દહેગામના બહિયલમાં કાયદો તોડનારાની પ્રોપર્ટી પર દાદાનું બુલ્ડોઝર ફરી વળ્યું!

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બહિયલ ગામમાં તાજેતરમાં થયેલી અથડામણ બાદ વહીવટી તંત્રે કડક પગલાં લીધા છે. રાયોટિંગની ઘટના બાદ પોલીસે ગુનો દાખલ કર્યો હતો, ત્યારબાદ જ ગેરકાયદેસર બાંધકામો સામે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

આ કાર્યવાહી દરમિયાન કુલ 186 ગેરકાયદેસર એકમો તોડી પાડવામાં આવ્યા, જેમાંથી આશરે 50 બાંધકામો રાયોટિંગના આરોપીઓ સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ડિમોલિશન સ્થળે પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવાયો હતો.

SP રવિ તેજા વાસમસેટ્ટીનું નિવેદન
ગાંધીનગરના પોલીસ અધિક્ષક (SP) રવિ તેજા વાસમસેટ્ટીએ જણાવ્યું હતું કે, “આજે મુખ્યત્વે કોમર્શિયલ પ્રકારના ગેરકાયદેસર બાંધકામો પર કાર્યવાહી કરવામાં આવી છે. ડિમોલિશન પહેલાં તમામ માલિકોને નોટિસ આપવામાં આવી હતી.” તેમણે વધુમાં ઉમેર્યું કે કાયદાનું ઉલ્લંઘન કરનારા કે ગેરકાયદે પ્રવૃત્તિઓમાં જોડાયેલા લોકોને કોઈ રાહત આપવામાં નહીં આવે.

વહીવટી તંત્રનો સ્પષ્ટ સંદેશ
વહીવટીતંત્રની આ કાર્યવાહી માત્ર બાંધકામ તોડવાની નથી, પરંતુ કાયદો અને વ્યવસ્થાનું શાસન જાળવવા માટેની પ્રતિબદ્ધતાનું પ્રતિક છે. નવરાત્રિ જેવા તહેવાર દરમિયાન થયેલી અથડામણ બાદ તાત્કાલિક કડક પગલાં લેવાથી સમાજમાં સ્પષ્ટ સંદેશ ગયો છે કે કાયદો હાથમાં લેવાની હરકત સહન કરવામાં નહીં આવે. આ પગલાંથી વહીવટી તંત્રએ ગુનાહિત અને ગેરકાયદે પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવાનો પોતાનો સંકલ્પ વધુ મજબૂત કર્યો છે.

Share This Article
Translate »