સાવધાન! ગુજરાતમાં વકર્યો છે રોગચાળો… બાળકોને થઈ રહી છે સૌથી વધારે અસર!

ગુજરાતમાં ચોમાસાની ઋતુ વચ્ચે રોગચાળો વકર્યો છે. સુરત, અમદાવાદ, રાજકોટ અને વડોદરામાં તાવ, શરદી, ઉધરસ અને સિઝનલ બીમારીના સેંકડો કેસ નોંધાયા છે. આ તમામની વચ્ચે ચિંતાજનક સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે, કારણ કે સુરતમાં સૌથી વધારે રોગચાળો ફેલાયો છે. સુરતની હોસ્પિટલો અત્યારે દર્દીઓથી ભરાયેલી છે. શહેરમાં રોગચાળો વધતા સુરત સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. કોર્પોરેશન આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં રોગચાળો વધતો અટકાવવા કામગીરી કરવામાં આવી રહી છે.

જો આજુ બાજુમાં પાણી ભરેલું રહેતું હોય તો તેને તાત્કાલિક નિકાલ કરી દેવો જેથી મચ્છરનો ઉપદ્રવ ઓછો થાય. સુરત સિવિલ હોસ્પિટલમાં અગાઉ એક બેડ પર બે બાળકોને સારવાર આપવામાં આવી રહી હોય તેવો વીડિયો પણ સામે આવી ચૂક્યો છે. હાલમાં ચોમાસાની ઋતુમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળાની અસર બાળકો પર વધારે જોવા મળી રહી છે. શહેરમાં અગાઉ રોગચાળાના કારણે લોકોના મોત પણ થયા છે. હાલ આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળો શહેરમાં વધારેના ફેલાય તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. શહેરના આરોગ્ય વિભાગ દ્વારા લોકોને ટૂંકા કપડાં ના પહેરવા, બહારનું ભોજન લેવાનું ટાળવું તથા ગરમ ઉકાળેલું પાણી પીવાની સલાહ આપવામાં આવી છે.

મચ્છરજન્ય બીમારી જેવી કે ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાથી બચવાના ઉપાય વિશે પણ આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું છે. જે અંતર્ગત તળાવ, નદી નાળાં, હવાડા, કેનાલમાં પાણી ભરાયેલ હોય તો તેમાં ગપ્પી માછલી નાખવી જેથી કરીને તેનાં થકી મચ્છરના પોરાનો નાશ કરી શકાશે. અઠવાડિયામાં એક વાર ઘરની આસપાસ, ઘરની અંદર અને ધાબામાં ભરાયેલા પાણીને ખાલી કરવાનું અને ઘર વપરાશના પાણી ભરેલ પાત્રોને અઠવાડિયામાં એક વાર ખાલી કરી, સુકવી ફરી ભરવા માટે જણાવવામાં આવી રહ્યું છે.

આ ઉપરાંત રાત્રે સુવામાં મચ્છરદાનીનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. દિવસે બહાર નીકળો ત્યારે સંપૂર્ણ શરીર ઢંકાય તેવાં કપડાં અને બૂટ મોજા પહેરવાથી મચ્છરના ડંખથી બચી શકાય છે. વધુમાં નકામો કચરો, ભંગાર, પ્લાસ્ટિક અને પક્ષિકુંજનો વરસાદ પહેલાં યોગ્ય નિકાલ કરો જેથી પાણી ભરાશે નહિ અને મચ્છર થશે નહિ, તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત, બોટાદ દ્વારા જણાવવામાં આવ્યું છે. સૌથી મોટી વાત એ છે કે, અત્યારે આ રોગચાળાની સીઝનમાં બાળકોને સાચવવા ખૂબ જ જરૂરી છે.

Share This Article
Translate »