સુરતના અમરોલી વિસ્તારમાંથી ગુમ થયેલા ત્રણ વર્ષના બાળકની લાશ મુંબઈમાંથી પસાર થતી ટ્રેનના AC કોચના ટોયલેટના ડસ્ટબિનમાંથી મળી આવતા હાહાકાર મચી ગયો છે. પોલીસ તપાસમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે કે બાળકનું અપહરણ અને હત્યા તેના જ માસીના દીકરા વિકાસકુમાર શાહે કરી હોવાનો આરોપ છે. અમરોલીના ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રહેતા પરિવારનો ત્રણ વર્ષનો બાળક ગયા બુધવારે સાંજે અચાનક ગુમ થઈ ગયો હતો. શરૂઆતમાં પરિવારને લાગ્યું કે બાળક આસપાસ રમવા ગયો હશે, પરંતુ લાંબા સમય સુધી પરત ન ફરતાં શોધખોળ શરૂ કરવામાં આવી. શોધ દરમ્યાન ખબર પડી કે બાળકને તેના માસીનો દીકરો વિકાસકુમાર બાઈક પર લઈને ગયો હતો. તરત જ અમરોલી પોલીસમાં ફરિયાદ નોંધાઈ.
પોલીસે કેવી રીતે શોધી લાશ?
પોલીસે તરત જ તપાસ હાથ ધરી અને સીસીટીવી ફૂટેજ ચકાસ્યું. તેમાં આરોપી વિકાસકુમાર બાળકને બાઇક પર રેલવે સ્ટેશન તરફ લઈ જતો જોવા મળ્યો. મોબાઈલ લોકેશન પરથી તે પહેલે નાસિક અને પછી મુંબઈ સુધી પહોંચ્યો હોવાનું માલુમ પડ્યું. ગઈકાલે રાત્રે મુંબઈના LTT ટર્મિનસ ખાતે ઊભેલી કુશીનગર એક્સપ્રેસના કોચમાંથી મુસાફરોને ટોયલેટના ડસ્ટબિનમાં બાળકની લાશ મળી. તરત જ GRP અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચી અને લાશ કબજે લીધી. મેડિકલ ટીમે પણ જણાવ્યું કે હત્યા ખૂબ જ ક્રૂરતાથી કરવામાં આવી છે.
હત્યા કેવી રીતે થઈ?
પોલીસને શંકા છે કે વિકાસકુમારે ટ્રેનમાં જ બાળકનું ગળું દબાવી હત્યા કરી અને પછી લાશને ટોયલેટના ડસ્ટબિનમાં છુપાવીને ટ્રેનમાંથી ઊતરીને ફરાર થઈ ગયો. મુંબઈ પોલીસે સુરત પરિવારને બોલાવ્યો હતો. પરિવારએ લાશની ઓળખ કરતાં તે ગુમ થયેલા ત્રણ વર્ષના બાળકની જ હોવાનું સ્પષ્ટ થયું. સુરત અને મુંબઈ પોલીસ સંયુક્ત રીતે આ મામલાની તપાસ કરી રહી છે. ટ્રેનના મુસાફરોની વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે. સીસીટીવી ફૂટેજ ચકાસાઈ રહ્યા છે. આરોપી વિકાસકુમારની તીવ્ર શોધખોળ ચાલી રહી છે. આ ઘટનાએ સુરત તેમજ મુંબઈમાં શોક અને ગુસ્સાની લાગણી ફેલાવી છે.