બનાસકાંઠા જિલ્લાના થરાદ શહેરમાં એક સનસનીખેજ ઘટના સામે આવી છે. અહીં એક વિધર્મી યુવકે 14 વર્ષની સગીર વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ગંભીર ફરિયાદ નોંધાઈ છે. યુવકના મિત્રએ પણ આ કૃત્યમાં તેની મદદ કરી હોવાનો ખુલાસો થયો છે.
મળતી માહિતી અનુસાર, આશરે એક મહિના પહેલા સગીર વિદ્યાર્થીની જ્યારે શાળાએ જઈ રહી હતી, ત્યારે વિધર્મી યુવકે તેને રિક્ષામાં બેસાડી એક હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. આ દરમિયાન યુવકે વિદ્યાર્થીનીને ધમકી આપી હતી કે જો તે આ બાબત કોઈને કહેશે કે મોબાઈલ પર વાત નહીં કરે, તો તે તેના માતા-પિતાને મારી નાખશે. આ ધમકીથી ભયભીત થઈ સગીરાએ આ મામલે કોઈને કંઈજ ન કહ્યું કારણ કે, તે અતિશય ડરી ગઈ હતી.
જો કે, થોડા સમય બાદ વિદ્યાર્થીનીએ આખી ઘટના પોતાના પરિવારજનોને જણાવી દીધી હતી. ઘટનાની જાણ થતાં જ પરિવારે થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
થરાદ પોલીસે સગીરાની ફરિયાદના આધારે વિધર્મી યુવક અને તેના મિત્ર સામે પોક્સો (POCSO) એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસએ બંને આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને કેસની વધુ તપાસ શરૂ કરી છે.