ભારતમાં સોનાના ભાવો સતત વધી રહ્યા છે. સામાન્ય માણસ માટે સોનું ખરીદવું અઘરું થઈ ગયું છે. ત્યારે છેલ્લા એક અઠવાડીયામાં સોનાના ભાવમાં 1690 રૂપીયાનો વધારો થયો છે. રાજધાની દિલ્હીમાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,03,190 રૂપીયા થઈ ગયો છે. જો 22 કેરેટના સોનાની વાત કરવામાં આવે તો, છેલ્લા એક અઠવાડીમાં 22 કેરેટ સોનાના ભાવમાં 1550 રૂપીયાનો વધારો થયો છે. સૌથી મોટી વાત એ છે કે, છેલ્લા 6 વર્ષમાં સોનું 200 ટકા જેટલું મોંઘું થયું છે.
આજે દિલ્હીમાં 10 કેરેટ સોનાના ભાવે તમામ રેકોર્ડ તોડી નાખ્યો છે. આજે 24 કેરેટ સોનાનો ભાવ 1,03,190 રૂપિયા પર પહોંચી ગયો છે. 22 કેરેટનો ભાવ 94,600 રૂપિયા પર છે. હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 94,450 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,03,040 રૂપિયા છે.
ગુજરાતની વાત કરીએ તો, અમદાવાદ, સુરત, રાજકોટ, અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ભાવ 94,500 રૂપિયા છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,03,090 રૂપિયા છે. ચાંદીની વાત કરીએ તો, છેલ્લા અઠવાડિયા દરમિયાન વધઘટ જોવા મળ્યા પછી, આજે 10 ઓગસ્ટના રોજ ચાંદીના ભાવમાં પણ 100 રુપિયાનો વધારો નોંધાયો છે. આજે ચાંદી 1,17,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે.
ટ્રમ્પના ટેરિફની અસર!
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર જે ટેરિફ લગાવવાની વાત કરી તેના કારણે સોનાના ભાવોમાં વધારો જોવા મળ્યો છે. સ્પોટ ગોલ્ડ 0.4% વધીને $3,380.76 પ્રતિ ઔંસ થયો. યુએસ ગોલ્ડ ફ્યુચર્સ 0.3% વધીને $3,443.30 થયો.
હજી મોંઘું થશે સોનું!
કેટલાક વિશ્લેષકો માને છે કે આગામી અઠવાડિયામાં સોનાના ભાવમાં મોટો વધારો થઈ શકે છે. જોકે, વૈશ્વિક બજારની સ્થિતિ, ડોલર સૂચકાંક, વ્યાજ દરો અને ભૂ-રાજકીય ઘટનાઓ ભાવને અસર કરતી રહેશે, જેના કારણે અસ્થિરતા ચાલુ રહી શકે છે.