ગુજરાતમાં વર્ષ 2025 ના ચોમાસામાં સાર્વત્રીક રીતે ખૂબ જ સારો વરસાદ થયો છે. ત્યારે આ તમામની વચ્ચે ગુજરાતની જીવાદોરી ગણાતો નર્મદા ડેમ હવે ઓવરફ્લો થવાના આરે છે. ડેમની સપાટી 135.65 મીટરે પહોંચી ગઈ છે, જે તેની મહત્તમ સપાટી 138.68 મીટરથી માત્ર થોડા જ મીટર દૂર છે. આ સાથે ડેમ 90 ટકાથી વધુ ભરાઈ ગયો છે. આ સારા સમાચાર ગુજરાતના ખેડૂતો અને નાગરિકો માટે રાહત લઈને આવ્યા છે, કારણ કે આનાથી પીવાના પાણી અને સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ રહેશે. છેલ્લા 24 કલાકમાં જ ડેમની સપાટીમાં 100 સે.મી.નો વધારો થયો છે.
ડેમમાં પાણીની સતત આવક ચાલુ રહેતા તંત્ર દ્વારા આવશ્યકતા મુજબ પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં નર્મદા નદીમાં પાણીની આવક 1.72 લાખ ક્યુસેક જેટલી છે, જ્યારે નદીમાં જાવક 44,024 ક્યુસેક છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને, આવતીકાલે સવારે 8 વાગ્યે ડેમના દરવાજા ફરીથી ખોલવામાં આવશે અને રિવરબેડ પાવરહાઉસમાંથી 45,000 ક્યુસેક પાણી છોડવામાં આવશે. આ નિર્ણયથી નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો પ્રવાહ વધી શકે છે.
ડેમમાંથી પાણી છોડવામાં આવતા, નર્મદા અને ભરૂચ જિલ્લાના નર્મદા નદીના કાંઠા વિસ્તારના નાગરિકોને એલર્ટ કરવામાં આવ્યા છે. તેમને સાવચેતી રાખવા અને નદીના પટમાં ન જવા માટે સૂચના આપવામાં આવી છે. તંત્ર દ્વારા સલામતીનાં તમામ પગલાં ભરવામાં આવી રહ્યા છે જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને. આ વર્ષે સારા વરસાદને કારણે નર્મદા ડેમ છલોછલ ભરાતા સમગ્ર રાજ્યમાં ખુશીનો માહોલ છે.