દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર એક જીવલેણ હુમલો થયો છે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર, હુમલો કરનારો શખ્સ મૂળ ગુજરાતનો રહેવાસી છે. આરોપીની ઓળખ રાજેશ તરીકે થઈ છે જેની દિલ્હી પોલીસના ગુપ્તચર વિભાગ અને સ્પેશિયલ સેલની ટીમો પૂછપરછ કરી રહી છે. પોલીસે હત્યાની કોશીષનો કેસ નોંધ્યો છે. પોલીસ આરોપીના 5 થી 7 દિવસના રિમાન્ડ માંગશે. રાજેશ બુધવારે સવારે જ ટ્રેન મારફતે રાજકોટથી દિલ્હી આવ્યો હતો અને સિવીલ લાઈન્સના ગુજરાતી ભવનમાં રોકાયો હતો.
મુખ્યમંત્રી પર હુમલા મામલે સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 109(1)/132/221 હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસએ સરકારી કર્મચારી પર હુમલો કરવા બદલ BNSની કલમ 132, સરકારી કર્મચારીના કામમાં અવરોધ ઊભો કરવા બદલ કલમ 221 અને હત્યાનો પ્રયત્ન કરવા બદલ કલમ 109 હેઠળ કેસ દાખલ કર્યો છે.
પોલીસે આરોપીને કસ્ટડીમાં લીધો છે. મામલે વધુ તપાસ ચાલી રહી છે. પોલીસ તમામ સંભવિત પાસાઓ પરથી તપાસ કરી રહી છે. આઈબી અને સ્પેશિયલ સેલની ટીમ પણ આરોપી રાજેશને પૂછપરછ કરી રહી છે.
હુમલા પહેલાં મિત્ર સાથે કરી વાત
આરોપી રાજેશે હુમલા પહેલાં ગુજરાતમાં પોતાના મિત્રને ફોન પર કહ્યું હતું કે તે શાલીમાર બાગ સ્થિત મુખ્યમંત્રી નિવાસે પહોંચી ગયો છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આ પહેલી વાર હતી જ્યારે આરોપી દિલ્હી આવ્યો હતો. હવે પોલીસ આરોપી રાજેશની 5 થી 7 દિવસની રિમાન્ડ માંગશે, જેથી તેના પાસેથી મામલાથી સંબંધિત વધુ માહિતી મેળવી શકાય.