બનાસકાંઠાના સૂઈગામ તાલુકામાં અતિવૃષ્ટિ બાદ મુશ્કેલીઓ યથાવત છે. ભારે વરસાદ થંભી ગયો હોવા છતાં 10 દિવસ બાદ પણ અનેક ગામોમાંથી પૂરનું પાણી સંપૂર્ણપણે ઓસર્યું નથી.
નેસડા-ગોલપ ગામમાં આવેલી ભારેશ્વર ગૌશાળામાં પૂરનાં કારણે પરિસ્થિતિ ગંભીર બની છે. ગૌશાળામાં હાલ 350થી વધુ ગાયો છે, પરંતુ પૂરનાં પાણીથી ચારો બરબાદ થયો છે અને રસ્તાઓ તૂટીને અવરજવર બંધ થઈ ગઈ છે. આ કારણે ગાયો માટે ખોરાકની તંગી ઊભી થઈ છે અને અત્યાર સુધી 40 ગાયોના મોત થયા છે. ગૌશાળા સંચાલકો તથા સ્થાનિકો સરકારે તાત્કાલિક સહાય કરવાની માંગ કરી છે.
સૂઈગામ તાલુકાના ગરામડી ગામમાં કૃષિ ક્ષેત્ર પણ ગંભીર રીતે પ્રભાવિત થયું છે. ખેતરોમાં છેલ્લા 10 દિવસથી પાણી ભરાયેલા રહેતા તલ, અડદ અને એરંડા જેવા પાક સડી ગયા છે. ખેડૂતોએ બીજ, ખાતર અને ખેડાણમાં લાખો રૂપિયાનો ખર્ચ કર્યો હતો, પરંતુ અતિવૃષ્ટિએ તેમના શ્રમ પર પાણી ફેરવી દીધું. ખેડૂતો કહે છે કે પાણી વહેલા નહીં ઓસરે તો શિયાળુ પાક પણ બગડી જશે.
પાક નુકસાન અંગે ખેડૂતો સરકારે સર્વે કરીને વળતર આપવાની માંગ કરી છે. વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે પણ પાક નુકસાનને લઈને તંત્ર સમક્ષ રજૂઆત કરી હોવાનું જણાવ્યું છે.
હાલની પ્રાથમિક જરૂરિયાતો
-
ગૌશાળાના પશુઓ માટે ચારો અને તાત્કાલિક બચાવ વ્યવસ્થા કરવાની છે.
-
ખેતરોમાં ભરાયેલું પાણી વહેલું કાઢવા માટે નિકાસની વ્યવસ્થા કરવી પડશે.
-
નુકસાનગ્રસ્ત પાકનો તાત્કાલીક સર્વે કરીને સરકારે વળતરની જાહેરાત કરવી જોઈએ.