ગુજરાતમાં આ વર્ષે સારા વરસાદને ખેડૂતો આનંદમાં છે અને વિપુલ માત્રામાં વાવણી કરવાનો તેમનામાં ઉત્સાહ છે પરંતુ આ તમામની વચ્ચે ખેડૂતો અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે. વાવણી તો ખેડૂતોને કરવી છે પરંતુ સરકારે ખેડૂતોને ખાતર આપવા માટે જે વ્યવસ્થાઓ અને ખાતર વિતરકો નિમ્યા છે તેમના દ્વારા ખેડૂતોને પૂરતી માત્રામાં ખાતર પૂરૂં પાડવામાં આવતું નથી અને એટલે જ જગતનો તાત અત્યારે ચિંતામાં મૂકાયો છે! સુરતમાં માંગરોળના વાંકલમાં યુરિયા ખાતર માટે ખેડૂતો વહેલી સવારથી જ લાંબી લાઈનોમાં ઉભા રહેવા મજબૂર બન્યા હતા.
છોટાઉદેપુર જિલ્લામાં આવેલા ખાતર ડેપો ખાતે પણ ખેડૂતોને ખાતર લેવા માટે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે ડેપોના મેનેજરનું કહેવું છે કે પૂરતા પ્રમાણમાં ખાતર આવતું નથી જેના કારણે આ સમસ્યા ઉભી થઈ છે. રાજ્યના અનેક જિલ્લાના ખેડૂતો અત્યારે આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ડેડિયાપાડા ખાતે નર્મદા ખેડૂત સહાય કેન્દ્ર દ્વારા આદિવાસી ખેડૂતોને છેલ્લા બે અઠવાડિયાથી ખાતર મળતું નથી. ડેડિયાપાડા તાલુકાના આદિવાસી મહિલા અને પુરુષ ખેડૂતો રાસાયણિક ખાતર માટે ધક્કા ખાવા મજબૂર બન્યા છે. દેડિયાપાડા નર્મદા ખેડૂત સહાય કેન્દ્ર ખાતે આદિવાસી ખેડૂતો રાત્રિના ત્રણ વાગ્યાથી રાસાયણિક ખાતર લેવા આવી જાય છે. કલાકો સુધી લાઈનોમાં ઉભા રહ્યા બાદ પણ ખેડૂતોને ખાતર તો નથી જ મળતું.
ખેડૂતોની વ્યથા સાંભળવા ગયેલા પત્રકાર પર હુમલો
મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ભલગામડા ગામમાં તો ખાતરની અછત વિશેની સ્ટોરી કરવા ગયેલા પત્રકાર પર 10 લોકો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો. આ એક મોટી ઘટના છે, એક તરફ ખાતર વિતરકો ખેડૂતોને પૂરતી માત્રામાં ખાતર નથી આપતા, જેને લઈને જગતનો તાત પરેશાન છે અને આ વિષય પર જ્યારે પત્રકાર કવરેજ કરવા જાય છે તેના પર જીવલેણ હુમલો કરી દેવામાં આવે છે. ત્યારે પ્રશ્ન એ થાય કે, ક્યાં ગઈ કાયદો અને વ્યવસ્થા? ગાંધીના ગુજરાતમાં આવી ગુંડાગીરી કેમ? પ્રાપ્ત થતી વિગતો અનુસાર એક એગ્રો ધારક દ્વારા જ કેટલાક માણસો બોલાવીને પત્રકાર પર હુમલો કરવામાં આવ્યો છે. દેશની ચોથી જાગીર ગણાતા મીડિયાનો એક પત્રકાર જ્યારે ખેડૂતોને પડતી તકલીફોનું કવરેજ કરવા માટે જતો હોય ત્યારે તેના ગુંડાઓ હુમલો કરી દે છે. ત્યારે પ્રશ્ન એ થાય કે ક્યાં જઈને અટકશે આ ગુંડાગીરી? ખેડૂત પરેશાન છે અને ખેડૂતોની વ્યથા સાંભળવા ગયેલા પત્રકાર પર હુમલો થાય છે. અપાર પીડા છે, પ્રશ્નો અનેક છે પરંતુ જવાબ આપવા વાળુ કોઈ નથી. આ બધાની વચ્ચે હેરાન જગતનો તાત એટલે કે ખેડૂત થાય છે. અને ખેડૂતોની વ્યથા સરકાર સુધી પહોંચાડવા જતા પત્રકારો પર હુમલા થાય છે. આમ તો ઘણું બધું થાય છે આપણા રાજ્યમાં, બસ ખેડૂતોની સમસ્યાઓનું સમાધાન નથી થતું. નથી ગોઠવાતી એવી વ્યવસ્થાઓ કે જેના દ્વારા ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહે. અથવા તો જો વ્યવસ્થાઓ ગોઠવાતી પણ હોય કદાચ તો, કાળા બજાર કરતા લોકો બારોબાર ખાતરનો જથ્થો ક્યાંક સગેવગે કદી દે છે. ભલે કંઈપણ હોય, પરંતુ આખરે જગતનો તાત ભયંકર રીતે પરેશાન છે અને સરકારને કહી રહ્યો છે, કે હવે મહેરબાની કરો અને ખાતર આપો સરકાર!