Plane Crash Report: પ્લેનના બંને એન્જિન બંધ, FAA ની ચેતવણી અવગણમાં આવી… તપાસ રિપોર્ટમાં ઘણા ખુલાસા થયા

અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI171 ટેકઓફ થયાના થોડા સમય પછી જ ક્રેશ થઈ ગઈ. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ના પ્રાથમિક તપાસ અહેવાલ મુજબ, ટેકઓફ પછી તરત જ વિમાનના બંને એન્જિન બંધ થઈ ગયા હતા, જેના કારણે ફ્યુઅલ સપ્લાય ખોરવાયો. કોકપીટ વોઇસ રેકોર્ડર દર્શાવે છે કે પાઇલટ્સે ફ્યુઅલ કટ ઓફ નહતુ કર્યું.

12 જૂનના રોજ, એર ઇન્ડિયાની ફ્લાઇટ AI171 અમદાવાદથી લંડન જતી વખતે ઉડાન ભર્યાના થોડા જ સેકન્ડોમાં અકસ્માતનો ભોગ બની હતી. બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાન માત્ર 30 સેકન્ડ માટે હવામાં રહ્યું અને એરપોર્ટ નજીક મેડિકલ કોલેજ હોસ્ટેલ બિલ્ડિંગ સાથે અથડાયું. આ અકસ્માતમાં લગભગ 260 લોકો મૃત્યુ પામ્યા હતા, જેમાં વિમાનમાં સવાર 241 લોકોનો પણ સમાવેશ થાય છે, અને વિમાનમાં સવાર ફક્ત એક જ વ્યક્તિ બચી શક્યો હતો.

હવે એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) એ આ અકસ્માતનો પ્રારંભિક તપાસ અહેવાલ જાહેર કર્યો છે, જેમાં ઘણા ચોંકાવનારા તથ્યો પ્રકાશમાં આવ્યા છે. આ અહેવાલમાં ખુલાસો થયો છે કે આ અકસ્માત કોઈ ટેકનિકલ ખામીનું પરિણામ હોઈ શકે છે.

ફ્યુઅલ સપ્લાય અચાનક બંધ થઈ ગયો

AAIB ના 15 પાનાના અહેવાલ મુજબ, ટેકઓફ પછી વિમાનના બંને એન્જિન થોડીક સેકન્ડમાં બંધ થઈ ગયા. ફ્યુઅલની સપ્લાય અચાનક બંધ થઈ ગઈ, કેમ કે બંને એન્જિનની કટઓફ સ્વીચ એક સેકન્ડના અંતરમાં RUN થી CUTOFF પર જતી રહી.

કોકપીટ વોઇસ રેકોર્ડરમાં, પાઇલટે કો-પાઇલટને પૂછ્યું, “તમે કેમ કાપી નાખ્યું?” બીજાએ જવાબ આપ્યો, “મેં નથી કર્યું.” આ સૂચવે છે કે કદાચ તે પાઇલટ્સની ભૂલ ન હતી, પરંતુ તે કોઈ તકનીકી ખામીને કારણે થયું હતું.

ઉડાનની 30 સેકન્ડ

ટેકઓફ પછી વિમાન માત્ર 30 સેકન્ડ માટે હવામાં હતું.
એન્જિન બંધ થતાં જ હાઇડ્રોલિક પાવર સપ્લાય કરતી ઇમરજન્સી રેમ એર ટર્બાઇન (RAT) સક્રિય થઈ ગઈ.
પાઇલટ્સે એન્જિન ફરી શરૂ કરવાનો પ્રયાસ કર્યો – એન્જિન 1 આંશિક રીતે ઠીક થયું, પરંતુ એન્જિન 2 નિષ્ફળ ગયું.
વિમાન રનવેથી 0.9 નોટિકલ માઇલ દૂર એક હોસ્ટેલ બિલ્ડિંગ સાથે અથડાયું.

Ram Air Turbine શું છે?

રામ એર ટર્બાઇન એ એક નાનું પ્રોપેલર જેવું ઉપકરણ છે જે બંને એન્જિન બંધ થાય છે અથવા પાવર સપ્લાય બંધ થાય છે અથવા હાઇડ્રોલિક નિષ્ફળતા થાય છે ત્યારે આપમેળે કાર્યરત થાય છે. તે વિમાનને ઊંચાઈ જાળવવામાં મદદ કરે છે. RAT કટોકટી શક્તિ ઉત્પન્ન કરવા માટે પવનની ગતિનો ઉપયોગ કરે છે.

પક્ષી અથડાવાની શક્યતા નકારી કાઢવામાં આવી

રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે વિમાન એરપોર્ટની પરિમિતિ દિવાલ પાર કરે તે પહેલાં જ તેની ઊંચાઈ ઓછી થવા લાગી હતી.
તપાસમાં વિમાનના માર્ગમાં પક્ષી હોવાના કોઈ સંકેત મળ્યા નથી. આનાથી સ્પષ્ટ થાય છે કે પક્ષી અથડાવાથી અકસ્માત થયો ન હતો.

EAFR ડેટા કાઢવામાં આવી રહ્યો છે

વિમાન દુર્ઘટનાની તપાસ હજુ પણ ચાલુ છે અને ઘણા મહત્વપૂર્ણ ટેકનિકલ ભાગો ઓળખી કાઢવામાં આવ્યા છે અને વધુ તપાસ માટે અલગ રાખવામાં આવ્યા છે. AAIB એ જણાવ્યું હતું કે વિમાનના પાછળના ભાગમાં સ્થાપિત એક્સટેન્ડેડ એરફ્રેમ ફ્લાઇટ રેકોર્ડર (EAFR) ને ભારે નુકસાન થયું છે અને પરંપરાગત પદ્ધતિઓ દ્વારા તેને ઍક્સેસ કરી શકાતું નથી.

જૂની ચેતવણી અવગણવામાં આવી

  • વિમાનના બધા ફ્લૅપ્સ, ગિયર અને વજન-સંતુલન સામાન્ય હતું.
  • ફ્યુઅલ સાફ હતું, કોઈ ભેળસેળ કે ગડબડી મળી ન હતી.
  • બંને પાઇલટ અનુભવી, તબીબી રીતે ફિટ અને ફરજ માટે તૈયાર હતા.
  • હવામાન સામાન્ય હતું, આકાશ સ્વચ્છ હતું અને હળવા પવન ફૂંકાતા હતા.

હવે શું?

  • AAIB કહે છે કે તપાસ હજુ ચાલુ છે…
  • વિમાનના કાટમાળની તપાસ,
  • એન્જિન અને અન્ય ભાગોની ફોરેન્સિક તપાસ,
  • પોસ્ટમોર્ટમ રિપોર્ટનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે.

હાલમાં, કોઈના પર સીધો દોષ મૂકવામાં આવ્યો નથી, કે કોઈ પાઇલટ કે કંપની સામે કોઈ કાર્યવાહીની ભલામણ કરવામાં આવી નથી. એર ઇન્ડિયા અને બોઇંગ બંનેએ કહ્યું છે કે તેઓ તપાસમાં સંપૂર્ણ સહયોગ કરશે.

આ પણ વાંચો: Kapil Sharma ના કાફે પર ગોળીબાર કરનાર મોસ્ટ વોન્ટેડ હરજીત સિંહ પર લાખોનું ઇનામ, જાણો ક્રાઇમ કુંડળી

Gandhinagar ના કોબા ખાતે આચાર્ય શ્રી મહાશ્રમણજીનો ચતુર્માસ પ્રવેશ સમારોહ 2025 યોજાયો

ગાંધીનગરના કોબા સ્થિત પ્રેક્ષા વિશ્વભારતી ખાતે આચાર્ય શ્રી મહાશ્રમણજીનો ચતુર્માસ પ્રવેશ સમારોહ યોજાયો. આ પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ઉપસ્થિત રહી ધર્મ, અહિંસા, અને આત્માના વિકાસના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. આચાર્ય શ્રી મહાશ્રમણજીએ પણ અહિંસા, સંયમ અને તપને ઉત્કૃષ્ટ ધર્મ તરીકે વર્ણવ્યા હતા.

આ સમારોહમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ચતુર્માસ દરમિયાન સાધુ સંતો એક જ જગ્યાએ રોકાણ કરે છે અને લોકો સાથે શાસ્ત્રો તથા આત્મા-પરમાત્મા વિષે ચર્ચા કરે છે તથા લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરીને આત્માના વિકાસનો માર્ગ આપે છે. આપણા સૌ માટે આનંદની વાત છે કે, આચાર્ય પ્રવર શ્રી મહાશ્રમણજી ચાર મહિના અહીં રહેશે. આપણે તેમના જ્ઞાનનો લાભ અવશ્ય લેવો જોઈએ.

રાજ્યપાલશ્રીએ વધુમાં કહ્યું હતું કે, મહર્ષિ પતંજલિએ યોગસૂત્રમાં આત્માની ઉન્નતી માટે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિનો માર્ગ બતાવ્યો છે. જેમાં યમમાં અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પાંચ મહાભૂતની વાત કરવામાં આવી છે. જે આત્માની ઉન્નતીનો રસ્તો બતાવે છે. આ પાંચ મહાભૂતો સમગ્ર દુનિયામાં બધા માટે સમાન રીતે લાગુ પડે છે. મનુષ્યના આત્માના વિકાસ માટે આ પાંચ સિદ્ધાંતો જરૂરી છે. આપણું જીવન માત્ર ખાવા, પીવા અને જીવવા માટે નથી, જીવનનો સાચો ઉદ્દેશ્ય આત્માની ઉન્નતિમાં છે. જીવનનું અંતિમ લક્ષ્ય આત્માનો વિકાસ કરીને મોક્ષ પ્રાપ્ત કરવાનું છે.

અહિંસાની વ્યાખ્યા આપતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, પ્રાણીમાત્ર પ્રત્યે દયા, કરુણા અને સહિષ્ણુતાની ભાવના રાખવી, મન, વચન અને કર્મથી કોઈ વિશે ખરાબ ન વિચારવું એ જ સાચી અહિંસા છે. અહિંસાના સિધ્ધાંત વિના આ દુનિયા ટકી શકે નહીં.

રાજ્યપાલશ્રીએ વધુમાં ઉમેર્યું કે, જે વ્યક્તિ અહિંસા, દયા અને સહિષ્ણુતાને પોતાના જીવનમાં ઉતારે છે, તેના માટે જ આધ્યાત્મનો રસ્તો ખુલે છે. સાધુ સંતોનું જીવન પરોપકાર માટે હોય છે. આચાર્ય શ્રી મહાશ્રમણજીએ દેશભરમાં 60 હજાર કિલોમીટરથી વધુ ચાલીને યાત્રા કરી છે. ગામે-ગામ જઈને લોકો વચ્ચે રહે છે, લોકોને ઉપદેશ આપે છે. યુવાનોને વ્યસન મુક્ત કરવાનું કાર્ય કરે છે. પ્રકૃતિને બચાવવા વૃક્ષારોપણ અભિયાન ચલાવે છે. આ ઉપરાંત માનવ મૂલ્યના મૂળભૂત સિદ્ધાંતોને બચાવવા કાર્ય કરી રહ્યા છે, જે ખૂબ પ્રશંસાને પાત્ર છે.

આ પ્રસંગે આચાર્ય શ્રી મહાશ્રમણજીએ ધર્મની વ્યાખ્યા સમજાવતાં કહ્યું કે, ધર્મના ત્રણ પ્રકાર છે, અહિંસા, સંયમ અને તપ સૌથી ઉત્કૃષ્ટ ધર્મ છે. પ્રાણી માત્ર પ્રત્યે અહિંસાની ભાવના, મૈત્રીપૂર્ણ વ્યવહાર, તમામ પ્રાણીઓને આપણા સમાન માનવા એ જ સાચો ધર્મ છે. જે વ્યવહાર આપણા માટે પ્રતિકૂળ છે, તેવો વ્યવહાર અન્ય સાથે કરવો જોઈએ નહીં. આપણને સુખ ગમે તો અન્યને પણ સુખ જ ગમે, આપણે અપમાન સહન ન કરી શકીએ તો કોઈનું અપમાન ન કરવું જોઈએ. આપણે જે અન્ય પાસેથી ચાહિયે છીએ તેવું વર્તન આપણે બીજા સાથે કરીએ તે જ સાચી અહિંસા છે.

આચાર્ય શ્રી મહાશ્રમણજીએ વધુમાં કહ્યું કે, સાચો ધર્મ મનુષ્યને ઉન્નત કરીને જીવનને પવિત્ર બનાવે છે. જૈન ધર્મમાં ચતુર્માસનું વિશેષ મહત્વ છે, જેમાં સાધુ સંતો એક જ સ્થાન પર રહી ચાર મહિના સુધી સાધના કરે છે અને લોકોને ઉપદેશ આપે છે. આ પરંપરા ભારતનો અમૂલ્ય આધ્યાત્મિક વારસો છે. આ અવસરે આપણે સૌએ સાચા ધર્મને અપનાવીને સમગ્ર દુનિયા માટે સુખ શાંતિનો રસ્તો બનાવવો જોઇએ.

આચાર્ય શ્રી મહાશ્રમણજીના ચતુર્માસ પ્રવેશ કાર્યક્રમમાં મુખ્ય મુની શ્રી મહાવીર કુમાર, સાધ્વી પ્રમુખા, સાધ્વી વર્યા, આમંત્રિત મહેમાનો, મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં જૈન ધર્મના અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા.