અમદાવાદઃ હત્યા કે આત્મહત્યા? બોપલમાં બે રાઉન્ડ ફાયરિંગ, એકનું મોત!

ગુજરાતમાં અસામાજિક તત્ત્વોનો આતંક દિન-પ્રતિદિન વધતો જઈ રહ્યો છે. એમાં પણ અમદાવાદ જેવા શહેરોમાં ફાયરિંગ અને ઘાતક હથિયારો લઈને ફરતા ગુંડાઓના સમાચાર જાણે સામાન્ય બની રહ્યા છે. એવામાં શહેરમાંથી વધુ એક ખુલ્લેઆમ ફાયરિંગની ઘટના સામે આવી છે. અમદાવાદના બોપલ વિસ્તારમાં કબીર એન્કલેવ પાસે શેરબજારના પૈસાની લેતીદેતીને લઈને ફાયરિંગ થયુ હતું, જેમાં આરોપીઓએ કારમાંથી બે રાઉન્ડ ફાયરિંગ કર્યું. ઘટનામાં એક યુવકનું મોત થયુ છે. ઘટના બાદ આરોપીઓ ફરાર થઈ ગયા છે અને હાલમાં બોપલ પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ શરૂ કરી છે.

અમદાવાદના બોપલ વિસ્તારમાં 5 ઓગસ્ટની રાત્રે કબીર એન્કલેવ પાસે અજાણ્યા શખ્સો દ્વારા કલ્પેશ ટુંડિયા નામના વ્યક્તિ પર બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત થતી વિગતો અનુસાર, મોડી રાત્રે બે વ્યક્તિઓ કલ્પેશના નિવાસ સ્થાને આવ્યા હતા અને શેરબજારના પૈસાની લેતી દેતી મામલે આ લોકોએ આવેશમાં આવીને કલ્પેશ ઉપર ફાયરિંગ કર્યું હતું.

ઘટના સમયે મૃતક કલ્પેશની પત્ની અને દીકરી સાથે ઘરમાં હતી. થોડીવાર બાદ બંનેને ગોળીનો અવાજ આવતા તેઓ દોડીને ઉપર ગયા તો જોયું કે, ગોળી વાગવાના કારણે કલ્પેશ ગંભીર રીતે ઈજાગ્રસ્ત હતો. ત્યારબાદ તેને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો. જોકે, સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નિપજ્યું હતું.

હત્યા કે આત્મ હત્યા?

ઘટનાના પગલે બોપલ આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ ફેલાયો છે. પ્રાથમિક વિગતો મળી છે તે પ્રમાણે, બે અજાણ્યા શખ્સો મૃતક કલ્પેશ પાસે આવ્યા હતા અને ગોળીબાર કરીને ફરાર થઈ ગયા હતા. જોકે, આ ઘટનામાં ટર્નિંગ પોઈન્ટ એ છે કે, મૃતક કલ્પેશના ખિસ્સામાંથી એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી, જેણે સમગ્ર ગુનાની દિશા બદલી નાંખી હતી. એટલે અત્યારે હાલ તો પોલીસે મૃતક કલ્પેશના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે. કલ્પેશની હત્યા કરવામાં આવી છે કે, આ એક આત્મ હત્યા છે તેનો ભેદ ઉકેલવા માટે પોલીસ અત્યારે તપાસ કરી રહી છે.

Share This Article
Translate »