વડોદરામાં ગણેશ મહોત્સવ પૂર્વે જ શહેરની શાંતિ હડોળવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. વડોદરા શહેરના વોર્ડ નં. 17 નિર્મલ પાર્ક યુવક મંડળની ગણપતિની મૂર્તિ પર મોડી રાત્રે અસામાજિક તત્વોએ ઈંડા ફેંકતા શહેરમાં તંગદિલીનું વાતાવરણ સર્જાયું હતું. પ્રાપ્ત થતી વિગતો અનુસાર, મંડળના યુવકો રાત્રે 3 વાગ્યાની આસપાસ સંવેદનશીલ વિસ્તારમાંથી ગણેશજીની મૂર્તિ લઈ જઈ રહ્યા હતા ત્યારે મૂર્તિ પર ઈંડા ફેંકાયા હતા. આ ઘટના સિટી પોલીસ સ્ટેશન પાસે બની હતી.
ઘટનાની જાણ થતાં જ પાલિકાના દંડક શૈલેષ પાટીલ અને ભાજપ કોર્પોરેટરો સ્થળ પર પહોંચી ગયા હતા. મંડળના સભ્યોની ધાર્મિક લાગણી દુભાવાતા સિટી પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી છે. ઘટનાને લઈ વિશ્વ હિંદુ પરિષદ (VHP) મેદાનમાં આવી છે. VHP દ્વારા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સમક્ષ કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. વડોદરાના VHP મહામંત્રી વિષ્ણુ પ્રજાપતિએ આરોપીઓને ઝડપીને “કડકમાં કડક” સજા કરવાની માગણી કરી છે.
પોલીસની કાર્યવાહી
ડીસીપી એન્ડ્રુ મેકવાને જણાવ્યું છે કે આ ઘટના રાત્રિના 3 વાગ્યાની છે. શંકાસ્પદોને પકડીને પૂછપરછ શરૂ થઈ ગઈ છે અને સીસીટીવી ફૂટેજની તપાસ પણ હાથ ધરાઈ છે. હાલ અજાણ્યા શખ્સો સામે ધાર્મિક લાગણી દુભાવવાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આ ઘટનામાં અત્યાર સુધીમાં 7 શખ્સોને રાઉન્ડ અપ કર્યા છે અને સંવેદનશીલ વિસ્તારમાં પેટ્રોલિંગ તથા બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે. હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું પોલીસ તરફથી જણાવાયું છે.