જગદીશ વિશ્વકર્મા બન્યા ગુજરાત ભાજપના નવા સુકાનીઃ સત્તાવાર રીતે પદભાર સંભાળ્યો

ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ વિશ્વકર્માએ આજે સત્તાવાર રીતે પદભાર સંભાળી લીધો છે. તેઓ રાજ્ય એકમના 14મા અધ્યક્ષ બન્યા છે. તેમની બિનહરીફ વરણી બાદ કોબા કમલમ ખાતે ભવ્ય પદગ્રહણ સમારોહ યોજાયો છે. સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, સંગઠન મહામંત્રી રત્નાકર, પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ અને કેન્દ્રીય ચૂંટણી ઇન્ચાર્જ કે. લક્ષ્મણ સહિત ઘણા અગ્રણીઓ હાજર રહ્યા છે.

પદભાર સંભાળતા પહેલાં જગદીશ વિશ્વકર્મા પોતાના નિવાસસ્થાનથી રેલી સ્વરૂપે ગાંધીનગર જવા નીકળ્યા હતા. અમદાવાદના ઠક્કરબાપાનગરથી રેલીનો પ્રારંભ થયો હતો. રસ્તા પર ભાજપ કાર્યકરોએ ઢોલ-નગારા સાથે તેમનું સ્વાગત કર્યું હતું, તો નરોડા પાટિયામાં સાંસદ દિનેશ મકવાણાએ ફૂલોનો હાર પહેરાવી અભિનંદન આપ્યું હતું. રેલીમાં મહિલાઓએ ગરબા નાચીને ખુશી વ્યક્ત કરી હતી. ભાટ નજીકથી અમદાવાદ શહેરના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા, જેથી સમગ્ર માર્ગમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો. વિશ્વકર્માના નામની જાહેરાત થતા રાજકીય વર્તુળોમાં આશ્ચર્ય જોવા મળ્યું હતું. પહેલી વાર મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ બંને અમદાવાદમાંથી આવ્યા છે. એટલે આવનારા સમયમાં સરકાર અને સંગઠન બંનેમાં અમદાવાદનો દબદબો સ્પષ્ટપણે જોવા મળશે. ભાજપની રાજકીય વ્યૂહરચના અંતર્ગત વિશ્વકર્માની પસંદગી કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે.

વિશ્વકર્મા બક્ષીપંચ સમાજમાંથી આવે છે. ગુજરાતની રાજનીતિમાં ઓબીસી સમુદાયના વોટબેંકને ધ્યાનમાં રાખીને ભાજપે આ પસંદગી કરી છે. કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા, આમ આદમી પાર્ટીના ઇસુદાન ગઢવી અને ભાજપના જગદીશ વિશ્વકર્મા – ત્રણે પક્ષોના નેતાઓ એક જ સમાજમાંથી આવે છે. એટલે આવનારી ચૂંટણીમાં બક્ષીપંચ સમાજના મતો માટે કસોટી જોરદાર બનવાની છે.

વિશ્વકર્માએ 1998થી ભાજપ કાર્યકર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. 2010માં તેઓ કર્ણાવતી શહેરના બક્ષીપંચ મંત્રી બન્યા હતા. ત્યારબાદ 2012માં નિકોલથી ધારાસભ્ય બન્યા હતા, જ્યાં તેમણે 49 હજારથી વધુ મતોથી વિજય મેળવ્યો હતો. તેઓ સતત ત્રણ ટર્મથી નિકોલ વિધાનસભાથી ધારાસભ્ય રહ્યા છે. 2016માં તેમને અમદાવાદ મહાનગર ભાજપ અધ્યક્ષ તરીકે જવાબદારી મળી હતી. મહાનગરની 12 સીટ પર ભાજપના ઉમેદવારોને જીત અપાવવામાં તેમનો મહત્ત્વનો ફાળો રહ્યો હતો. છેલ્લા બે વર્ષથી તેઓ રાજ્ય મંત્રી તરીકે કામ કરી રહ્યા છે, જેમાં MSME, ખાદી અને લઘુ-સૂક્ષ્મ ઉદ્યોગ વિભાગનો હવાલો સંભાળ્યો છે.

વિશ્વકર્માનું મૂળ વતન બનાસકાંઠાના વડગામ તાલુકાના વરણાવાડા ગામમાં આવેલું છે. તેમના પ્રદેશ પ્રમુખ તરીકે પસંદ થતા વતનમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. ગામલોકોએ “વતનનો દીકરો મોટા હોદ્દે પહોંચ્યો” કહીને ગૌરવ વ્યક્ત કર્યું છે.

હવે વિશ્વકર્માના નેતૃત્વમાં ભાજપ 2027ની વિધાનસભા ચૂંટણીમાં ઉતરશે. એ પહેલાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તેમની પહેલી મોટી કસોટી થવાની છે. સી.આર. પાટીલે ભાજપને ઊંચાઈ પર પહોંચાડ્યા બાદ વિશ્વકર્મા તે ઊંચાઈ જાળવી શકે કે નહીં એ રાજકીય ચર્ચાનો મુખ્ય મુદ્દો બન્યો છે.

Share This Article
Translate »