કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અત્યારે કેરળના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે કેન્દ્ર સરકારના એ બિલનો પણ ઉલ્લેખ કર્યો કે જેના અંતર્ગત પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી અથવા તો કોઈપણ મંત્રી જો ગંભીર અપરાધિક આરોપોમાં 30 દિવસથી વધારે સમય સુધી જેલમાં રહે તો તેમને પદ પરથી હટાવી દેવામાં આવશે. અમિત શાહે એક ખાનગી ન્યુઝ ચેનલ સાથે વાત કરતા કહ્યું કે, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જેલમાં ગયા પછી પણ સરકાર ચલાવી રહ્યા હતા. જો કેજરીવાલે જેલમાં ગયા પછી રાજીનામું આપી દિધું હોત તો પછી આજે આ બિલ લાવવાની જરૂર જ ન રહેતી.
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહએ નિવેદન આપતાં કહ્યું કે
“શું દેશની જનતા ઈચ્છે છે કે કોઈ મુખ્યમંત્રી જેલમાં રહીને સરકાર ચલાવે? હવે આ લોકો (વિપક્ષી પક્ષો) કહે છે કે બંધારણમાં આવી કોઈ જોગવાઈ પહેલા કેમ ન હતી? અરે, જ્યારે બંધારણ બનાવાયું હતું, ત્યારે આવા નિર્લજ્જ લોકોની કલ્પના જ નહોતી કરવામાં આવી કે જેલમાં ગયા પછી પણ તેઓ રાજીનામું નહીં આપે.”
તેમણે વધુમાં કહ્યું કે આ બિલ કોઈ એક પાર્ટી માટે નથી, પણ તે ભાજપના મુખ્યમંત્રીઓ અને પ્રધાનમંત્રી પર પણ લાગુ પડશે.
શાહે યાદ અપાવ્યું કે 70 વર્ષ પહેલા એક એવી ઘટના બની હતી જેમાં ઘણા મંત્રી અને મુખ્યમંત્રી જેલ ગયા હતા અને જેલમાં જવાની પહેલાં સૌએ રાજીનામું આપી દીધું હતું. પરંતુ થોડા સમય પહેલાં એક ઘટના બની, જેમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી જેલમાં ગયા હોવા છતાં પણ સરકાર ચલાવી રહ્યા હતા.
અંતે તેમણે પ્રશ્ન કર્યો કે – “તો શું બંધારણમાં ફેરફાર થવો જોઈએ કે નહીં? લોકશાહીમાં નૈતિકતાનો સ્તર જાળવી રાખવાની જવાબદારી સત્તાપક્ષ અને વિપક્ષ બંનેની છે.”