ગઈકાલે દેવાયત ખવડ ફરીથી એકવાર વિવાદમાં સપડાયા હતા. હકીકતમાં 6 મહિના પહેલા અમદાવાદ પાસે સનાથલ ગામ આવેલું ત્યાં એક ડાયરામાં દેવાયત ખવડ હાજર રહ્યા નહોતા અને તેને લઈને એક માથાકૂટ થઈ હતી. ત્યારે વિગતો એવી સામે આવી છે કે, ગઈકાલની ઘટના એને જ સંલગ્ન હતી. કહેવાઈ રહ્યું છે કે, સનાથલના ધ્રુવરાજ સિંહ ચૌહાણ પર 6 મહિના પહેલાના ઝઘડાની અદાવત રાખીને દેવાયત ખવડ અને તેના માણસોએ હુમલો કર્યો હતો. તાલાલા પોલીસ સ્ટેશનમાં દેવાયત ખવડ સહિત 15 વ્યક્તિઓ સામે મારામારી અને હત્યાના પ્રયાસ જેવી ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટનાથી રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ચર્ચા જાગી હતી. દેવાયત ખવડ અને તેમના 14 સાગરીતો સામે તાલાલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
ગંભીર કલમો અંતર્ગત નોંધાઈ પોલીસ ફરિયાદ
આ ફરિયાદમાં હત્યાનો પ્રયાસ, ધમકી આપવી, ભયંકર હથિયાર વડે ઈજા પહોંચાડવી, ગેરકાયદેસર મંડળી રચવી અને ગુનાહિત કાવતરું જેવી ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ગુનાઓ Indian Penal Code એટલે કે IPCની 9 કલમો હેઠળ નોંધાયા છે. જેમાં અપરાધીને સખત સજા થઈ શકે છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ દેવાયત ખવડ અને તેમના સાગરીતોએ કોઈ અંગત અદાવત કે વિવાદના કારણે મારામારી અને હુમલો કર્યો હતો. જેમાં એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
સમગ્ર પંથકમાં ચકચાર
આ ઘટના બાદ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે તાત્કાલિક ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. પોલીસે આ મામલાની વધુ તપાસ હાથ ધરી હતી અને આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. દેવાયત ખવડ અગાઉ પણ આવા જ પ્રકારના ગુનાઓમાં સંડોવાઈ ચૂક્યો છે. જેના કારણે તેની વિરુદ્ધ પોલીસ કાર્યવાહી થઈ હતી. આ નવા ગુના બાદ પોલીસ કડક વલણ અપનાવે તેવી શક્યતા છે. આ ઘટના બાદ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો છે અને પોલીસ દ્વારા શાંતિ જાળવવા માટે પણ પગલાં ભરવામાં આવી રહ્યા છે.