અમદાવાદના સરદારનગર વિસ્તારના કુબેરનગરમાં જાહેર રસ્તા પર થયેલી એક જન્મદિવસની પાર્ટી હવે ચર્ચાનો વિષય બની છે. આ પાર્ટીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં યુવકો અને એક યુવતી જાહેરમાં અશ્લીલ અને બિભત્સ ડાન્સ કરતા દેખાય છે.
વિડિયો વાયરલ થતાં શહેરના નાગરિકોમાં રોષ ફેલાયો છે અને લોકો સોશિયલ મીડિયા પર આ ઘટનાની કડક નિંદા કરી રહ્યા છે. ઘણા લોકોનું કહેવું છે કે જાહેર સ્થળે આ પ્રકારની હરકતો ગુજરાતની સંસ્કૃતિને કલંકિત કરે છે.
મળતી માહિતી મુજબ, આ વીડિયો કુબેરનગર વિસ્તારનો હોવાનું સામે આવ્યું છે. રસ્તા પર લાઇટ અને સાઉન્ડ સિસ્ટમ લગાવી યુવકો દ્વારા જન્મદિવસની ઉજવણી માટે ડાન્સ પાર્ટી યોજાઈ હતી.
આ પાર્ટી દરમિયાન એક યુવતીને બોલાવી રોડ પર જ ડાન્સ કરાવવામાં આવ્યો હતો. વીડિયોમાં યુવકો યુવતી સાથે અશ્લીલ ચેનચાળા કરતા દેખાય છે. કેટલાક લોકો હાથમાં નોટો લઈને વરસાદ કરતા પણ જોવા મળ્યા હતા.
વિડિયોમાં યુવકની ઓળખ મુકેશ મકવાણા તરીકે થઈ છે. તેણે જન્મદિવસની ઉજવણી માટે આ પાર્ટી યોજી હતી. તે ગળામાં સોનાના દાગીના પહેરી યુવતી સાથે રોડ પર ડાન્સ કરતો દેખાય છે. આ વીડિયો બાદમાં ઇન્સ્ટાગ્રામ પર મુકેશ મકવાણા નામના એકાઉન્ટ પરથી અપલોડ કરવામાં આવ્યો હતો.
વીડિયો વાયરલ થતાં જ નાગરિકો અને સોશિયલ મીડિયા યુઝર્સે કડક પ્રતિક્રિયા આપી છે. ઘણા લોકોએ કમેન્ટ કરીને લખ્યું છે કે જાહેર સ્થળે આવી હરકતો કરવી શરમજનક છે અને શહેરની છબીને દૂષિત કરે છે.
કેટલાએ તો આ ઘટનાની તુલના મુંબઈ અને બેંગકોકની બાર કલ્ચર સાથે કરી છે. કેટલાક લોકોએ નોંધ્યું છે કે આ પ્રકારની ઘટનાઓ નવરાત્રી જેવા પવિત્ર તહેવારોની વચ્ચે જાહેર નૈતિકતાને ધક્કો પહોંચાડે છે.
હાલના દિવસોમાં વડોદરા અને સુરતમાં પણ જાહેરમાં અશ્લીલ વર્તનની ઘટનાઓ સામે આવી હતી. નવરાત્રીના ગરબા દરમિયાન કપલના કિસીંગ વીડિયોને લઈને આખા રાજ્યમાં ચર્ચા થઈ હતી. તે પછી હવે અમદાવાદમાં આવી ઘટના સામે આવતા લોકો ચકિત થઈ ગયા છે.
આ વીડિયો વાયરલ થતા સરદારનગર પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. પ્રાથમિક રીતે પોલીસે વીડિયોના સ્રોત અને તેમાં દેખાતા લોકોની ઓળખ મેળવવાની પ્રક્રિયા શરૂ કરી છે.
પોલીસ સૂત્રો જણાવે છે કે જો જાહેરમાં અશ્લીલ હરકતો અથવા કાયદાનો ભંગ સાબિત થાય તો, સંબંધિત લોકો સામે IPC કલમ 294 (અશ્લીલ હરકત), 268 (જાહેર ઉપદ્રવ), અને અન્ય શાંતિભંગ સંબંધિત કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.