શહેરમાં છેલ્લા અનેક દિવસોથી ચાલતું માજી સૈનિકોનું આંદોલન આજે નવા તબક્કે પ્રવેશ્યું છે. સત્યાગ્રહ છાવણી ખાતે છેલ્લા 22 દિવસથી માજી સૈનિકો તેમની માંગણીઓને લઈને અનિશ્ચિતકાલીન આંદોલન ચલાવી રહ્યા છે. ગઈકાલે માજી સૈનિકોના પ્રતિનિધિઓએ મુખ્યમંત્રી સાથે બેઠક પણ કરી હતી. પરંતુ ચર્ચામાં કોઈ ઠોસ નિષ્કર્ષ ન આવતા આજે સત્યાગ્રહ છાવણીથી મહારેલી કાઢવાનું એલાન કરવામાં આવ્યું હતું. પરંતુ રેલી પહેલાં જ સવારે ગાંધીનગર શહેરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. પોલીસ દ્વારા વહેલી સવારે જ સત્યાગ્રહ છાવણીમાં હાજર રહેલા કેટલાક માજી સૈનિકોને અટકાયત કરવામાં આવ્યા હતા. રેલીમાં જોડાવવા માટે રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન પર પહોંચતા સૈનિકોમાંથી અનેકની ધરપકડ કરી નજરકેદમાં લેવામાં આવ્યા હતા. પોલીસની આ કાર્યવાહી બાદ તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી. આના પડઘા અમદાવાદમાં પણ પડ્યા હતા. અમદાવાદના એરપોર્ટ સર્કલને નિવૃત્ત આર્મી જવાનોએ બાનમાં લીધું હતું. નિવૃત્ત આર્મી જવાન દ્વારા રોડ બ્લોક કરવામાં આવ્યો હતો.
અમદાવાદમાં ચક્કાજામ
અમદાવાદ એરપોર્ટ સર્કલને નિવૃત્ત આર્મી જવાનોએ બાનમાં લીધું હતું. નિવૃત્ત આર્મી જવાન દ્વારા રોડ બ્લોક કરવામાં આવ્યો હતો. છેલ્લા અડધા કલાકથી સ્થાનિક પોલીસ દ્વારા સમજાવવામાં આવી રહ્યા છે. પોલીસની સમજાવટ છતાં રોડ સર્કલ પર નિવૃત્ત સૈનિકો બેસી રહ્યા હતા. એરપોર્ટથી આવવા જવાના રસ્તા બ્લોક કર્યા હતા. જોકે, જે જવાનોની અટકાયત કરવામાં આવી હતી તેમને પણ મુક્ત કરવામાં આવ્યા છે. જે બાદ ટ્રાફિક પણ ક્લિયર થઈ ગયો છે.
ધારાસભ્ય પણ જવાનોના સમર્થનમાં
આ સમગ્ર ઘટનાને લઈને બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા સરકાર પર તૂટી પડ્યા હતા. તેમણે જણાવ્યું કે, “આજે હું પણ આ મહારેલીમાં જોડાવાનો હતો અને સૈનિકોની ન્યાયસંગત માંગણીઓને સમર્થન જાહેર કર્યું હતું. પરંતુ સરકાર આંદોલનને નિષ્ફળ બનાવવા માટે સૈનિક સમિતિના મુખ્ય મેમ્બરો સહિતના અનેક માજી સૈનિકોને અટકાયત કરીને તેમનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે.”