દેશમાં આત્મનિર્ભર ભારત અને ડિજિટલ સ્વદેશી વિચારધારાને પ્રોત્સાહન આપવા ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ દ્વારા તમામ શાસકીય વિભાગો, બોર્ડ, કોર્પોરેશન, હેડ ઓફ ડિપાર્ટમેન્ટ તથા પીએસયુને હવે ઝોહો ઈમેઈલ અને ઓફિસ સુઈટ અપનાવવાની સૂચના આપવામાં આવી છે.
અમિત શાહે અપનાવ્યું ઝોહો મેઈલ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાનું સત્તાવાર ઈમેઈલ સરનામું Gmailમાંથી બદલીને સ્વદેશી ઝોહો મેઈલ પર લાવ્યાની જાહેરાત કરી છે. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું હતું – “I have switched to Zoho Mail. Kindly note the change in my email address.”
તેમનો આ નિર્ણય આત્મનિર્ભર ભારતના સંદેશને મજબૂતી આપે છે અને સરકારના સ્વદેશી ટેક્નોલોજી પર વિશ્વાસનું પ્રતિબિંબ છે.
ગુજરાત સરકારનું સર્ક્યુલર જાહેર
રાજ્યના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગે જાહેર કરેલા સર્ક્યુલર મુજબ, ભારતની ડિજિટલ સ્વતંત્રતા મજબૂત કરવા અને સરકારી માહિતીની સુરક્ષા જાળવવા માટે હવે સ્થાનિક ટેક્નોલોજી પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરવો અનિવાર્ય રહેશે.
આ પહેલના સંકલન માટે ‘ડિરેક્ટોરેટ ઓફ આઈસીટી એન્ડ ઈ-ગવર્નન્સ (DIT)’ ને નોડલ એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવી છે. રાજ્ય સરકારે જણાવ્યું છે કે, આ પગલું માત્ર ટેક્નિકલ બદલાવ નહીં પરંતુ ભારતની ડિજિટલ સર્વભૌમત્વ તરફનું એક મજબૂત પગલું છે. ઝોહો એક ભારત આધારિત કંપની છે, જેના સર્વર અને ડેટા સેન્ટર પણ ભારતમાં જ સ્થિત છે — જેના કારણે ડેટા લોકલાઈઝેશન અને ગોપનીયતા બંને સુનિશ્ચિત થાય છે.
ઝોહોના ફાઉન્ડરનો પ્રતિભાવ
ઝોહોના ફાઉન્ડર શ્રીધર વેમ્બુે ટ્વીટ કરીને અમિત શાહનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું કે, “અમિત શાહજીના આ પગલાથી દેશના એન્જિનિયરોને નવી પ્રેરણા મળશે. આભાર કે તેમણે ભારતીય ટેક્નોલોજી પર વિશ્વાસ મૂક્યો.”
ટેક્નોલોજી ક્ષેત્રે માઈલસ્ટોન
સરકારના આ નિર્ણયને સ્વદેશી સોફ્ટવેર કંપનીઓ માટે મોટો પ્રોત્સાહન ગણવામાં આવી રહ્યો છે. હવે રાજ્યના કર્મચારીઓ, વિભાગો અને જાહેર ક્ષેત્રની સંસ્થાઓ ધીમે ધીમે Gmail, Outlook જેવી વિદેશી સેવાઓ છોડીને ઝોહો પ્લેટફોર્મ પર સ્વિચ કરશે.
વિશ્લેષકોના જણાવ્યા મુજબ, ડેટા સુરક્ષા અને સ્વદેશી ટેક્નોલોજીના પ્રચાર માટે આ પહેલ દેશ માટે માઈલસ્ટોન સાબિત થઈ શકે છે. એક તરફ કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહ સ્વદેશી ઈમેઈલ અપનાવે છે અને બીજી તરફ ગુજરાત સરકાર એ જ દિશામાં નીતિ જાહેર કરે છે — તેનાથી સ્પષ્ટ થાય છે કે, હવે સરકારના ડિજિટલ માળખામાં સ્વદેશી ટેક્નોલોજીનો પ્રભાવ નોંધપાત્ર રીતે વધશે.