ફૂડ વિભાગનું ‘ફિક્સીંગ’: અખાદ્ય વસ્તુઓ ખવાઈ જશે, લોકો બિમાર પડીને સાજા થઈ જશે પછી ફૂડ ટેસ્ટિંગનો રિપોર્ટ આવશે!

આજે વાત કરવી છે એક તરકટ નથી. એક એવું તરકટ કે જે દર વર્ષે થાય છે, અને આ તરકટના કારણે શહેરના નાગરીકોનું સ્વાસ્થ્ય અતિશય ખતરનાક રીતે જોખમાય છે અને આ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોના ખીસ્સા ભરાય છે. વાત કરવી છે, અમદાવાદ સહિત ગુજરાતભરના તમામ શહેરોમાં ફૂડ વિભાગ દ્વારા ફરસાણ અને મીઠાઈની અલગ-અલગ દુકાનો પર પાડવામાં આવેલા દરોડાની. તંત્ર દ્વારા ફરસાણ અને મીઠાઈઓના અનેક એકમો પર દરોડા પાડવામાં આવ્યા, હવે આનો રિપોર્ટ છેક દિવાળી પછી આવશે અને ત્યાં સુધીમાં આ બધો ભેળસેળિયો માલ ખવાઈ ગયો હશે, લોકો એ નકલી માલ ખાઈને બીમાર પડ્યા બાદ સાજા પણ થઈ ગયા હશે. એ દરમિયાન નફાખોરોએ નફો કરી લીધો હશે અને ફૂડ વિભાગના અધિકારીઓની દિવાળી સુધરી ગઈ હશે. આ આખા વિષચક્રમાં નુકસાન માત્ર સામાન્ય જનતાનું થયું હશે.

અમદાવાદ સહિત ગુજરાતના મોટાભાગના શહેરોમાં આજે દશેરાના તહેવાર ટાણે ફૂડ વિભાગ દ્વારા મીઠાઈ અને ફરસાણની દુકાનો પર દરોડા પાડવામાં આવ્યા. એકલા અમદાવાદ શહેરમાં ફૂડ વિભાગ દ્વારા કુલ 699 જેટલી દુકાનો પર દરોડા પાડવામાં આવ્યા છે, અને મોટી વાત એ છે કે, આ પૈકીની 244 જેટલી દુકાનોના સેમ્પલ ફેઈલ ગયા છે. આ તમામ લોકોને નોટિસ ફટકારી દેવામાં આવી છે. આજે આરોગ્ય વિભાગની ત્રણ ટીમોએ અલગ-અલગ જગ્યાએ ફરસાણની દુકાનો પર દરોડા પાડ્યા હતા, જેમાં ફરસાણ, મીઠાઈ, દુધ, દુધની બનાવટો, જલેબી-ફાફડા, બેકરી આઈટમ્સ, આ ખાદ્યચીજોને તળવા માટે વપરાતું તેલ આ તમામ વિષયોને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા 21 થી 30 સપ્ટેમ્બર સુધી સતત કાર્યવાહી કરાઈ અને દરોડાઓ પાડીને સેમ્પલ લેવામાં આવ્યા.

આ વર્ષે પણ ફાફડા, ગાંઠિયા-જલેબીનું દર વર્ષની માફક જબ્બર વેચાણ થવાનું છે. જોકે સાથે સાથે જનઆરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં અને છેતરપિંડી થઈ રહ્યાં છે તેની પણ તકેદારી રાખવી જોઈએ. આ ઉપરાંત કેટલાક વેપારીઓ બેફામ લૂંટફાટ કરતા હોવાની પણ અનેક ફરિયાદો મળે છે. ફાફડા, ગાંઠિયા અને જલેબી બનાવવા માટે વપરાતા બેસનનો ભાવ કિલોના રૂ.૭૫ થી ૮૦ છે. તેની સામે ગાંઠીયા રૂ.૪૫૦થી રૂ.૮૫૦ પ્રતિ કિલોના ભાવે વેચાય છે. આટલી મોટી નફાખોરી ભાગ્યે જ બીજી કોઈ ચીજોમાં થતી હશે. એક કિલો ફાફડા, ગાંઠીયા-જલેબી બનાવવાની મજૂરી ગણીએ, વીજળી, માલ-સામાનનો ખર્ચ ગણો તો પણ તેની સામે તો આ ભાવ અતિશય વધારે કહેવાય. આઠમના દિવસથી ફાફડા- જલેબીના જુદી જુદી જગ્યાએ કાઉન્ટરો લગાવી દેવાય છે. બજારમાં ફાફડાનો ભાવ કિલોના રૂ.૪૫૦ થી રૂ.૮૫૦ સુધી છે. જ્યારે શુદ્ધ ઘીની જલેબીના કિલોના રૂ.૫૦૦ થી રૂ.૧,૨૦૦ ભાવ ચાલી રહ્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે, આટલા રૂપિયા ખર્ચ્યા પછી પણ લોકોને ભેળસેળવાળા જ જલેબી-ફાફડા ખાવાના આવે છે. જેની સામે આરોગ્ય વિભાગના અધિકારીઓ ચેકિંગનું નાટક કરીને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી પોતાના ખિસ્સા ભરી લેતા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ટૂંકમાં કહીએ તો કેટલાક વેપારીઓ ખરાબ ગુણવત્તા વાળો માલ વેચીને ઉંચી નફાખોરી કરે છે અને આરોગ્ય વિભાગના ભ્રષ્ટ અધિકારીઓ તેમને છાવરીને પોતાના ખિસ્સાં ભરી રહ્યાં હોય તેવું ચિત્ર ઉપસે છે.

ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી થાય છે, દરોડા પાડવામાં આવે છે, ફૂડના સેમ્પલ્સ લેવામાં આવે છે અને આ સેમ્પલોનો રિપોર્ટ દિવાળી પછી આવતો હોવાથી આખી પ્રક્રિયા ફારસ બનીને રહી જાય છે. ખાવાલાયક નહીં હોય તેવા રિપોર્ટને નિવાસી અધિક કલેકટર પાસે કેસ પેપર રજૂ કરવામાં આવે છે.જેમાં મોટાભાગના કિસ્સામાં માત્ર દંડ લઈને ભેળસેળીયા તત્વોને મુકત કરી દેવામાં આવી રહ્યા છે. પરિણામે લોકોના આરોગ્યનો આખો મુદ્દો હાંશિયામાં ધકેલાઈ જાય છે.

અમદાવાદ શહેરમાં ૪૮ વોર્ડ આવેલા છે. જેમાં દરેક વોર્ડમાં આશરે ૧૫ થી ૨૦ જેટલા મંડપોમાં ફાફડા જલેબીના સ્ટોરમાં વેચાણ થતુ હોય છે. જો કે, કોર્પોરેશન પાસે ૪૮ વોર્ડમાં માત્ર ૧૫ અધિકારીઓ જ હોવાથી દરેક વોર્ડમાં તપાસ કરવી શકય નથી. એએમસીના હેલ્થ વિભાગ દ્વારા દશેરાના ચારેક દિવસ પહેલા ફાફડા ગાંઠીયા અને જલેબી બનાવતા વેપારીઓના ત્યાં વસ્તુઓના સેમ્પલ લેવાનું ચાલુ કરતા હોય છે.જેમાં તેલ, લોટ, મસાલા અને ઘીના નમુના લેવામાં આવતા હોય છે. જયારે ફાફડા જે તેલમાં તળવામાં આવે તે તેલ કેટલીવાર વાપરવામાં આવ્યું તેની તપાસ કરતા હોય છે. જયારે જલેબીમાં કલર અને ઘીની ખાસ તપાસ કરતા હોય છે.

દર્શક મિત્રો અહીંયા એ પણ સમજવું જરૂરી છે કે, આ લોકો દ્વારા તમામ જગ્યાએથી સેમ્પલ તો લેવામાં આવ્યા છે, પરંતુ તેનો રિપોર્ટ તો 15 થી 30 દિવસ પછી આવશે. હવે આ તો થયું એવું કે, લોકો આ ડુપ્લીકેટ ફૂડ ખાઈ લેશે, તહેવારો પતી જશે, નફાખોરી માટે લોકોને ડુપ્લીકેટ માલ વેચતા લોકો કરોડો રૂપીયાનો નફો કરી લેશે અને પછી જઈને ફૂડ ડિપાર્ટમેન્ટનો રિપોર્ટ આવશે. ત્યારે પ્રશ્ન એ થાય કે, આ તંત્ર આખરે કરવા શું માંગે છે? તમે કરોડો રૂપીયાના એવા મશીનો વસાવ્યા છે, કે જેમાં સેમ્પલનું ચેકિંગ થઈ શકે. ટેક્નોલોજીનો સમય છે, આપણે ચંદ્રના દક્ષીણ ધ્રુવ સુધી પહોંચી ગયા, પરંતુ અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશનનું ફૂડ વિભાગ ફૂડના સેમ્પલ ચેક કરીને સમયસર રિપોર્ટ નથી આપી શકતું. એટલે અહીંયા એકવાત સ્પષ્ટ થાય છે કે, આ લોકો આંખ આડા કાન કરી રહ્યા છે અને ડુપ્લીકેટ માલ વેચતા લોકોને છાવરી રહ્યા છે. સૌથી મોટી વાત એ છે કે, દર વર્ષે તમે દરોડા પાડો છો, ફૂડના સેમ્પલ ફેઈલ જાય છે તો પછી એવી કોઈ નક્કર કાર્યવાહી કેમ નથી કરતા કે જેનાથી દાખલો બેસાડી શકાય અને આવું કરતા લોકોને અટકાવી શકાય. એટલે હવે જનતા તો સમજી જ ગઈ છે કે, આ કાર્યવાહી નહીં ફોર્માલિટી છે. ડુપ્લીકેટ ખાદ્યપદાર્થોનો માલ તો છાશવારે પકડાય છે, પરંતુ કોઈ કાર્યવાહી થતી નથી, કોઈના ખીસ્સા ગરમ થઈ જાય છે અને મામલાને ટાઢો પાડી દેવામાં આવે છે, અને આ જ રીતે ચાલે છે જનતાના સ્વાસ્થ્ય સાથે ખેલાતો ગંદો ખેલ. એટલે તમારે જે પણ ખાવું હોય એ તમારા રિસ્ક પર ખાજો. કારણ કે ફૂડ વિભાગમાં ફિક્સિંગ છે.

Share This Article
Translate »