અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં અપોલો ફાર્મસી આવેલી છે. આ અપોલો ફાર્મસીમાં કોણ જાણે કેવા લોકો બેસે છે કે જેઓ ગમે ત્યારે, ગમે તેને, ગમે તે દવા આપી દે છે. ઘટના એવી છે કે, અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં આવેલી અપોલો ફાર્મસીમાં 65 વર્ષના એક વૃદ્ધા દવા લેવા માટે ગયા હતા. હવે એપોલો ફાર્મસીમાં બેઠેલા દવાના વિક્રેતાએ આ વૃદ્ધાને ડોક્ટર દ્વારા લખી આપવામાં આવેલી દવા ન આપી અને કોઈક અલગ જ દવા આપી દિધી. સ્વાભાવિક રીતે, વૃદ્ધાને તો એમ જ હોય કે મને ડોક્ટરે લખી આપી છે એ પ્રમાણે જ આ લોકોએ દવા આપી છે પરંતુ થયું એવું કે, આ દવા લેવાથી વૃદ્ધાને શારીરિક તકલીફો થવા લાગી. તેમને આખા શરીર પર સ્કીન એલર્જી થઈ ગઈ. આ કોઈ સામાન્ય સ્કીન એલર્જી નહોતી તેમના આખા શરીર પર ચાઠા પડી ગયા, આખી રાત તેઓ અપાર શારીરિક દર્દના કારણે સૂઈ ન શક્યા અને એવી હાલત થઈ કે ભગવાન દેખાઈ ગયા. પહેલાથી જ આ વૃદ્ધાને બ્લડ પ્રેશરની બિમારી છે, તેઓએ પગનું ઓપરેશન પણ કરાવેલું છે. ખોટી દવા ખાધા પછી આ વૃદ્ધાની હાલત એ હતી કે, તેઓ ઉભા પણ રહી શકતા નહોતા. હવે આવી સ્થિતિમાં દવાઓના સહારે જિંદગી જીવતા વૃદ્ધાને ખોટી દવા આપી દિધી અને તેમની હાલત ખરાબ થઈ ગઈ, આ ખરેખર ઘોર બેદરકારી છે. તમે કોઈને સારી જિંદગી ન આપી શકો તો કાંઈ નહીં પરંતુ કોઈનો જીવ જતો રહે એવી સ્થિતિ સર્જાય એવા કામો તો ક્યારેય ન કરાય. જ્યારે આ મામલે વૃદ્ધાએ અપોલોના કસ્ટમર કેરનો સંપર્ક કર્યો ત્યારે ત્યાંથી પણ તેમને કોઈ જ યોગ્ય જવાબ આપવામાં ન આવ્યો.
આ વૃદ્ધા બીજે દિવસે જ્યારે અપોલો મેડિકલમાં પહોંચ્યા અને કહ્યું કે, તમે મને ખોટી દવા આપી દિધી અને એના કારણે મારી હાલત આવી થઈ ગઈ હતી, ત્યારે આ અપોલો ફાર્મસીના ફરજ પર હાજર કર્મચારીઓને આવડી મોટી ઘટનાનો કોઈ ફેર જ ન પડતો હોય તેમ આ વૃદ્ધાની વાત પણ સરખી રીતે ન સાંભળી અને તેમને સરખો જવાબ પણ ન આપ્યો. ત્યારે પ્રશ્ન એ થાય કે, શું તમારી બેદરકારીથી કોઈનો જીવ જતો રહ્યો હોત તો આની જવાબદારી કોણ લેત? જો દવા આપતા ન આવડતું હોય તો પહેલા આ વિષયનો યોગ્ય અભ્યાસ કરો અને પછી દવાઓ આપવા માટે બેસો, બાકી આમ કોઈની જિંદગી બરબાદ ન કરશો. હવે જ્યારે આ વૃદ્ધાએ અપોલો ફાર્મસીમાં જઈને કહ્યું કે, મને જેણે દવા આપી હતી તેના ક્વોલિફીકેશન સર્ટીફિકેટ બતાવો તો સ્ટોરના મેનેજરે આ બે અભણ લોકોને ત્યાંથી ગાયબ કરી દિધા અને કહ્યું કે, અમે એમે તેમને ફરજ પરથી કાઢી મૂક્યા છે. અરે પણ ફરજ પરથી કાઢી મૂકવાથી શું થાય? જે વ્યક્તિને આ વિષયનું નોલેજ જ ન હોય તેમને નોકરીએ શું કામ રાખો છો? કે પછી ઓછા પગારે લોકોને રાખવા છે એટલે તેમનું કોઈ જ એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ નથી જોતા અને તમારે ઓછો પગાર આપવો પડે અને તમારા પૈસા બચે એટલે ગમે તેને નોકરીએ રાખી લો છો. સવાલો અનેક છે, પરંતુ એપોલો ફાર્મસીના જવાબદાર વ્યક્તિઓ કોઈ જ જવાબ આપવા તૈયાર નથી.
હવે જ્યારે આ મામલે પ્રદેશ24 ગુજરાતીના પત્રકાર અપોલો મેડિકલની બેદરકારીનું કવરેજ કરવા માટે ગયા ત્યારે મેડિકલ સ્ટોરના વિઝ્યુઅલ લેવા માટે કેમેરો ચાલુ કર્યો ત્યાં જ એક ભાઈ આવ્યા અને કેમેરો ચાલુ ન કરવા માટે દાદાગીરી કરવા લાગ્યા. જ્યારે અમારી ટીમ મેડીકલ સ્ટોરમાં પ્રવેશ કરે છે તો પહેલા તો તેમને કોઈ જવાબ જ નથી આપતું અને અમારા પત્રકાર જ્યારે મેનેજર ક્યાં છે એમ પૂછે છે ત્યારે એમને એમ કહેવામાં આવે છે કે, મેનેજર બહાર ગયા છે. પછી ત્યાં એક મેડમ દેખાયા એટલે પ્રદેશ24 ગુજરાતીના પત્રકારે તેમને પ્રશ્ન કર્યો કે સાચુ બોલો તમે મેનેજર છો ને આ અપોલો મેડિકલ સ્ટોરના, જો તમે મેનેજર હો તો જવાબદાર વ્યક્તિ તરીકે આ મામલે તમારી પ્રતિક્રીયા આપો. પરંતુ એ બહેને એકદમ વાહીયાત અંદાજમાં કહી દિધું કે, ના હું મેનેજર નથી. બાદમાં ત્યાં ઉભેલા લોકોએ કહી દિધું કે, અમે દવા આપનારા લોકોને ફરજ પરથી કાઢી મૂક્યા છે અને તેમના રાજીનામા લઈ લીધા છે, પરંતુ તેમના રાજીનામા લીધા હોય તો તેના પણ પૂરાવા હોય ને, તેના પણ કોઈ પુરાવા આ લોકોએ અમારા પત્રકારને ન આપ્યા. પ્રદેશ24 ગુજરાતીની ટીમ જ્યારે આખી ઘટનાનું એપોલો સ્ટોર ખાતે કરતી હતી ત્યારે તેમની આજુ-બાજુમાં બેથી ત્રણ લોકો સતત આંટા મારતા હતા અને એવી રીતે કે, જાણે તેઓ ડરાવવા માંગતા હોય પરંતુ આ લોકોને ખબર નથી કે અમે નિડર અને નિષ્પક્ષ છીએ અને કોઈના ડરાવાથી અમે ડરીએ એટલા નબળા નથી. સત્ય માટે અવાજ ઉઠાવવો એ અમારી પ્રાથમિકતા છે અને અમારી ફરજ પણ… અને આ કાર્ય કરતા અમને ક્યારેય કોઈ રોકી ન શકે, પછી ભલે તે ગમે તે હોય. જોવાનું એ રહેશે કે આટલી ગંભીર બેદરકારીની ઘટનામાં દર્દી દ્વારા બેદરકાર અપોલો ફાર્મસી સામે શું કાર્યવાહી કરવામાં આવે છે.