મધ્યપ્રદેશમાં વરસાદ મોટી આફત લઈને આવ્યો છે. રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં છેલ્લા 40 દિવસથી ખૂબ જ વરસાદ વરસી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી વિગતો અનુસાર, ચોમાસાની આ સીઝનમાં અત્યાર સુધીમાં 252 જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ સિવાય 432 જેટલા પશુઓના પણ મોત થયા છે. તો આ સિવાય 3600 થી વધારે પશુઓને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે પ્રદેશમાં અતિવૃષ્ટી અને પૂરના કારણે બનેલી સ્થિતિ અને રાહત તેમજ બચાવ કામગીરીના સંદર્ભમાં જિલ્લા કલેક્ટરો સાથે વિશેષ મીટિંગ યોજી હતી. બેઠકમાં મુખ્યપ્રધાન મોહન યાદવે અધિકારીઓને નિર્દેશ આપ્યા કે અતિવૃષ્ટિ કે પૂર પ્રભાવિતોને કોઈ પણ મુશ્કેલી ના પડે અને ઝડપી જ સર્વે પૂર્ણ કરીને પીડિતોને તેમના નુકસાનની ભરપાઈ કરવામાં આવે. બેઠક બાદ મુખ્યપ્રધાન ડો.યાદવે જણાવ્યું કે ભારે વરસાદને જોતા NDRFની ટીમને ભોપાલ, ગ્વાલિયર, જબલપુર અને ધારમાં તૈનાત કરવામાં આવી છે, જ્યારે SDRFને રાજ્યભરમાં સંવેદનશીલ સ્થળો પર તૈનાત કરવામાં આવી છે.
મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે અત્યાર સુધીમાં કુલ 250 થી વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ભારે વરસાદથી 47, નદી-નાળામાં ડુબવાથી 132, આકાશી વીજળીથી 60 અને દીવાલ-મકાન ધરાશાયી થવાથી 13 લોકોના મોત થયા છે. આ સિવાય 432 પશુઓને નુકસાન પહોંચ્યું અને 1200 મરઘીના મોત થયા છે. બચાવ અને રાહત ટીમ દ્વારા 432 રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવ્યા છે, જેમાં 3,628 નાગરિકો અને 94 પશુઓને જીવિત બચાવવામાં આવ્યા છે. આ સિવાય વરસાદથી 2400થી વધુ મકાનને નુકસાન પહોંચ્યું છે.