‘ટ્રમ્પે ભારત પર 50 ટકા એકપક્ષીય ટેરિફ લગાવી દિધો છે. આ વાતને લઈને ભારતે વિરોધ પણ નોંધાવ્યો છે. ભારતના વડાપ્રધાન મોદીએ સ્પષ્ટ કહી દિધું છે કે, ભારત પોતાના ખેડૂતોના હિતો સાથે ક્યારેય કોઈ જ સમાધાન નહીં કરે. અમારા માટે અમારા ખેડૂતો, પશુપાલકો અને માછીમાર ભાઈઓ બહેનોનું હિત સર્વોપરી છે તેના સાથે અમે ક્યારેય સમજૂતિ નહીં કરીએ.
રશિયા તો ભારતનું વર્ષો જૂનું મિત્ર છે જ પરંતુ હવે ચીન પણ ભારતના સમર્થનમાં આવ્યું છે. ભારતમાં ચીનના રાજદૂતે X પર લખ્યું, “ધમકાવનારને એક ઇંચ પણ આપો, તો તે એક માઇલ લઇ લેશે.” આ સંદેશ સાથે, તેમણે એક પોસ્ટ પણ જોડી જેમાં ચીનના વિદેશ પ્રધાન વાંગ યી અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલાના મુખ્ય સલાહકાર સેલ્સો અમોરીમ વચ્ચેની વાતચીતનો અંશ ટાંકવામાં આવ્યો હતો. પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, “અન્ય દેશોને દબાવવા માટે ટેરિફનો હથિયાર તરીકે ઉપયોગ કરવો એ યુએન ચાર્ટરનું ઉલ્લંઘન કરે છે, WTO નિયમોને નબળી પાડે છે અને અપ્રિય અને અસ્થિર બંને છે.”
લેખમાં વિદેશ મંત્રાલયના એક નિવેદનનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જેમાં રશિયા સાથેના સંબંધો માટે ભારતને નિશાન બનાવવા બદલ અમેરિકા અને યુરોપિયન યુનિયનની ટીકા કરવામાં આવી હતી. ચીન દ્વારા આ પ્રકારનો ટેકો એવા સમયે આવ્યો છે જ્યારે ભારત અને તેના સૌથી મોટા વેપારી ભાગીદાર અમેરિકા વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી રહી છે.
ટ્રમ્પની ટેરિફ હિંસાથી ભારતને નુકસાન થશે તેનો કોઈ ઇનકાર કરી શકે નહીં. આ ભારત માટે એક આંચકો છે, જે ઝડપથી વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક શક્તિ બનવા તરફ આગળ વધી રહ્યું છે, પરંતુ આ આંચકો એકતરફી નથી. આ ટેરિફ ભારત માટે અમેરિકા સાથે વેપાર કરવાનું મુશ્કેલ બનાવશે, જ્યારે એશિયામાં અમેરિકાનો સૌથી વિશ્વસનીય ભાગીદાર ભારત તેનાથી દૂર જશે. અમેરિકામાં નિકાસ ઘટશે, ડોલરની કમાણી ઘટશે. ભારત સાથે ચીનનો સામનો કરવાની અમેરિકાની નીતિ તૂટી પડશે. અમેરિકામાં નિકાસ ઘટવાને કારણે, ભારતમાં નોકરીઓ ઘટશે, ચીનની દરિયાઈ નીતિ સામે રચાયેલી QUAD ને કોઈ ફાયદો થશે નહીં.