અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતમાંથી આયાત થતી વસ્તુઓ પર 50 ટકા ટેરિફની જાહેરાત કરી દિધી છે. ત્યારે હવે ટ્રમ્પે લગાવેલા ટેરિફની અસર ભારતમાં દેખાવાની શરૂ થઈ ગઈ છે. ટ્રમ્પે વધારેલા ટેરિફની અસર અત્યારે જ્વેલરી, ગારમેન્ટ્સ સહિતના અનેક સેક્ટરો પર દેખાઈ રહી છે. તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે ગારમેન્ટ એક્સપોર્ટર્સ તેમના કારખાનાઓને એવા દેશોમાં શિફ્ટ કરવાની યોજના બનાવી રહ્યા છે જ્યાં અમેરિકાનો ટેરિફ ઓછો છે. તેઓ પોતાનો ધંધો ટકાવી રાખવા માટે એવા દેશોમાં બિઝનેસ કરવા વિચારી રહ્યા છે, જ્યાં અમેરિકા દ્વારા ઓછો ટેરિફ જાહેર થયો છે.
સુરતના હિરા વેપારીઓ પણ મુશ્કેલીમાં!
ટ્રમ્પના આ નિર્ણયનો પ્રભાવ સુરતના હીરા વેપારીઓ પર પણ જોવા મળી રહ્યો છે. ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં હીરા કટિંગ અને પોલિશિંગનું કામ કરતા આશરે એક લાખ મજૂરો એપ્રિલ મહિનાથી પોતાની નોકરી ગુમાવી ચૂક્યા છે. અમેરિકા તરફથી હીરા પર પહેલેથી જ 10% ટેરિફ લાગુ હતો. ગુજરાત ડાયમન્ડ વર્કર્સ યુનિયનના વાઈસ પ્રેસિડન્ટ ભાવેશ ટાંકે જણાવ્યું કે છેલ્લા 10 દિવસમાં હીરા કારગરોની નોકરી ઝડપથી ગઈ છે. તેનું મુખ્ય કારણ ટેરિફને પહેલા 25% અને પછી વધારીને 50% કરવું છે.
ટેરિફ વધારાને કારણે મોટાભાગની નોકરીઓ ભાવનગર, અમરેલી અને જૂનાગઢના નાના કારખાનાઓમાં ગઈ છે. આ કારખાનાઓ મોટી કંપનીઓ માટે કાચા હીરાની કટિંગ અને પોલિશિંગનું કામ કરે છે.
એક્સપોર્ટ ઓર્ડર રોકાયા અથવા રદ થયા!
ટેરિફ વધ્યા પછી અમેરિકન ખરીદદારો તરફથી મળેલા અનેક એક્સપોર્ટ ઓર્ડર કાં તો રોકી દેવાયા છે અથવા તો રદ્દ કરી દેવાયા છે. ભાવનગર, અમરેલી અને જૂનાગઢમાં હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા અંદાજે ત્રણથી ચાર લાખ લોકો છે. અમેરિકા અને ચીન તરફથી હીરાની ખરીદીમાં ઘટાડો થવાના કારણે અહીંનું કામ પહેલેથી જ ધીમું પડ્યું હતું. પરંતુ હવે ટેરિફ વધારાની જાહેરાત બાદ ઉદ્યોગને મોટો ઝટકો લાગ્યો છે. એપ્રિલ મહિનામાં ટેરિફ વધારાની જાહેરાત થયા પછી હીરા ઉદ્યોગમાં અનિશ્ચિતતાનું વાતાવરણ સર્જાયું છે. ત્યારબાદ ડાયમન્ડ કટિંગ અને પોલિશિંગના કામમાં ઘટાડો થયો છે અને મજૂરોને નોકરીમાંથી કાઢવામાં આવ્યા છે.