મહાદેવ મંદિરમાં લાયસન્સ વાળા હથિયાર વડે પોતાની જાતે ગોળી મારી આપધાત કર્યો હતો. અચાનક ધડાકાનો અવાજ આવતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને વેપારીને તાબડતોબ જામનગરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પરિસ્થિતિ ખૂબ ગંભીર હોવાથી તેમને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે આઈ.સી.યુ.માં દાખલ કરાયા હતા. જોકે ટુંકી સારવાર બાદ જ તેઓએ દમ તોડી દીધો.
પત્નીનું છ માસ પહેલા મોત નીપજ્યું હતું
પ્રાથમિક વિગત મુજબ વેપારી જયંતભાઈના પત્ની ઉમાબેનનું આજથી છ માસ પહેલા મોત નીપજ્યું હતું. વાહન અકસ્માતમાં ઈજા થતા પત્નીએ દમ દોડી દીધો હતો. જેના આઘાતમાં જયંતભાઈ ગુમસુમ રહેવા લાગ્યા હતા. આ દરમિયાન તેઓએ એક સપ્તાહ માટેની સિધ્ધનાથ મહાદેવ મંદિરની પાસે જ આવેલા બાલનાથ મહાદેવ મંદિરની માનતા પણ રાખી હતી, આ માનતા ભાગરુપે પ્રતિદિન જયંતભાઈ વ્યાસ રીક્ષામાં સવાર થઈ દાદાના દર્શનાર્થે જતા હતા. આજે માનતા પુરી કરવાનો અંતિમ દિવસ હતો અને રીક્ષાચાલકને પણ ત્યાંથી જતા રહેવાનું કહ્યું હતું, અને પોતે રોકાઈ ગયા હતા. બાદમાં તેમણે મંદિરમાં પોતાની જાતે ગોળી મારી આપઘાત કરી લીધો હતો. જેને લઇને સમગ્ર શહેરમાં શોક છવાયો છે.
આ મામલે પોલીસને જાણ થતાં સીટી બી. ડિવિઝનનો પોલીસ કાફલો બનાવના સ્થળે અને જી.જી. હોસ્પિટલમાં દોડી ગયો છે. મૃતક જયંતભાઈના પરિજનોના નિવેદન નોંધી અકસ્માતે મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પુત્રી અને જમાઈ જામનગર આવવા રવાના
જયંતભાઈ વ્યાસને સંતાનમાં એક પુત્રી છે, જે મુંબઈમાં રહે છે. પિતાના મોતની જાણ કરાયા બાદ પુત્રી અને જમાઈ જામનગર આવવા નીકળ્યા છે. જયંતભાઈના મૃતદેહનું જામનગરની સરકારી જી.જી હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ થયા બાદ ઘરે લઈ જવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અને ત્યારબાદ અંતિમવિધિની પ્રક્રિયાઓ હાથ ધરાશે.
આ પણ વાંચો: Jamnagar માં ચીખલીગર ગેંગના બે તસ્કરો ઝડપાયા