પાકિસ્તાને અમેરિકાની સામે અરબી સમુદ્ર પર એક નવું બંદર (પોર્ટ) બનાવવા અને ચલાવવાની ઑફર કરી છે. બ્રિટિશ અખબાર ફાઇનાન્શિયલ ટાઇમ્સ (FT)ની એક રિપોર્ટ અનુસાર, પાકિસ્તાની સેના પ્રમુખ ફીલ્ડ માર્શલ આસિમ મુનિરના સલાહકારોએ આ પ્રસ્તાવ અમેરિકી અધિકારીઓને આપ્યો છે.
પ્રસ્તાવ મુજબ અમેરિકી રોકાણકારો બલુચીસ્તાન પ્રાંતના પાસેના શહેરમાં એક પોર્ટ ટર્મિનલ બનાવશે અને તેને સંચાલિત કરશે, જેથી પાકિસ્તાનના ક્રિટિકલ મિનરલ્સ (મહત્વપૂર્ણ ખનિજ) સુધી પહોંચ સરળ બની શકે.
રિપોર્ટ અનુસાર, આ યોજના મુનિરને સપ્ટેમ્બરના અંતમાં વોશિંગ્ટનમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની મુલાકાત પહેલાં બતાવવામાં આવી હતી. આ બેઠકમાં પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ પણ હાજર હતા. તેમણે અમેરિકા પાસેથી કૃષિ, ટેક્નોલોજી, માઇનિંગ અને ઊર્જા ક્ષેત્રોમાં રોકાણની માંગ કરી હતી.
સૈન્ય પ્રવૃત્તિ માટે ઉપયોગ ન કરવાની ઑફર
અખબારે તેના સૂત્રોના હવાલે લખ્યું છે કે આ પ્રસ્તાવનો હેતુ કોઈપણ સૈન્ય પ્રવૃત્તિ માટે બંદરનો ઉપયોગ કરવાનો નથી, પરંતુ તેને એક આર્થિક વિકાસ પ્રોજેક્ટ તરીકે રજૂ કરવામાં આવ્યો છે, જેમાં બંદરથી પાકિસ્તાનના પશ્ચિમમાં આવેલા ખનિજ-સમૃદ્ધ વિસ્તારો સુધી રેલ નેટવર્ક વિકસાવવાની યોજના સામેલ છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકી અધિકારીઓ સાથેની પ્રારંભિક ચર્ચાઓ દરમિયાન પાકિસ્તાન તરફથી રોકાણકારોને આકર્ષવાની અને દીર્ઘકાલીન ભાગીદારીની વાત કરવામાં આવી હતી. આ પ્રસ્તાવને પાકિસ્તાનની આર્થિક કૂટનીતિની નવી દિશા તરીકે જોવામાં આવી રહી છે, ખાસ કરીને એવા સમયે જ્યારે ચીનની બેલ્ટ એન્ડ રોડ યોજનાની હેઠળ ગ્વાદર પોર્ટ પર તેનો દબદબો છે.
રિપોર્ટ પર નથી આવ્યું કોઈ સત્તાવાર નિવેદન
આ સમાચારો આંતરરાષ્ટ્રીય સ્તરે ચોક્કસ વહેતા થયા છે પરંતુ, હજુ સુધી આ રિપોર્ટની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. તે જ સમયે અમેરિકાના વિદેશ મંત્રાલય, વ્હાઇટ હાઉસ અને પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આ સમાચાર પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. પાકિસ્તાની સેનાએ પણ આ વિષય પર કોઈ જ માહિતી નથી. આપી પરંતુ પાકિસ્તાને અમેરિકાને આ ઓફર કરી છે, તેવી અમે પણ શક્યતાઓ જ દર્શાવી રહ્યા છીએ.
અમેરિકા સાથેના સંબંધો સુધારવાનો પ્રયાસ?
આ પ્રસ્તાવને પાકિસ્તાનની તે વ્યૂહરચનાનો ભાગ માનવામાં આવી રહ્યો છે, જેના હેઠળ તે અમેરિકા સાથે આર્થિક અને રોકાણ સંબંધોને પુનર્જીવિત કરવા માગે છે. વિશ્લેષકોનું માનવું છે કે બલુચિસ્તાનમાં અમેરિકી રોકાણની સંભાવના, ચીનના પ્રભાવને સંતુલિત કરવા અને વોશિંગ્ટન સાથેના સંબંધો સુધારવાની દિશામાં પાકિસ્તાનની એક મોટી પહેલ સાબિત થઈ શકે છે.
જણાવી દઈએ કે ચીન પાકિસ્તાનના બલુચિસ્તાનના દક્ષિણ-પશ્ચિમ કિનારે આવેલ ગ્વાદર બંદરનો વિકાસ કરી રહ્યું છે. તેને લઈને સ્થાનિકોમાં નારાજગી છે અને તેઓ તેને પોતાના સંસાધનો પર કબજો માનતા હોવાથી વિરોધ પ્રદર્શન પણ થતા રહ્યા છે. આ ઓમાન સામે અરબી સમુદ્રના કિનારે આવેલ એક બંદર છે. આ ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર (CPEC)નો સૌથી મહત્વપૂર્ણ હિસ્સો છે.