ડાયાબિટી સામે ગુજરાત સરકારનો જંગ, ગરીબ દર્દીઓને નિ:શુલ્ક ઇન્સ્યુલીન ઇન્જેકશન આપવામાં આવ્યા

છેલ્લા એક વર્ષમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 25 હજાર દર્દીઓને રૂ. 1.9 કરોડના ઇન્સ્યુલીન ઇન્જેકશન નિ:શુલ્ક આપવામાં આવ્યા

રુ. 1.9 કરોડ કરતાં વધારે ના ઇન્સ્યુલિન ઇન્જેક્શન તેમ જ 78 લાખ કરતા વધારે ના ગ્રોથ હોર્મોન ઇંજેક્શનો ગરીબ દર્દીઓને પૂરા પાડી દર્દીલક્ષી અભિગમ દર્શાવતો રાજ્યનો આરોગ્ય વિભાગ

રાજ્ય સરકારના નોન કોમ્યુનીકેબલ ડીસીઝ(બિનચેપી રોગ)પ્રોગ્રામ ના ભાગરૂપે સિવિલ હોસ્પિટલ અમદાવાદ દ્વારા છેલ્લા એક વર્ષમાં ડાયાબિટીસના 25 હજાર કરતા વધારે દર્દીઓને અંદાજે 1.9 કરોડના ઇન્સ્યુલિન ઇન્જેક્શનનો પૂરા પાડવામાં આવ્યા છે.

ડો. રાકેશ જોષીએ જણાવ્યુ..

આ અંગે વધુ વિગતો આપતા સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોષીએ જણાવ્યુ હતુ કે, રાજ્ય સરકાર દ્વારા બ્લડપ્રેશર, ડાયાબિટીસ જેવા નોન કોમ્યુનિકેબલ રોગો કે જે લાઇફ સ્ટાઇલ ડીસીઝ તરીકે ઓળખાય છે તેને અટકાવવા માટે દર શુક્રવારે બિનચેપી રોગ નિદાન કાર્યક્રમ અંતર્ગત સ્ક્રીનીંગ કરીને ત્વરીત સારવાર મળે તે દિશામાં પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી લઈ મેડિકલ કૉલેજ હોસ્પિટલ સુધી તમામ હોસ્પિટલોમાં આવતા દર્દીઓમાં બ્લડપ્રેશર, ડાયાબિટીસ જેવા નોન કોમ્યુનિકેબલ રોગોની તપાસ થઈ વહેલી ઓળખ થાય અને વહેલી સારવાર શરૂ થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવે છે.

સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે રાજ્ય સરકારના નોન કોમ્યુનીકેબલ ડીસીઝ પ્રોગ્રામના ભાગરૂપે છેલ્લા એક વર્ષમાં ડાયાબિટીસના કુલ 25,348 દર્દીઓને અંદાજે રૂ.1.9 કરોડના ઇન્સ્યુલિન ઇન્જેક્શનનો સારવારના ભાગરૂપે પૂરા પાડવામાં આવ્યા છે .

બીજા અંગો ખરાબ થવાનો ભય

ડાયાબિટીસના દર્દીઓ જેમને ઇન્સ્યુલિનની જરૂર હોય અને સમયસર ઇન્સ્યુલિન લેવામાં ન આવે તો ઘણા બધા કોમ્પ્લિકેશન તેમજ શરીરના બીજા અંગો ખરાબ થવાનો ભય રહેતો હોય છે . આ ઇન્સ્યુલિન ઇન્જેક્શનની કિંમત પણ વધારે હોવાથી કેટલાક કિસ્સામાં સામાન્ય ગરીબ દર્દીને પરવડે તેમ હોતા નથી. આવી પરિસ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા સિવિલ હોસ્પિટલ અમદાવાદ મારફતે ડાયાબિટીસના દર્દીઓને પૂરા પાડવામાં આવતા ઇન્સ્યુલિન ઇન્જેક્શનો આ ગરીબ દર્દીઓ માટે ખરેખર આશીર્વાદરૂપ સાબિત થયા છે.

આ ઉપરાંત 411 બાળ દર્દીઓને જેમને જીનેટીક અથવા તો પ્રસુતિ સમય દરમિયાન કોઈ કારણોથી બાળકના મગજને નુકશાન થતા ગ્રોથ હોર્મોન બનતા નથી જેથી બાળકનો વિકાસ અટકી જાય છે તેવા બાળકો ગ્રોથ હોર્મોન ઇંજેકશન આપવામાં આવ્યા છે.

આવા બાળકો માં આ ગ્રોથ હોર્મોન ના ઇંજેક્શન બાળકના વિકાસ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થતા હોય છે. રાજ્ય સરકાર ના આરોગ્ય વિભાગ દ્વારા ખુબ મહોંગા એવા આ ગ્રોથ હોર્મોન ના ઇંજેક્શન પણ બાળદર્દી ઓ ને નિશુલ્ક પુરા પાડવામાં આવે છે. સિવિલ હોસ્પિટલ અમદાવાદ દ્વારા ગત વર્ષે અંદાજિત 78 લાખ ના ગ્રોથ હોર્મોન ઇન્જેક્શન આવા દર્દીઓ ને નિ:શુલ્ક પુરા પાડવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *