પાકિસ્તાનના સેનાપ્રમુખ આસિમ મુનીર બાદ હવે દેશના ભૂતપૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ પણ ભારત સામે યુદ્ધ કરવાની ધમકી આપી છે. ભુટ્ટોએ કહ્યું કે જો ભારત સિંધુ જળ સંધિને સ્થગિત રાખશે અને ડેમ બનાવશે, તો પાકિસ્તાન યુદ્ધ કરશે. તેમણે પાકિસ્તાનની જનતાને અપીલ કરી કે મોદી સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવો જેથી “જુલ્મ” અટકાવી શકાય.
ભુટ્ટોએ દાવો કર્યો કે પાકિસ્તાનની પ્રજામાં એટલી શક્તિ છે કે યુદ્ધમાં પણ ભારતનો મુકાબલો કરી શકે અને છના છ નદીઓ પાછી મેળવી શકે. તેમણે કહ્યું કે પાકિસ્તાનએ ક્યારેય યુદ્ધ શરૂ કર્યું નથી, હંમેશાં શાંતિની વાત કરી છે, જ્યારે ભારત યુદ્ધની ભાષા બોલે છે. પરંતુ જો યુદ્ધ થયું, તો “શાહ અબ્દુલની ધરતી” પરથી ભારતને બતાવીશું કે પાકિસ્તાન પાછળ નહીં હટે અને દરેક પ્રાંતની પ્રજા મુકાબલા માટે તૈયાર છે.
આ પહેલાં, અમેરિકાની મુલાકાતે ગયેલા પાક સેનાપ્રમુખ આસિમ મુનીરે પણ પરમાણુ યુદ્ધની ધમકી આપી હતી. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાન પરમાણુ સંપન્ન દેશ છે અને જો તેને ડૂબાડવાનો પ્રયત્ન થયો, તો “આધી દુનિયાને સાથે ડૂબાડી દેશે”. મુનીરે ચેતવણી આપી હતી કે ભારત સિંધુ નદી પર ડેમ બનાવી રહ્યું છે અને જો આવું થયું, તો પાકિસ્તાન મિસાઈલથી તેને તોડી દેશે.
મુનીરે આક્ષેપ કર્યો હતો કે સિંધુ જળ સંધિ સ્થગિત કરવાથી 25 કરોડ લોકો ભૂખમરીના ખતરમાં મૂકાયા છે. તેમણે કહ્યું કે સિંધુ નદી ભારતની ખાનગી મિલ્કત નથી અને જો ડેમ બનવા દીધો, તો તેને દસ મિસાઈલોથી તોડી નાખીશું. જણાવાયું છે કે આ નિવેદન તેમણે અમેરિકામાં આપ્યું હતું, જ્યાં તેમણે ભારત-પાકિસ્તાન તણાવનો ઘણી વાર ઉલ્લેખ કર્યો હતો. એક અહેવાલ મુજબ, મુનીરે ત્યાં સુધી કહ્યું કે “અમે ભારતના પૂર્વીય ભાગથી શરૂઆત કરીશું અને પછી પશ્ચિમ તરફ આગળ વધીશું.”
ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ સંધિને લઈને આ પ્રકારની નિવેદનબાજી બંને દેશો વચ્ચેના તણાવને વધુ ઉગ્ર બનાવી શકે છે.