ભારત સરકારે ભારતીય વાયુસેનાની હવાઈ નિગરાની અને કમાંડ ક્ષમતાઓને વેગ આપતા AWACS ઈન્ડિયા પ્રોજેક્ટને મંજૂરી આપી છે. કેબિનેટ કમિટી ઓન સિક્યુરીટીએ આશરે 19,000 કરોડ રૂપીયાની એક ડિલને મંજૂરી આપી છે. આ ડિલ અંતર્ગત એરબસ A321 વિમાન પર આધારિત 6 એરબોર્ન અર્લી વોર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ વાયુસેનામાં શામેલ કરવામાં આવશે. આ પ્રોજેક્ટનું નેતૃત્વ DRDO કરશે. એરબસ વિમાન ઉપ્લબ્ધ પણ કરાવાશે અને ટેક્નિકલ મદદ પણ આપશે. ભારતની નવી સરકારી અને પ્રાઈવેટ કંપનીઓ આમાં જોડાશે અને સબ-સિસ્ટમ અને ગ્રાઉન્ડ સપોર્ટ બનાવશે.
આની વ્યૂહાત્મક ખાસિયતો
આ વિમાન આકાશમાંથી ઉડતા-ફરતા રડાર અને કંટ્રોલ સેન્ટર તરીકે કામ કરશે.
આમાં આધુનિક AESA રડાર અને ઇલેક્ટ્રોનિક વૉરફેર સિસ્ટમ લાગેલા હશે.
આ વિમાન એકસાથે ઘણા દુશ્મન વિમાનો, મિસાઇલો અને જહાજોની હલચલને ટ્રૅક કરી શકશે.
દુશ્મનની હરકતને પહેલેથી પકડીને વાયુસેનાને ચેતવણી આપશે.
હવામાંથી જ ફાઇટર જેટ્સ અને ગ્રાઉન્ડ સિસ્ટમને કમાન્ડ અને કંટ્રોલ આપશે.
શા માટે જરૂરી છે આ વિમાન?
હાલ ભારતમાં માત્ર થોડા જ AEW&C વિમાનો છે,
- ફાલ્કન AWACS, જે રશિયાના Il-76 વિમાન પર આધારિત છે.
- DRDOનું ‘નેત્રા’ AEW&C, જે નાના એમ્બ્રેયર વિમાન પર બનાવવામાં આવ્યું છે.
આ વિમાનોની સંખ્યા ઓછી હોવાને કારણે સમગ્ર દેશના હવાઈ વિસ્તારમાં 24×7 દેખરેખ રાખવી મુશ્કેલ છે. પરંતુ હવે નવા A321 આધારિત AEW&C આવતા આ ખામી પૂરી થઈ જશે.
ચીન અને પાકિસ્તાન પર નજર
ભારતનું આ પગલું એવા સમયે આવ્યું છે જ્યારે ચીન પાસે 30થી વધુ AWACS વિમાનો છે, જેમાં KJ-500 જેવા આધુનિક એરબોર્ન વોર્નિંગ સિસ્ટમ ભારતની સરહદોની એકદમ નજીક તૈનાત છે. પાકિસ્તાન પણ પોતાની દેખરેખ ક્ષમતા વધારવામાં વ્યસ્ત છે.
આવા સમયમાં ભારતનું આ પગલું સીધો સંદેશ આપે છે કે અમારી વાયુસેના કોઈપણ પડકારનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
ત્રણ વર્ષમાં પૂર્ણ થશે ઈન્ટિગ્રેશન
લગભગ ત્રણ વર્ષમાં આ વિમાનોનું વિકાસ અને ઈન્ટિગ્રેશન પૂર્ણ થશે. ત્યારબાદ તેની કસોટીઓ થશે અને પછી તેને વાયુસેનામાં સામેલ કરવામાં આવશે.
સરકારનો આ નિર્ણય માત્ર 6 વિમાનોની ખરીદી નથી, પરંતુ ભારતના રક્ષણ આધુનિકીકરણ તરફનું મોટું પગલું છે. આથી વાયુસેનાની શક્તિ ઘણી ગણી વધી જશે અને ભારત પોતાના પડોશી દેશો પર સતત નજર રાખી શકશે.